GUJARAT

દીકરાની ધરપકડને લઈ મુનવ્વર રાણા ભડક્યા, કહ્યું- સાંસદના દીકરા જેવો કેસ, મને પણ મંત્રી બનાવી દો

 484 Total Views

– મુનવ્વર રાણાનો ઈશારો મોહનલાલગંજ ખાતે ભાજપના સાંસદ કૌશલ કિશોર પર હતો

રાયબરેલી પોલીસે બુધવારે શાયર મુનવ્વર રાણાના દીકરા તબરેજ રાણાની ધરપકડ કરી હતી. તબરેજ રાણા પર પોતાના પર હુમલો કરાવવાનો આરોપ છે. દીકરાની ધરપકડ થવાના કારણે મુનવ્વર રાણા ભડકી ઉઠ્યા હતા. તેમના કહેવા પ્રમાણે રાયબરેલી પોલીસે નહીં પણ ઉત્તર પ્રદેશ પોલીસે તેમના દીકરાની ધરપકડ કરી છે.

મુનવ્વર રાણાએ જણાવ્યું કે, ‘રાયબરેલી પોલીસે તેની ધરપકડ નથી કરી. તેને તો યુપી પોલીસે એરેસ્ટ કર્યો છે. પોલીસની જિદ હતી. મારા દીકરા પર 211, 120બીની કલમ લગાવી દીધી. માંડ અટક્યા કે વધુ એકાદ કલમ લગાવી દે. આતંકવાદીની કલમ લગાવી દે. તો બીજી કોઈ લગાવી દે. આતંકવાદીની કલમ તો તેઓ મુનવ્વર રાણા પર લગાવે છે.’

વધુમાં જણાવ્યું કે, ‘એક સાંસદના દીકરા પર પણ આવો જ કેસ ચાલ્યો હતો. તો મોદીજીએ તેમને મંત્રી બનાવી દીધા. તો જો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, બધું છે તો મોદીજી મને પણ મંત્રી બનાવી દે. કારણ કે મારા દીકરાએ પણ એવો જ ગુનો કર્યો છે.’

મુનવ્વર રાણાનો ઈશારો મોહનલાલગંજ ખાતે ભાજપના સાંસદ કૌશલ કિશોર પર હતો. તેમના દીકરા પર માર્ચ મહિનામાં ગોળી ચલાવાઈ હતી. બાદમાં લખનૌ પોલીસે દાવો કર્યો હતો કે, તેમના દીકરાએ પોતાના સાળાની મદદથી પોતાના પર ગોળી ચલાવડાવી હતી. કૌશલ કિશોરને કેબિનેટ વિસ્તારમાં આવાસ અને શહેરી મામલાના મંત્રાલયમાં રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.

શું છે આખો કેસ?

28 જૂનના રોજ રાયબરેલી શહેર કોતવાલી વિસ્તારમાં સાંજે 5:30 કલાકે તબરેજ પર ફાયરિંગ થયું હતું. પોલીસે આ કેસમાં સામેલ 2 શૂટર સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. પુછપરછ દરમિયાન આરોપીઓએ તબરેજે પોતે જ પોતાના પર હુમલો કરાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસનો દાવો છે કે, તે આ રીતે ગોળીબારનો આરોપ પોતાના પરિવારના લોકો પર લગાવવા માંગતો હતો.

Leave a Reply

Your email address will not be published.