Business

મગફ્ળીની જંગી આવકો વચ્ચે સિંગતેલના ભાવમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે…

 1,471 Total Views

મગફ્ળીની જંગી આવકો વચ્ચે સિંગતેલના ભાવમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. શુક્રવારે સૌરાષ્ટ્ર ખાતે લૂઝ સિંગતેલ વધુ રૂ. ૫૦થી ૬૦ની મજબૂતીએ રૂ. ૧૩૫૦-૧૩૬૦ના સ્તરે બોલાતું હતું. જ્યારે સિંગતેલ ટીનનો ભાવ રૂ. ૨૩૦૦ આસપાસ પહોંચ્યો હતો. જે ભરવાની સિઝનમાં પ્રથમવાર આટલી ઊંચી સપાટી પર જોવા મળ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં સિંગતેલનો ડબ્બો રૂ. ૧૮૦૦-૧૮૫૦ના સ્તર પર બોલાતો હતો. સિંગતેલમાં નીચા ભાવે ફેરવર્ડ નિકાસ ઓર્ડર કરનારાઓની બજારમાં લેવાલીને કારણે ભાવ ઝડપી ઊછળ્યા હોવાનું વર્તુળો જણાવે છે. બીજું કારણ શરૂઆતી અપેક્ષા કરતાં પાકમાં નોંધપાત્ર ગાબડું જોવા મળી રહ્યું હોવાનું પણ વર્તુળો જણાવે છે.

રાજ્યમાં દૈનિક ધોરણે ૨-૨.૫ લાખ ગુણી(એક ગુણી ૩૫ કિગ્રા) મગફ્ળીની આવકો થઈ રહી છે. છેલ્લા ૧૫ દિવસથી સ્થિતિ લગભગ આવી છે. સામાન્યરીતે ફ્લશ સિઝનમાં ભાવ પર થોડું દબાણ જોવા મળતું હોય છે અને માત્ર સિંગતેલ જ ખાતો વર્ગ દબાયેલા ભાવોનો લાભ લઈ વર્ષની એકસામટી ખરીદી કરતો હોય છે. જોકે ચાલુ સિઝનમાં તે આમ કરે તે અગાઉ ભાવ ઊછળી ગયા છે અને હજુ તેમાં વધુ સુધારાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ભાવ વધવાનું મુખ્ય કારણ ટ્રેડર્સે જંગી પાકની અપેક્ષાએ નીચા ભાવે સિંગતેલ નિકાસમાં કરેલા ફેરવર્ડ સોદાઓ છે. તેમણે નવેમ્બર આખર સુધીમાં ડિલિવરી આપવાની છે. એક અંદાજ મુજબ અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ ટન સિંગતેલ નિકાસના સોદા થયા છે. જેમાંથી ૩૦ હજાર ટન જેટલો માલ તો રવાનો થઈ ચૂક્યો છે. બજારમાંથી હજુ ૨૦ હજાર ટન માલ ખરીદવાનો છે. જે ભાવને મજબૂત જાળવી શકે છે. સિઝનની શરૂમાં ૧૬૫૦ ડોલર પ્રતિ ટન પોર્ટ પહોંચના ભાવે નિકાસ સોદા થયા હતા. જે ભાવ હાલમાં ૧૯૦૦ ડોલર પર પહોંચ્યો છે. સામાન્યરીતે ફેરવર્ડ સોદાઓ કરનારાઓ મગફ્ળીના ભાવ નીચા જળવાશે એવી આશામાં સિંગતેલનું આગોતરું વેચાણ કરી દે છે. જોકે પાછળથી ભાવમાં મજબૂતી જોવા મળતાં તેઓએ તેલ લેવા માટે દોટ મૂકવી પડે છે.

બજાર વર્તુળોના મતે ચાલુ સિઝનમાં સિંગતેલની નિકાસ ગઈ સિઝન કરતાં બમણી રહેવાની શક્યતા છે. ગયા વર્ષે કુલ ૪૦ હજાર ટન સિંગતેલની નિકાસ સામે અત્યાર સુધીમાં જ ૫૦ હજાર ટનના સોદાઓ થઈ ચૂક્યા છે. જ્યારે વધુ ૩૦-૫૦ હજાર ટનના સોદાઓ થશે એવું બજાર માને છે. આમ સિંગતેલની નિકાસ બમણી રહેશે. મોટાભાગની નિકાસ ચીન ખાતે થાય છે. ચીન ઉત્તરોત્તર ભારત ખાતેથી વધુને વધુ સિંગતેલ ખરીદી રહ્યું છે. આફ્રિકામાં નવી મગફ્ળી ડિસેમ્બરમાં બહાર આવતી હોય છે અને હાલમાં ભારત સિવાય ક્યાંય નવી આવકો જોવા મળતી નથી. ચાલુ સિઝનમાં મગફ્ળીના પાકને લઈને પણ મોટી દ્વિધા પ્રવર્તી રહી છે. વાવેતરની શરૂમાં ૪૨-૪૫ લાખ ટનની અપેક્ષા સામે હાલમાં ૩૦ લાખ ટનથી વધુનો પાક નથી એમ મોટો વર્ગ માની રહ્યો છે. સતત ભારે વરસાદને કારણે મગફ્ળીની ક્વોલિટી પર અને ઉત્પાદક્તા પર મોટી અસર થવાથી વાવેતરમાં જોવા મળેલી વૃદ્ધિનો કોઈ લાભ મળ્યો નથી. તેલમાં લાવ-લાવ પાછળ ઉત્તમ ક્વોલિટીની મગફ્ળી રૂ. ૧૩૦૦ પ્રતિ મણ સુધી બોલાઈ ગઈ છે. જ્યારે સામાન્ય માલોના રૂ. ૯૫૦-૧૦૦૦ મળી રહ્યા છે. જેથી નાફેડ જેવી સંસ્થાઓને ટેકાના ભાવે ખરીદીમાં મોટી રાહત મળી છે.

Leave a Reply

Your email address will not be published.