GUJARAT

કેરળમાં ચોમાસું મોડું શરૂ થવાની આગાહી, જાણો હવે કઈ તારીખે એન્ટ્રી થશે

 950 Total Views

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર પહેલી જુનથી દક્ષિણ-પશ્ચિમી હવા ધીમે ધીમે જોર પકડી શકે છે.

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસુ અનુમાન કરતા બે દિવસ મોડુ શરૂ થઈ શકે છે. કેરળમાં ચોમાસાનું આગમન ત્રીજી જુને થવાની શક્યતા છે. આ પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે 31 મે એટલે કે આજે ચોમાસાની શરૂઆત થશે. જો કે તેમા હવે બે દિવસ મોડુ થશે.

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર પહેલી જુનથી દક્ષિણ-પશ્ચિમી હવા ધીમે ધીમે જોર પકડી શકે છે. જેને લીધે કેરળમાં વરસાદ સંબંધી ગતિવિધીમાં તેજી આવી શકે છે. જે જોતા કેરળમાં ત્રણ જુનની આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે. આ ઉપરાંત આ વર્ષે ચોમાસુ કેવુ રહેશે તે અંગે આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ મોનસૂન સામાન્ય રહેવાની શક્યતા છે. જુનથી લઈને સપ્ટેમ્બર સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગે જણાવ્યું કે કર્ણાટક તટ પર સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગતિ પર અસર પડી છે. આગામી પાંચ દિવસમાં પૂર્વોત્તર રાજ્યોના કેટલાક સ્થળો પર વરસાદ પડી શકે છે. કેરળમાં સામાન્ય રીતે પહેલી જુને ચોમાસાનું આગમન થતું હોય છે. જો કે એક દિવસ વહેલા શરૂ થવાનું અનુમાન હતુ. જેમાં હવે બે દિવસનું મોડુ થયું છે. સાથે જ આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન છે.

રાજ્યમાં પ્રિ મોનસૂન એક્ટિવિટિ શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ચાર દિવસ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે આજે વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. તો આવતીકાલે ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી અને બુધવારે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી વરસાદની આગાહી કરાઈ છે. તો શુક્રવારે વલસાડ, નવસારી, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published.