641 Total Views
લદ્દાખ સરહદ પર ગલવાન ઘાટીમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં ચીની સેનાએ ભારતીય સેનાના 10 જવાનોને બંધક બનાવ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના મતે ચીની એ બે મેજર સહિત 10 ભારતીય જવાનોને બંધક બનાવ્યા હતા. જેમને ત્રણ દિવસની વાતચીત બાદ છોડી દેવામાં આવ્યા છે. જો કે સેનાની તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
સેનાએ ગુરૂવારના રોજ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ કાર્યવાહીમાં કોઇ ભારતીય સૈનિક ગુમ નથી. જો કે સેનાની તરફથી આ નિવેદન રજૂ કરવામાં આવ્યું નથી કે કોઇ જવાનને બંધ બનાવ્યા હતા કે નહીં પરંતુ પીટીઆઈના મતે ચીની સેનાએ બે મેજર સહિત 10 જવાનોને બંધક બનાવ્યા હતા, જેમને ત્રણ દિવસ બાદ છોડી દેવામાં આવ્યા છે. આની પહેલાં જુલાઇ 1962મા ચીની સેનાએ ભારતીય સૈનિકોને બંધક બનાવ્યા હતા. ગલવાન ઘાટીમાં યુદ્ધ દરમ્યાન અંદાજે 30 ભારતીય જવાન શહીદ થયા હતા અને ડઝનબંધ જવાનોને ચીની સેનાએ પકડી લીધા હતા જેમને બાદમાં છોડી દીધા હતા.
ગલવાન ઘાટી ઝડપમાં 76 જવાન ઘાયલ
સૈન્ય સૂત્રોએ કહ્યું કે ચીની સેના દ્વારા સોમવાર મોડી રાત્રે કરાયેલા હુમલામાં ભારતીય સેનાના 76 જવાન ઘાયલ થઇ ગયા હતા. જેમાંથી 18 ગંભીર રીતે ઘાયલ થયા જ્યારે 58ને નજીવી ઇજા પહોંચી છે. લેહની એક હોસ્પિટલમાં 18 જવાનોની સારવાર ચાલી રહી છે જ્યારે 58 અન્ય વિભિન્ન હોસ્પિટલમાં દાખલ છે.
ભારતીય અને ચીની સેનાના અધિકારીઓની વચ્ચે ગુરૂવારના રોજ સતત ત્રીજા દિવેસ મેજર જનરલ-સ્તરની વાતચીત થઇ જેમાં સૈનિકોની વચ્ચે થયેલા લોહિયાળ ઘર્ષણની સાથો સાથ ગલવાન ઘાટીની આસપાસના વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ પુન:સ્થાપિત કરવા પર વાતચીત થઇ. ભારત અને ચીનની સેના 5 મેથી આમને સામને છે.
5મેના રોજ ભારત અને ચીનની સેના પેંગોંગ ત્સોમાં ઝઘડી પડ્યા હતા. ગતિરોધ શરૂ થયા બાદ ભારતીય સેનાએ નિર્ણય કર્યો કે પેંગોંગ ત્સો, ગલવાન ઘાટી, ડેમચોક અને દૌલત બેગ ઓલ્ડીના તમામ વિવાદાસ્પદ ક્ષેત્રોમાંથી ચીની સૈનિકોને પાછળ ધકેલવા માટે સેનાની તરફથી પગલાં ઉઠાવામાં આવશે. તેના માટે બંને દેશોની વચ્ચે કેટલાંય રાઉન્ડની વાતચીત થઇ, જે પરિણામ વગરની રહી.
15મી જૂનની રાત્રે ભારતીય સેનાનું એક દળ ગલવાન ઘાટીના પેટ્રોલિંગ પોઇન્ટ-14 પર ચીની સેના સાથે વાત કરવા ગયું હતું. આ દરમ્યાન ઘાત લગાવીને બેઠેલા ચીની સૈનિકોએ ભારતીય સેનાના દળ પર હુમલો કરી દીધો. આ લોહિયાળ ઘર્ષણમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થઇ ગયા, જ્યારે ચીનને પણ મોટી નુકસાની થઇ હતી.