1,477 Total Views
રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને કંગના રનૌતનું નામ લીધા વગર નિશાન સાંધ્યું છે. બચ્ચને કહ્યું હતું કે ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી જે લોકોએ નામ કમાયુ તેને જ ગટર ગણાવી રહ્યા છે. હું આની સાથે બિલકુલ સહમત નથી.’ તેમણે સરકારને અપીલ કરી કે તેઓ એવા લોકોને કહે કે આ પ્રકારની ભાષાનો ઉપયોગ ના કરે. તેમણે એક સમયે એવા લોકો માટે પણ કહ્યું કે ‘જે થાળીમાં ખાઓ છો તેમાં જ છેદ કરો છો.’ જયા બચ્ચન એ કહ્યું કે ‘મનોરંજન ઇન્ડસ્ટ્રીઝ દરરોજ 5 લાખ લોકોને સીધી રોજગારી આપે છે. એવા સમયે જ્યારે અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે, લોકોનું ધ્યાન હટાવા માટે અમને (બોલિવુડ) સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવી રહ્યા છે.’
કંગનાએ આપ્યો વળતો જવાબ
કંગના રનૌત એ ટ્વીટ કરી કહ્યું કે જયા જી, તમે ત્યારે પણ એ જ વાત કહેશો, જો મારી જગ્યાએ તમારી દીકરી શ્વેતાને ટીનએજમાં મારવામાં આવત, ડ્રગ અપાત અને છેડખાની કરવામાં આવી હોત. શું તમે ત્યારે પણ આ જ કહેત જો અભિષેક સતત બુલિંગ અને ઉત્પીડનની ફરિયાદ કરત અને એક દિવસ ફાંસી પર લટકેલ મળે? અમારા માટે પણ કરૂણાથી હાથ જોડીને દેખાડો. ઉલ્લેખનીય છે કે કંગના રનૌત હાલ મનાલી છે.
સૌથી વધુ ટેક્સ ભરનાર બોલિવૂડમાંથી : જયા બચ્ચન
પીઢ અભિનેત્રીએ રાજ્યસભામાં કહ્યું કે “મનોરંજન ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા લોકો છે જેઓ સૌથી વધુ ટેક્સ ભરે છે. તેમ છતાંય તેઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. અમારી ઇન્ડસ્ટ્રીઝને કેટલાંય વચનો આપવામાં આવે છે પરંતુ તે પૂરા થતા નથી.” તેમણે કહ્યું કે સરકારે મનોરંજન ઇન્ડસ્ટ્રીઝની સાથે ઉભા રહેવું જોઈએ કારણ કે આ ઇન્ડસ્ટ્રીઝ સરકારની મદદ માટે દર વખતે આગળ આવે છે.
કંગનાએ શું કહ્યું હતું?
કંગનાએ 26 ઓગસ્ટના સાંજે એક ટ્વિટમાં પ્રધાનમંત્રી કાર્યાલયને ટેગ કરતા એક ટ્વીટ કરી હતી. તેણે લખ્યું હતું કે, “જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો બોલીવુડની તપાસ કરશે તો પહેલી હરોળના ઘણા સ્ટાર્સ જેલના સળિયા પાછળ હશે. જો બ્લડ ટેસ્ટ થશે તો કેટલીય ચોંકાવનારી વાતો સામે આવળે. આશા છે કે પ્રધાનમંત્રીજી સ્વચ્છ ભારત મિશન હેઠળ બોલિવૂડ જેવી ગટરને સાફ કરશે. “