829 Total Views
ગુજરાત વિધાનસભામાં કૃષિ મંત્રીએ આપેલા વીમા અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં 7 વીમા કંપનીએ ગુજરાતમાંથી 5863 કરોડ રૂપિયા પ્રીમિયમ પેટે વસૂલ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ 7 વીમા કંપનીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી પ્રીમિયમ પેટે 5863 કરોડની રકમ વસૂલી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. છેલ્લા 2 વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ પ્રીમિયમ પેટે વીમા કંપનીઓને 858 કરોડ ચૂકવ્યા છે, જ્યારે વીમા કંપનીઓએ ખેડૂતોને વીમા પેટે માત્ર 2892 કરોડ જ ચૂકવ્યા છે. હજુ પણ અનેક ખેડૂતો જુના પાક વીમાથી વંચિત હોવાનું જાણવા મળે છે.
વીમા કંપનીઓનો 2 વર્ષનો નફો 3829 કરોડ રૂપિયા થયો છે. 12 જિલ્લાના 44,105 ખેડૂતો ખરીફ પાક 2019ના પાક વીમાથી વંચિત છે. સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 26,773 ખેડૂતો પાક વીમાથી વંચિત, ત્યારબાદ અનુક્રમે બનાસકાંઠામાં 660 ખેડૂતો પાક વીમાથી વંચિત, અરવલ્લી જિલ્લામાં 4816 ખેડૂતો પાક વીમાથી વંચિત, ભાવનગર જિલ્લામાંથી 1106 ખેડૂતો પાક વીમાથી વંચિત, દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 3998 ખેડૂતો પાક વીમાથી વંચિત, જામનગર જિલ્લામાંથી 147 ખેડૂતો પાક વીમાથી વંચિત, ગીરસોમનાથ જિલ્લામાંથી 5005 ખેડૂતો પાક વીમાથી વંચિત, મહેસાણા જિલ્લામાંથી માત્ર 3 ખેડૂતો પાક વીમાથી વંચિત, સુરેન્દ્રનગર જિલ્લામાંથી 311 ખેડૂતો પાક વીમાથી વંચિત, વડોદરા જિલ્લામાંથી 168 ખેડૂતો પાક વીમાથી વંચિત અને મોરબી જિલ્લામાંથી 1117 ખેડૂતો પાક વીમાથી વંચિત હોવાનું જાણવા મળી રહ્યું છે.
2019 માં ગુજરાતના ખેડૂતોને કેટલું નુકસાન?
ગત વર્ષે ગુજરાતના ખેડૂતોને 3500 કરોડનું નુકસાન થયું હતું. 3500 કરોડની સામે સરકારે 150 કરોડ ચુકવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગત વર્ષે 103 તાલુકામાં વરસાદથી અતિ ગંભીર સ્થિતિ ઉદ્દભવી હતી. 2019માં રાજ્યમાં 145 ટકા વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં વીમો ન લેનારા ખેડૂતોને 33 ટકા નુકસાન હતુ, જ્યારે 20 ટકા નુકસાની ભોગવનારા ખેડૂતોએ સ્પેશિયલ પેકેજની માંગ કરી હતી. ગત વર્ષે રાજ્યમાં 86 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. હાલ રાજ્યમાં 50 થી 55 લાખ ખેડૂતોની સંખ્યા છે. ખેડૂતોનો મોટો વર્ગ વીમા યોજનાના લાભથી વંચિત હોવાનો દાવો પણ થયો છે.
ખેડૂતોને વાવણીનો કેટલો ખર્ચ આવે છે?
એક ખેડૂતને એક વીઘા દીઠ 4 હજાર રૂપિયા જેવો ખર્ચ આવે છે. ખેડૂતને હેક્ટરે સરેરાશ 20 હજારની આસપાસ ખર્ચ રહે છે. રાજ્યમાં 2019માં લીલા દુકાળથી ખરીફ પાકને સરેરાશ 15થી 20 ટકા નુક્સાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
અછત – અતિવૃષ્ટિના નિયમ શું છે?
અછત મેન્યુઅલ મુજબ સરેરાશ વરસાદ 100% કરતાં 20% વધુ હોય તો સામાન્ય સ્થિતિ કહેવાય છે. 20થી 40% વધુ હોય તો અસામાન્ય સ્થિતિ અને 40થી 60% કે તેથી વધુ હોય તો અતિ ગંભીર સ્થિતિ ગણવામાં આવે છે અને તે રીતે અછત અતિવૃષ્ટિ ગણાય છે.
ગુજરાતમાં વર્ષ 2019માં વાવણી કેટલી?
રાજ્યના 2019માં 55 તાલુકાઓમાં અસામાન્ય સ્થિતિ હતી. 103 તાલુકાઓમાં અતિ ગંભીર સ્થિતિ હતી. ગત વર્ષે સતત વરસાદને કારણે મગફળીમાં ફૂગ આવી હતી. ગત વર્ષે મગફળીનું 15.51 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. ગત વર્ષે રાજય સરકારે આઠ ટકા સુધી ભીંજાયેલી મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી. 18થી 22 નવેમ્બરે સરકાર ભીંજાયેલી મગફળી ખરીદી હતી. પરંતુ તેના પહેલા 25 લાખ ટન મગફળીનુ ઉત્પાદન થવાના અંદાજ હતો. પરંતુ રાજ્ય સરકારે 8 લાખ ટનથી વધુ ટેકાના ભાવે મગફળી ખરીદી નહોતી.
2019માં સૌથી વધુ કપાસમાં નુકસાન થયું હતું. રાજ્યમાં 26.68 લાખ હેકટરમાં કપાસની વાવણી થઈ હતી. ગત વર્ષે 50થી 60 ટકા કપાસમાં જિંડવા ફાટી ગયા હતા. કપાસમાં રૂની ગુણવત્તા બગડવાની સાથે ફૂલ ચાંપવા ખરી ગયા હતા. રાજ્યમાં ખરીફ પાકમાં મગ, અડદ અને તલમાં ભારે નુક્સાની વેઠવાનો વારો આવ્યો હતો. મગ, અડદ કાપણીના સ્ટેજે હોવાથી પાકમાં 20 ટકાનું નુક્સાન હતુ. તેલીબિયાં પાકમાં તલમાં મોટાભાગના તલની ગુણવત્તા બગડી હતી. રાજ્યમાં તલ પાકની વાવણી 1.16 લાખ હેક્ટરમાં થઈ હતી. જેમાં 30થી 40 ટકા નુકસાનીનો અંદાજ નીકળ્યો હતો. કેળા, પપૈયાં, લીંબુ સહિતના પાકોને પણ માઠી અસર પહોંચી હતી. બાજરીની ખરીફ સિઝનમાં 1.73 લાખ હેક્ટરમાં વાવણી થઈ હતી. બાજરીમાં ડૂંડા બંધાવા સમયે જ વરસાદથી ઉભો પાક બગડી ગયો હતો. રાજ્યમાં બાજરીના પાકમાં 10થી 15 ટકા નુક્સાની થઈ હતી.
ગુજરાતમાં આ વર્ષે કેવી છે ખેડૂતોની દશા?
સતત વરસાદથી લીલા દુકાળ જેવી દશા ઉદ્દભવી રહી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ અતિવૃષ્ટિથી તલ અને કપાસનો પાક નિષ્ફળ ગયો છે. અનેક ખેડૂતે નાણાં વ્યાજે લઈને કરી વાવણી કરી છે. અતિવૃષ્ટિથી સૌરાષ્ટ્ર-કચ્છની સ્થિતિ અત્યંત સંવેદનશીલ હોવાનું જાણવા મળી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે રાજ્યના ખેડૂતોને પાક વીમો નહી મળે તો કેટલાંય ખેડૂતોને જમીન વેચવાનો વારો આવશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી છે. ભારે વરસાદના કારણે રાજ્યભરમાં મગફળી, કપાસ, કઠોળ અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે. લીલા દુકાળની વ્યાખ્યામાં 120 ટકા કરતા વધુ વરસાદ હોવો જરુરી છે.
હાલ સરકાર દ્વારા દુષ્કાળ જાહેર કરવાનુ એકમ જે તે તાલુકો રખાયું છે. લીલો દુષ્કાળ જાહેર કરવા તાલુકામાં અમુક મર્યાદા કરતાં વધુ વરસાદ જોઈએ. સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓમાં અત્યાર સુધી સીઝનનો 140 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં પણ અત્યાર સુધીમાં 250 ટકા કરતાં વધુ વરસાદ પડ્યો છે. સુરેન્દ્નનગર જીલ્લામાં 60 ટકા કપાસના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં એરંડાનો પાક સાવ નિષ્ફળ ગયો છે.
કિસાન સહાય યોજનામાં પાક નુકસાનીની અલગ જોગવાઈ પણ છે. ચાર હેક્ટરની મર્યાદામાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદનો સમાવેશ થાય છે. આ ત્રણ સંજોગોમાં ખેડૂતોને થયેલ પાકનુકસાની અંગે એક લાખ રૂપિયા સુધીનું વળતર મળે છે. સતત 48 કલાકમાં 25 ઇંચ કરતાં વધુ વરસાદ પડે તો અતિવૃષ્ટિ કહેવાય છે. આવા સંજોગોમાં હેક્ટરદીઠ 25 હજાર રૂપિયાની મર્યાદામાં સહાય મળે છે. આ સહાય પણ ચાર હેક્ટર સુધીની મર્યાદામાં જ મળી શકે છે. અગાઉની નુકસાનીના રુપિયા આ વર્ષે પણ મળ્યા નથી.