International

ઇરાને એવી જાહેરાત કરી કે અમેરિકાને ધોળા દિવસે તારા દેખાઇ ગયા!

 350 Total Views

અમેરિકા અને ઇરાન વચ્ચેનો તણાવ જગજાહેર છે તેની વચ્ચે ઇરાને એવી જાહેરાત કરી દીધી કે અમેરિકાને ધોળા દિવસે તારા દેખાઇ ગયા. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને બે જમીનથી જમીન સુધી માર કરવામાં સક્ષમ મિસાઇલોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઇરાને તેના ટોચના કમાન્ડરના નામ પર ‘શહીદ કાસિમ સુલેમાની’ નામ આપ્યું છે, જે લગભગ 1400 કિલોમીટરના અંતર સુધી માર કરવામાં સક્ષમ છે. તો બીજી ક્રૂઝ મિસાઇલનું નામ ઇરાન દ્વારા શહીદ અબુ મહદી રાખવામાં આવ્યું છે. ઇરાની નૌકાદળની આ મિસાઇલની રેન્જ લગભગ 1000 કિ.મી.ની ધરાવે છે.

ઇરાને ઇઝરાયલ, અમેરિકા, યુએઈને ચેતવણી આપી છે

ઇરાકમાં યુએસના મિસાઇલ હુમલામાં કમાન્ડર કાસિમ સુલેમાની અને અબૂ મહદીના મોત થયા હતા. ત્યાર બાદથી યુએસ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. યુએસ સતત ઈરાનને તેના મિસાઇલ પરીક્ષણને બંધ કરવાની માંગણી કરી રહ્યું છે. હવે બે નવી મિસાઇલોનું પરીક્ષણ કરીને ઈરાને યુએસ અને તેના સાથી ઇઝરાઇલ, સાઉદી અરેબિયા અને યુએઈને કડક ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો છે. ઈરાનના સંરક્ષણમંત્રી અમીર હતામીએ આ બંને મિસાઇલોના સફળ પરીક્ષણની જાહેરાત કરી છે.

ઇરાનના રાષ્ટ્રપતિએ મિસાઇલ પરીક્ષણને એક સિદ્ધિ ગણાવી

આ મિસાઇલોના પરીક્ષણની તસવીરો ઈરાનની સરકારી ટીવી ચેનલ પર બતાવવામાં આવી હતી અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે ઈરાનની પ્રતિરોધક ક્ષમતાને વધારશે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું કે આ મિસાઇલો ખાસ કરીને ક્રૂઝ મિસાઇલો અમારા માટે ખૂબ મહત્વની છે. અમે ફક્ત બે વર્ષમાં તેની રેન્જ 300 થી વધારી 1000 કિ.મી. સુધી કરી લીધી છે જે એક મોટી ઉપલબ્ધિ છે. રૂહાનીએ એમ પણ કહ્યું હતું કે તેમના દેશની સૈન્ય શક્તિ અને મિસાઇલ કાર્યક્રમ કોઈ પણ હુમલા સામે રક્ષણ આપવા માટે છે નહીં કે હુમલાઓ કરવા માટે.

યુ.એસ. ઈરાન સામે પ્રતિબંધો વધારવા માંગે છે

આ ઉપરાંત ગુરુવારે ઇરાને તેના અદ્યતન ડ્રોન માટે ચોથી પેઢીના લાઇટ ટર્બો-ફેન એન્જિનોનું પણ અનાવરણ કર્યું છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર પર ઈરાન વિરુદ્ધ પ્રતિબંધો વધારવાની માંગણી કરી રહ્યું છે. આ પ્રતિબંધ આ વર્ષે ઓક્ટોબરમાં પૂરા થવા જઇ રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસન ફરી એકવાર ઈરાન વિરુદ્ધ તમામ પ્રતિબંધો લાદવાની માંગણી કરી રહ્યું છે. જોકે, યુ.એસ.ના આ પગલાનો સુરક્ષા પરિષદના અન્ય સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઇરાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આ તાજા તણાવની શરૂઆત વર્ષ 2018 માં થઈ હતી જ્યારે ટ્રમ્પ ઇરાન સાથેના સોદાથી ખસી ગયું હતું અને ફરીથી પ્રતિબંધ મૂકી દીધો હતો.

ઇઝરાઇલ-યુએઈ ડીલ બાદ ઇરાની મિસાઇલ પરીક્ષણ

ઇઝરાયલ અને યુએઈ વચ્ચે શાંતિ કરાર બાદ ઇરાને આ મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે. ઇઝરાઇલ અને યુએઈ બંનેનો સૌથી મોટો દુશ્મન ઈરાન છે. ઈરાને નવી મિસાઇલોનું પરીક્ષણ કરીને વિશ્વમાં તેની વધતી ક્ષમતા દર્શાવી છે. આ મિસાઇલોની વધતી ક્ષમતાએ પશ્ચિમ એશિયામાં સમુદ્ર અને જમીન બંને પર હુમલો કરવાની ઇરાની શક્તિમાં વધારો થયો છે. સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે ઇઝરાયલ અને યુએઈએ ઈરાનના વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને એક સાથે આવવાનું નક્કી કર્યું છે. ઈરાન અને ચીન વચ્ચે મોટો સોદો થયો છે. યુએઈએ એ ચીન અને ઈરાન વચ્ચેના આ જોડાણનો જવાબ આપવા ઇઝરાઇલ સાથે હાથ મિલાવ્યા છે. ઇઝરાઇલને હવે યુએઈ અને સાઉદી અરેબિયાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published.