India

ખેડૂત આંદોલન મુદ્દે સરકારમાં પણ દિવસભર ધમધમાટ.

 1,304 Total Views

કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા ૧૯ દિવસથી દિલ્હીની સરહદે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો દ્વારા સોમવારે ૯ કલાક માટે ભૂખ હડતાળ પાડવામાં આવી હતી. ૪૦ જેટલા ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હીની વિવિધ સરહદે ધરણાં કરીને હડતાળ પાડવામાં આવી હતી. તેમને સમર્થન આપી રહેલા અન્ય ખેડૂત સંગઠનો દ્વારા પોતાના રાજ્યોમાં જિલ્લા સ્તરે ધરણાં કરવામાં આવ્યાં હોવાના અહેવાલ છે. ભારતીય કિસાન યુનિયનના જનરલ સેક્રેટરી હરિન્દરસિંહે જણાવ્યું હતું કે, દિલ્હીની સિંધુ સરહદે ૨૫ સંહગઠનો, ટિકરી સરહદે ૧૦ સંગઠનો અને યુપી સરહદે પાંચ સંગઠનો દ્વારા ભૂખ હડતાળ કરવામાં આવી હતી. અન્ય ખેડૂત નેતાએ જણાવ્યું કે, સરકાર ખેડૂતોનું આંદોલન પૂરું કરાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે પણ અમે કાયદો રદ કરાવ્યા વગર માનીશું નહીં.

ખેડૂત આંદોલન મુદ્દે સરકારમાં પણ દિવસભર ધમધમાટ રહ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને કૃષિમંત્રી અને અન્ય મંત્રીઓ તથા અધિકારીઓની બેઠકના દૌર ચાલ્યા હતા. ખેડૂત નેતાઓ સાથે ચર્ચા કરવાની રૂપરેખા અને આગામી રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.

ફૂટ પાડવામાં આવી રહી છે : બુટાસિંહ

ખેડૂત નેતા બુટાસિંહે જણાવ્યું કે, સરકાર દ્વારા ખેડૂતોમાં ફૂટ પાડવામાં આવી રહી છે. ક્યારેક અમને આતંકી કહેવામાં આવે છે તો ક્યારેક નક્સલી તો ક્યારેક ચીન અને પાકિસ્તાન સાથે જોડવામાં આવે છે. સરકાર ફૂટ પાડવાના પ્રયાસ કરે છે પણ અમે મક્કમ છીએ.

ચર્ચા માટે તત્પર : કૃષિમંત્રી

કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે, ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે સરકાર કાયમ તૈયાર અને તત્પર છે. ખેડૂતો ઈચ્છે તો દરેક કાયદાની દરેક કલમ અંગે ચર્ચા કરવામાં આવશે. પીયૂષ ગોયલે જણાવ્યું કે, અસલ ખેડૂતો કૃષિ કાયદાનું મહત્ત્વ સમજે છે અને તેઓ સમર્થન આપી રહ્યાં છે. આંદોલન રાજકારણ પ્રેરિત છે.

ખેડૂતોએ માફી પણ માગી

ખેડૂત સંગઠનોએ આ મુદ્દે પત્રિકાઓ બહાર પાડીને જણાવ્યું હતું કે, અમે રસ્તા રોકીને, સરહદો ઉપર ચક્કાજામ કરીને કે આંદોલનો કરીને લોકોને હેરાન કરવા નથી માગતા. અમારે મજબૂરીમાં અમારા અધિકાર માટે આ બધું કરવું પડે છે. તેના કારણે લોકોને જે તકલીફ પડે છે તેના બદલ અમે માફી માગીએ છીએ.

Leave a Reply

Your email address will not be published.