740 Total Views
અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અને અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંતમાં હાલમાં રહી રહેલા અમરૂલ્લાહ સાલેહનુ તાલિબાન સામે આકરૂ વલણ યથાવત છે.
સાલેહે એક ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, તાલિબાને પોતાના સપોર્ટ બેઝ તરીકે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો છે. અમેરિકા પાકિસ્તાનને પૈસા મોકલતુ હતુ અને પાકિસ્તાન તેનો ઉપયોગ તાલિબાનનુ સમર્થન કરવા માટે કરતુ હતુ. જેટલી વધારે મદદ અમેરિકાએ પાકિસ્તાનને કરી હતી તેટલી જ વધારે સેવા પાકિસ્તાને તાલિબાનની કરી હતી.
સાલેહે દોહામાં યોજાયેલી મંત્રણાને પણ તાલિબાનની સફળતાનુ કરાણ ગણાવતા કહ્યુ હતુ કે, તાલિબાને આંતરરાષ્ટ્રિય સમુદાયને દગો આપ્યો છે અને હવે અહેમદ શાહ મસૂદના નેતૃત્વમાં નોર્ધન એલાયન્સ તાલિબાન સાથે જંગ માટે તૈયાર છે.
તેમણે કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછુ બોલાવવાનો નિર્ણય બહુ ખોટો છે અને તેની કિંમત અમેરિકાએ ચુકવવાની શરૂ કરી દીધી છે.
સાલેહે આ નિવેદન એ સંદર્ભમાં આપ્યુ છે કે, અફઘાનિસ્તાનમાં અલકાયદા ફરી બેઠુ થઈ રહ્યુ હોવાની ચર્ચા છે. અમેરિકાના સુરક્ષા નિષ્ણાતો પણ આ બાબતનો સંકેત આપી રહ્યા છે.