1,922 Total Views
કૃષિ કાયદાના વિરોધમાં એક મહિનાથી દિલ્હી સરહદે ખેડૂતો આંદલોન કરી રહ્યા છે. આ આંદોલનમાં શુક્રવારે ફરી એક વખત ઉગ્રતા જોવા મળી હતી. હરિયાણા, ઉત્તરાખંડ અને દિલ્હી સરહદે કેટલાક ખેડૂતો આંદોલનકારીઓને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. શાહજહાંપુર ખાતે પોલીસ સાથે ઘર્ષણ બાદ હાઈવેની બીજી બાજુ બંધ કરાતા દિલ્હી અને જયપુર વચ્ચેનો સંપર્ક કપાયો હતો. તે ઉપરાંત ઉત્તરાખંડમાં ખેડૂતોના એક સંગઠન દ્વારા પોલીસ સામે ટ્રેક્ટર દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ ટ્રેક્ટરની મદદથી બેરિકેડ પાડી નાખ્યા હતા. આ ઉપરાંત ખેડૂત સંગઠનના સભ્યોએ શુક્રવારે સવારે હરિયાણાના સંખ્યાબંધ ટોલ પ્લાઝા સામેના બેરિકેડ દૂર કરીને દરવાજા ખુલ્લા કરીને વાહનોની ટોલ મુક્ત અવરજવર સંભવ કરી હતી. બીજી તરફ પંજાબના ભટિંડા ખાતે ભારતીય ખેડૂત યુનિયનના ખેડૂતોએ ભાજપના કાર્યાલયને ઘેરાવ કર્યો હતો. પોલીસે તેમને અટકાવતા ખેડૂતોએ તોડફોડ કરી હતી. આ ઉપરાંત લુધિયાણામાં રિલાયન્સ પેટ્રોલ પંપને ઘેરાવ કરીને ખેડૂતોએ લોકોને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ-ડીઝલ ભરાવતા રોક્યા હતા. ખેડૂતો ઠેર ઠેર ધરણા પર બેઠા હતા.
સપા ઉત્તરપ્રદેશના ગામેગામ કરી રહી છે ચૌપાલ
કૃષિ કાયદાઓ સામે ઉત્તરપ્રદેશમાં પણ ઉકળાટ પ્રવર્તી રહ્યો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ખેડૂતોને મુદ્દે સોશિયલ મીડિયાથી માંડીને સડક પર મોરચો ખોલી દીધો છે. કૃષિ કાયદાના વિરોધમાં સપા કાર્યકર્તાએ શુક્રવારે ગામેગામ ચૈપાલનું આયોજન કરીને ખેડૂતો સાથે વાતચીત કરી હતી. અખિલેશ યાદવે જણાવ્યું હતું કે ખેડૂતોને ભાજપ શાસનમાં સૌૈથી વધુ નુકસાન થયું છે.
દિલ્હી સરહદે ખેડૂત મોલ ખોલવામાં આવ્યા
ટિકરી સરહદે ખાલસા એડ ઇન્ડિયા નામની એક એનજીઓ સંસ્થાએ ખેડૂત મોલ ખોલી નાખ્યો છે. મોલમાં ખેડૂત આંદોલનકારીઓને જરૂરી તમામ સામગ્રી ટોકન દ્વારા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. મોલના રેક પરથી ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાબુ, તેલ , શેમ્પૂ, વેસેલિન, મફલર, હીટિંગ પેડ્સ, થર્મલ શૂટ, શાલ અને ધાબળા જેવી સામગ્રી ઉપલબ્ધ છે.
ખેડૂત નેતાઓની બેઠક આજે, વડાપ્રધાનની અપીલ પર થશે ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલ અને કૃષિ મંત્રાલયે વાટાઘાટો મુદ્દે પાઠવેલા પત્ર સંબંધે પ્રતિક્રીયા આપવા રાષ્ટ્રીય ખેડૂત સંયુક્ત મોરચાની આવતીકાલે શનિવારે બેઠક મળશે. શુક્રવારે માત્ર પંજાબના સંગઠનની બેઠક મળી હતી. રાષ્ટ્રીય ખેડૂત સંયુક્ત મોરચાની બેઠક શનિવારે મળશે.