GUJARAT

UP: CM યોગીના મિહિરભોજની પ્રતિમાના અનાવરણ મુદ્દે વિવાદ, રાજપૂતોએ આપી આંદોલનની ચીમકી

 729 Total Views

– ઈતિહાસકાર પણ એવો દાવો કરી રહ્યા છે કે, તેમને મિહિરભોજ કોઈ ગેરરાજપૂત જાતિના પૂર્વજ હોવાનું કોઈ પ્રમાણ નથી મળ્યું

નવી દિલ્હી, તા. 17 સપ્ટેમ્બર, 2021,શુક્રવાર

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા તમામ રાજકીય દળો પોતપોતાના સ્તરે મતદારોને આકર્ષવા પ્રયત્નો કરી રહ્યા છે. ભાજપ પણ જૂના નાયકોને સન્માન અને ઓળખ અપાવવાના પ્રયત્નમાં લાગ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગામી સપ્તાહે યોદ્ધા અને શાસક મિહિરભોજની પ્રતિમાનું અનાવરણ કરવા માટે દાદરી આવી રહ્યા છે પરંતુ તેને લઈ વિવાદ સર્જાયો છે.

રાજપૂતોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 9મી સદીના શાસક મિહિરભોજની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે તે યોજનાને લઈ આંદોલન કરવાની ધમકી ચેતવણી આપી છે. યોગી આદિત્યનાથ 22 સપ્ટેમ્બરના રોજ દાદરીમાં મિહિરભોજની પ્રતિમાનું અનાવરણ કરવાના છે, જેમના વિશે ભાજપના સ્થાનિક ધારાસભ્યએ ગુર્જરોના પૂર્વજ હોવાનો દાવો કર્યો હતો.

રાજપૂત સંસ્થાઓએ આને તુષ્ટિકરણની રાજનીતિ ગણાવી હતી તથા એવો દાવો કર્યો હતો કે, મિહિરભોજ ક્ષત્રિય રાજપૂત સમુદાયના હતા અને ગુર્જર નહોતા.

અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના અધ્યક્ષ મહેન્દ્ર સિંહ તંવરે જણાવ્યું કે, ‘અમે સાંભળ્યું છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સમ્રાટ મિહિરભોજની એક પ્રતિમાનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. તેઓ સમ્રાટ મિહિરભોજની પ્રતિમાનું ઉદ્ઘાટન ભલે કરે પરંતુ મિહિરભોજને ગુર્જર સમુદાય સાથે જોડી દેવા એ ઐતિહાસિક તથ્યો સાથેની તોડમરોડ છે અને થોડા મત મેળવવા માટે આવું તુષ્ટિકરણ કરવામાં આવે તે પણ ખોટું છે. અગાઉ હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં રાજપૂતોને તેમના વંશથી બદનામ કરવા માટે આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા છે.’

વિશ્વ ક્ષત્રિય ઉત્તરદાયિત્વ પરિષદના અધ્યક્ષ ભાનુ પ્રતાપ સિંહના કહેવા પ્રમાણે ‘ક્ષત્રિયોના ઈતિહાસને તોડવા અને મરોડવામાં આવે તે કોઈ પણ રીતે સહન નહીં કરવામાં આવે. જો આ સિલસિલો ચાલુ રહેશે તો ક્ષત્રિય સમુદાય વિરોધ દર્શાવવા રસ્તાઓ પર ઉતરવા મજબૂર બનશે.’

રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ રઘુવંશીએ જણાવ્યું કે, સમ્રાટ મિહિરભોજ ગુર્જર-પ્રતિહાર સમ્રાટના નામે ઓળખાતા હતા. તેમની જાતિ પ્રતિહાર હતી જે એક રાજપૂત વંશ છે અને ગુર્જર એ ક્ષેત્રનું નામ છે જ્યાં ગુજરાતની વર્તમાન સ્થિતિ હતી.

આ બધા વચ્ચે ઈતિહાસકાર પણ એવો દાવો કરી રહ્યા છે કે, તેમને મિહિરભોજ કોઈ ગેરરાજપૂત જાતિના પૂર્વજ હોવાનું કોઈ પ્રમાણ નથી મળ્યું.

Leave a Reply

Your email address will not be published.