GUJARAT

ત્રિકોણીયા પ્રેમસંબંધનો કરૂણ અંજામ, પ્રેમપંથના કાંટારૂપ પતિને છૂટાછેડા ન આપવા ભારે પડ્યા, રહસ્યમય હત્યા કરાઈ

 881 Total Views

રાજ્યમાં હમણાં હમણાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પેટલાદ તાલુકાના ખડાણા ગામે રીક્ષાચાલકની થયેલી રહસ્યમય હત્યા પરથી આખરે ત્રીજા દિવસે પર્દાફાશ થયો છે. મૃતકની પત્નીએ જ પ્રેમી સાથે મળીને હત્યા કરાવી નાંખી હોવાનું ઘટનામાં ખુલ્યું છે. આ ઘટનામાં પોલીસે કુલ ચાર શખ્સોને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગત 4થી તારીખના રોજ ખડાણા ગામના ચૌહાણપુરા ગામે રહેતા અને રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા દિનેશભાઈ નટુભાઈ ચૌહાણની નીલગીરીના ખેતરમાંથી ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જે અંગે પેટલાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.

આ ઘટનામાં પોલીસને મૃતક દિનેશભાઈની પત્ની કરૂણા ઉર્ફે રંજનના પિયર પક્ષના પ્રેમસંબંધની માહિતી મળી હતી. જેથી પોલીસની એક ટીમ કરૂણા ઉર્ફે રંજનના પીયર ઝાલાબોરડી ગામે પહોંચી ગઈ હતી અને ત્યાં તપાસ કરતા તેના પ્રેમી અરવિંદસિંહ બળવંતસિંહ પરમારની માહિતી મળતાં જ પોલીસે તેને ઉઠાવી લીધો હતો અને પૂછપરછ કરતાં તે પ્રથમ તો ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. પરંતુ આખરે તેણે જ આ હત્યાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી લીધી હતી.

આ ઘટનામાં કરૂણા ઉર્ફે રંજનના લગ્ન સાતેક વર્ષ પહેલા દિનેશભાઈ ચૌહાણ સાથે થયા હતા. પરંતુ લગ્નના પાંચેક વર્ષ પહેલાથી કરૂણા અને અરવિંદસિંહ એકબીજાને અનહદ પ્રેમ કરતા હતા. કરૂણા પતિથી છૂટાછેડા લેવા માટે દિનેશભાઈ સાથે ઝઘડાઓ કરતી હતી. તેમ છતાં પણ કોઈપણ ભોગે દિનેશભાઈ તેણીને છૂટાછેડા આપવા તૈયાર થયો નહોતો. જેથી કરૂણા ઉર્ફે રંજન અને અરવિંદસિંહે ભેગા મળીને દિનેશ રૂપી કાંટાને પ્રેમપથના રસ્તા પરથી હટાવી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ઘટનાની રાત્રે અરવિંદસિંહે પોતાના બે મિત્રો અનિરૂદ્ઘસિંહ ઉર્ફે વિપુલ ભગવાનસિંહ પરમાર અને ગોપાલસિંહ દલપતસિંહ પરમારને પણ તૈયાર કર્યા હતા. બનાવની રાત્રિએ એટલે કે ૩જી તારીખના રોજ કરૂણાએ પ્રેમીને ફોન કરીને ખડાણા ગામે બોલાવી લીધો હતો. રાત્રીના સુમારે બાઈક પર અરવિંદસિંહ અને તેના બન્ને મિત્રો સવાર થઈને ચૌહાણપુરા ગામે પહોંચ્યા હતા, જ્યાં ઘરથી થોડે દૂર આવેલા ખેતરમાં સુઈ રહેલા દિનેશભાઈના ગળાના ભાગે અરવિંદસિંહે ઉપરાછાપરી ચપ્પાના ઘા મારી દીધા હતા.

જેમાં સ્થળ પર જ દિનેશભાઈનું મોત થયું હતું. ત્યારબાદ લાશને પુરાવાના નાશના ભાગરૂપે ખાટલા સાથે ઉંચકીને થોડે દૂર આવેલા નીલગીરીના ખેતરમાં મૂકી આવ્યા હતા અને ત્યારબાદ બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે ચારેયની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published.