GUJARAT

રાસાયણિક ખાતરના ખર્ચનો અર્ધાના અર્ધા ભાગનો ખર્ચ ગાય આધારિત ખેતીમાં થાય છે

 693 Total Views

વડોદરા તા.૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ (શુક્રવાર) સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવન માટે લોકો અનેકવિધ પ્રયત્નો કરે છે. સ્વચ્છ અને ચોખ્ખી હવાનો આનંદ મેળવવા જગ્યા ફેર કરી ખૂલ્લા સ્થળો પર પણ જતાં હોય છે. આવું જ કાંઇક સર્વ પોતાના સ્તરે કરી શકે તો કેવું? ખાસ કરીને થઇ શકે તેટલો ઓછામાં ઓછો ઉપયોગ કેમિકલનો કરવામાં આવે તો પરિવર્તનો લાવી શકાય છે. હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને આંધ્રપ્રદેશ બાદ ગુજરાત રાજયમાં આવી જ ક્રાંતિકારી પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજયની ગતિશીલ અને નિર્ણયશીલ સરકારે આ અંગે ખેડુતોને પ્રોત્સાહન આપવા સકારાત્મક અભિગમ દાખવી યોજનાઓ જાહેર કરી ખેડુતોના પડખે ઉભી રહી છે. આવી જ એક પ્રેરક વાત સાકરીયાના શશિકાંતભાઇએ કરી છે. જે દરેક ખેડુત અપનાવે તો ધાર્યાથી વધુ સારા પરિણામો લાવી શકાય તેમાં બેમત નથી.

સાકરીયાના રહીશ શશિકાંતભાઇ નગીનભાઇ પટેલ ગાય આધારિત ખેતી કરે છે. તેમને આત્મા પ્રોજેક્ટમાંથી ગાય આધારિત ખેતી વિશે જાણકારી મળી હતી. તાજેતરમાં વરણામા ખાતે યોજાયેલા મુખ્યમંત્રી આત્મનિર્ભર સહાય યોજના હેઠળના પ્રાકૃતિક ખેતી અને ગાય પાલન સહાય યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં શશિકાંતભાઇ નગીનભાઇ પટેલે જણાવ્યું કે, તેમને આત્મા દ્વારા પ્રાકૃતિક ખેતી અને ગાય પાલન સહાય યોજના વિશે જાણકારી મળી હતી. તેમણે આ સહાયનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી હતી. પ્રતિ ગાય પ્રતિ માસ રૂ.૯૦૦ અને વાર્ષિક રૂ.૧૦,૮૦૦ ની સહાય મળે છે.

શ્રી શશિકાંતભાઇએ કહ્યું કે, ખેડુતોને ગાય નિભાવવા માટેનો ખર્ચ પહેલા પોતાને કાઢવો પડતો હતો હવે તે ખર્ચ રાજય સરકારની મુખ્યમંત્રી આત્મનિર્ભર સહાય યોજના અંતર્ગત ગાય નિભાવવાનો ખર્ચ મળે છે. જેથી ખેડુતને ગાય નિભાવવાના થતાં ખર્ચમાં ઘણો ફાયદો થાય છે. વધુમાં ખેડુતને પ્રાકૃતિક ખેતી અને ગાય નિભાવવાને લીધે સરળતા રહે છે. ગાય આધારિત ખેતીને લીધે આવાનારી પેઢી સ્વસ્થ રહેશે. કેમિકલમુક્ત ખેતીને લીધે ફળફળાદિ, શાકભાજી, અનાજ અને દૂધ મળી રહેશે આથી ડાયાબિટીસ, કેન્સર, બીપી, હ્યદયરોગ જેવા રોગો સામે રક્ષણ મળી રહેશે.

શ્રી પટેલે વધુમાં કહ્યું કે, રાસાયણિક ખાતરનો ઉપયોગ રહેશે નહિ તેથી ખેતી ખર્ચમાં ઘટાડો થશે. રાસાયણિક ખાતર ખૂબ મોંઘું હોય છે, તેના અર્ધાના અર્ધા ભાગનો ખર્ચ ગાય આધારિત ખેતીમાં થાય છે. ગાય આધારિત ખેતી કરવામાં આવે તો ખાતર, દવાઓ, ઘન જીવામૃત બનાવીને ખેતી ખર્ચ ઘટાડી શકાય છે, ઝીરો બજેટ ખેતી થઇ શકે છે. રાજય સરકારની ગાય પાલન અને પ્રાકૃતિક ખેતી સહાય યોજનાનો લાભ દરેક ખેડુતે મેળવવો જોઇએ અને વધુમાં વધુ દવા વગરની ખેતી કરવી જોઇએ.
રાજય સરકારની આ સહાય યોજનાને કારણે ખેતીમાં ક્રાંતિ લાવી શકાય તેમ છે.

મને પ્રાકૃતિક ખેતીની મળેલી તાલીમનો વધુમાં વધુ ઉપયોગ કરીશ અને વધુમાં વધુ ખેડુત સુધી તેનો લાભ પહોંચે તે માટે પૂરતા પ્રયત્નો કરીશ. મને મળેલી તાલીમ અન્ય ખેડુતોને પણ આપીશ અને તેમને પ્રાકૃતિક ખેતી માટે માહિતગાર કરીશ.

Leave a Reply

Your email address will not be published.