771 Total Views
ધોળકામાં ધોળી ગામની સીમમાં આવેલી ચિરીપાલ ગ્રૂપની વિશાલ ફ્રેબિક્સમાં ગેસ ગળતરના કારણે ચાર યુવા સફઇ કામદારોના નીપજેલા મોત મામલે જીપીસીબીએ દેખાડા ખાતર કલોઝર નોટિસ આપીને એક કરોડનો દંડ ફટકાર્યો હતો. જોકે ચિરીપાલ ગ્રૂપ દ્વારા દંડની રકમ ભરતાની સાથે જ ગણતરીના દિવસોમાં જ જીપીસીબીએ ક્લોઝર નોટિસ રદ કરતા ચિરીપાલની ફેક્ટરી ફરીથી ધમધમતી થઈ ગઈ છે. મૃતક ચાર કામદારોના પરિવારને હજુ સુધી કોઈ વળતર મલ્યું નથી અને તેઓ ન્યાયથી વંચિત રહ્યા છે.
છતાં પણ ચિરીપાલ પર સરકારના ચાર હાથ હોવાથી ફરી ફેક્ટરી ચાલુ થઈ ગઈ છે. પોલીસે પણ સરકારના ઈશારે વિશાલ ફેબ્રિક્સના માલિક ચિરીપાલ સામે કોઈ ગુનો નોંધ્યો ન હતો. ચિરીપાલ ગ્રૂપ દ્વારા ખેડૂતોની જમીન કુખ્યાત વહાબ ગેગ દ્વારા પચાવી પાડવા સહિતના મામલે ખરડાયેલ છે. આમ ચિરીપાલ રાજકારણીના શરણે થઈને ગુનાહિત કૃત્ય આચરી રહ્યો છે. વટવામાં પણ જમીન પચાવી પાડવાના કેસ ચાલી રહ્યા છે.
ઘટનાક્રમ પર નજર કરીએ તો ચિરીપાલ ગ્રૂપના ધોળી ઇન્ડસ્ટ્રીઝ સ્પિનિંગ પાર્કમાં વિશાલ ફ્રેબિકસ સહિત 12 જેટલી અલગ અલગ કંપનીઓ આવેલી છે. આ તમામ કંપનીઓમાં વેસ્ટ પાણીના નિકાલમાટે એક ઇ.ટી.પી. પ્લાન્ટ આવેલ છે. આ પ્લાન્ટમાં કેમિકલ પાઇપલાઇનમાં લીકેજ થતાં વિશાલ ફ્રેબિક નામની કંપનીના ચાર કામદારો રિપેરિંગ કરવા ઊતર્યા હતા. પ્લાન્ટમાં કેમિકલ લીકેજ હોવાથી એક કામદારને અસર થતાં તે સ્થળ પર જ મત્યુ પામ્યો હતો. તેને બચાવવા બીજા ત્રણ કામદારો પણ ઊતર્યા હતા. તેઓ પણ ઝેરી કેમિકલથી મરણ પામ્યા હતા.
GPCBની કામગીરી શું હતી?
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્રારા ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટેની વ્યવસ્થા અને ઇ.ટી.પી. પ્લાન્ટની તમામ પ્રકારની મશીનરીની કામગીરી અને તેની ગુણવત્તા, પ્લાન્ટની ક્ષમતા બાબતે નિરીક્ષણ કરી દસ્તાવેજી અને સ્થળ પરના પુરાવા લઇ કંપનીને લેખિતમાં જરૂરી સૂચના આપી. આ સૂચનાઓનું પાલન કરાવવાનું હોય છે. જ્યાં જ્યા ખામી જણાય અને નિયમ વિરુદ્ધની કામગીરી જણાય ત્યાં કાયદેસરની કાર્યવાહી પણ કરાવવાની હોય છે.
એક કરોડની નોટિસ આપી હતી
જીપીસીબીના અધિકારીઓએ ફેક્ટરીની મુલાકાત લીધા બાદ વિશાલ ફેબ્રિકસને ૭મી ઓગસ્ટના રોજ પાણી અધિનિયમ 1974ની કલમ 33 (અ) હેઠળ બંધ કરવાનો હુક્મ કર્યો છે. તેની સાથે એક કરોડ રૂપિયાનો દંડ ફ્ટકાર્યો હતો. આ અંગેની જાણ જીપીસીબીએ વન અનેપર્યાવરણ વિભાગને કરી હતી.
ચાર કામદારોનાં મૃત્યુ બાદ ખામીઓ બહાર આવી હતી
ચિરીપાલની કંપનીઓનો ઇ.ટી.પી. પ્લાન્ટમાં ક્ષમતા કરતા બમણો પ્રવાહી કચરો ઠાલવવામાં આવે છે. અને વધારાનું ટ્રીટમેન્ટ કર્યા વગરનું કેમિકલવાળું પ્રવાહી ગામની ગોચરની જમીનમાં ગેરકાયદેસર તળાવ બનાવી નાંખવામાં આવે છે. જેનાપરિણામે સમગ્ર જીવસૃષ્ટિ અનેપર્યાવરણને નુકસાન થાય છે. આ તમામ કંપનીઓની વાર્ષિક ઇન્સ્પેકશન પણ કરવામાં આવે છે. છતાં જીપીસીબીના અધિકારીઓ મોટો ભ્રષ્ટાચાર કરી ગમે તેવી ગેરરીતિ ચલાવી લેતાં હોય છે. જવાબદાર અધિકારીઓના પાપના કારણે ચાર કામદારોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.