GUJARAT

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટિ માટે વર્ષો બાદ ચૂંટણી યોજાઇ હતી.,….

 590 Total Views

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટિ માટે વર્ષો બાદ ચૂંટણી યોજાઇ હતી. ઘણાં દિવસોથી ઊભા થયેલા ઉત્તેજનાસભર માહોલ વચ્ચે રવિવારે યોજાયેલી ચૂંટણીમાં છેવટે સહકાર પેનલનો વિજય થયો હતો.

સામાન્યતઃ માર્ચ- એપ્રિલ માસના અરસામાં યોજાતી ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટિની ચૂંટણી પ્રક્રિયા કોરોના મહામારીને કારણે પાછી ઠેલવાના સંજોગો બન્યા હતા. કલેકટરાલયની મંજૂરી બાદ આ ચૂંટણી 13 સપ્ટેમ્બરને રવિવારના રોજ સરસાણા ટ્રેડ સેન્ટર ખાતે યોજવામાં આવી હતી. મેનેજિંગ કમિટીમાં લાઇફ મેમ્બર કેટેગરીમાં ખાલી પડતી 44 બેઠક સામે કુલ 123 ફોર્મ ભરાયા હતા. જેમાંથી છેટવે 48 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. પૈકી 44 ઉમેદવારોની પેનલ સામે ચાર ઉમેદવારોની પરિવર્તન પેનલના સંજય ઇઝાવા, કિશોર પટેલ, હિતેશ ટેલર તથા શ્યામ બેડિયાની લડત હતી. આ ચૂંટણી જંગમાં કુલ 1829 સભ્યોએ મતદાન કર્યુ હતુ. જે પૈકી 233 મત રદ થયા હતા. જ્યારે, 1596 માન્ય મતની ગણતરી કરવામાં આવી હતી. મતદાનને અંતે 44 સભ્યોની પેનલને વિજયી જાહેર કરવામાં આવી હતી.

આ જ પ્રકારે ચીફ પેટ્રન કેટેગરીમાં 10 બેઠક સામે 11 ઉમેદવારો મેદાનમાં હતા. જેમા 10 સભ્યોની પેનલ વિરુધ્ધ મનિષ માલીની લડત હતી. આ કેટેગરીમાં કુલ 124 સભ્યોએ મતદાન કર્યુ હતુ. જે પૈકી 5 મત રદ થયા હતા. જ્યારે માન્ય રહેલા 119 મતમાં 10 સભ્યોની પેનલને વિજય જાહેર કરવામાં આવી હતી.

દિવસ દરમિયાન ગેરરીતી ફરિયાદ ઉઠતી રહી

મેનેજિંગ કમિટિની ચૂંટણીમાં લાઇફ મેમ્બર કેટેગરીમાં પેનલ વિરુધ્ધ ચાર સભ્યોની લડત હતી. ચાર સભ્યો દ્વારા મતદાન માટે આવી રહેલા સભ્યોને બોલપેન આપવામાં આવતી હતી. જેના પર તેઓના ક્રમ નંબર લખેલા હોવાની ફરિયાદ થઇ હતી. જે અંગે ફરિયાદ થઇ હતી. આ જ પ્રકારે પેનલના ઉમેદવારો દ્વારા પણ નામ-નંબર સાથેનુ કાગળ મતદાતાઓને આપવામાં આવતુ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. બપોરના અરસામાં કોઇકે બેલેટ પેપરનો ફોટો ફરતો કર્યો હોવાની પણ ફરિયાદ થઇ હતી.

ચાર પૈકી ત્રણે ડિપોઝીટ ગુમાવી

લાઇફ મેમ્બર કેટેગરી માટે કુલ 1829 સભ્યોએ મતદાન કર્યુ હતુ. જે પૈકી 233 મત રદ થયા બાદ, ૧૫૯૬ માન્ય મત રહ્યા હતા. જે પૈકી પરિવર્તન પેનલના કિશોર પટેલને 482, હિતેષ ટેલરને 460, શ્યામ બેડિયાને 363 તથા સંજય ઇઝાવાને 359 મત મળ્યા હતા. નિયમ પ્રમાણે, માન્ય મતના 30 ટકા મત નહિ મળે તો ડિપોઝીટ જપ્ત થાય છે. જે નિયમ મુજબ કિશોર પટેલ ડિપોઝીટ બચાવી શકયા હતા, જ્યારે અન્ય ત્રણની ડિપોઝીટ ડૂલ થઇ હતી.

સોશ્યસ ડિસ્ટન્સીંગના લીરા

ચૂંટણી દરમિયાન ચાર કે તેથી વધુ વ્યકિત ભેગા નહિ થવાની તાકીદ કરવામાં આવી હતી. આમછતા આ ચૂંટણીમાં સોશ્યલ ડિસ્ટન્સીંગની ગાઇડલાઇનના લીરા ઉડયા હતા. ચૂંટણી સ્થળે ઉમેદવારો તથા તેમના સમર્થકો ટોળામાં ફરતા રહ્યા હતા. જેને લઇને બંદોબસ્તમાં હાજર પોલીસ દ્વારા પણ વારંવાર તાકીદ કરવામાં આવી હતી. પરંતુ, તે પરિણામશૂન્ય રહી હતી.

હવે સંભવતઃ 4 ઓક્ટો. ઉપપ્રમુખ પદની ચૂંટણી,આજે જાહેરાત

ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હવે હાથ ધરાશે. સામાન્યતઃ એપ્રિલ- મે માસના અરસામાં ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાય છે. પરંતુ, કોરોનાના કારણે આ પ્રક્રિયા હાથ ધરી શકાય નથી. જે અંગે ચેમ્બર સ્કુટીની કમિટિ દ્વારા સંભવતઃ આજે જાહેરાત થશે. ગતવર્ષે દિનેશ નાવડિયા અને મિતિષ મોદી વચ્ચે ચૂંટણીજંગ છેડાયો હતો. આ વર્ષે લાઇફ મેમ્બર કેટેગરીની ચૂંટણીચિત્ર ધ્યાને લેતા આ વર્ષે પણ ઉપપ્રમુખપદ માટે ચૂંટણી યોજાય તેવી સંભાવના વધુ છે. જાણકારો પ્રમાણે, 4 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.