1,018 Total Views
લોકડાઉન દરમિયાન 30 હજારનું દેવું ચુકવવા માટે એન્જિનિયર યુવક લૂંટારુ બન્યો હોય એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. દેવું થઈ જતા ચિંતામાં મુકાયેલા શખ્સે લૂંટને અંજામ આપ્યો. જોકે, CCTV ફૂટેજના આધારે સોલા પોલીસે લૂંટ કરનાર શખ્સની ગણતરીના કલાકમાં જ ધરપકડ કરી. મહત્વનું છે કે લૂંટારું શખ્સે પોલીસથી બચવા 4 વખત કપડાં પણ બદલ્યા હોવાનું અને બાઈક પણ ચોરી કરી વાપર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ડોક્ટર પરિવારના સભ્યોને બંધક બનાવ્યો:
શહેરના સોલા વિસ્તારમાં આવેલા સોમવિલા બંગ્લોઝમાં 28 સપ્ટેમ્બરના રોજ લુંટની ઘટના બની હતી. જેમાં ડોક્ટર પરિવારના સભ્યોને બંધક બનાવી છરીની અણીએ રૂપિયા 52,000ની લૂંટ કરવામાં આવી હતી. જે ગુનાની સોલા પોલીસે તપાસ કરતા એક આરોપી નીરવ પટેલની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી. જેમાં આરોપીએ લૂંટ પહેલા બાઈક ચોરી કરી હોવાનું જણાવ્યું. ઉપરાંત લૂંટ સમયે-સમયે પોલીસને ચકમો આપવા ચાર વખત કપડા પણ બદલા હોવાનું સામે આવ્યું છે.
નીરવ પટેલે MSCIT સુધીનો કર્યો છે અભ્યાસ:
પોલીસ કસ્ટડીમાં રહેલા નીરવ પટેલની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેણે MSCIT સુધીનો અભ્યાસ કર્યો છે. અને અગાઉ રિલાયન્સ ઇન્સ્યોરન્સમાં જોબ કરતો હતો. પરંતુ લોકડાઉન સમય આર્થિક સંકડામણ વધી જતા પોતાના દૂરના કાકાના ઘરે લૂંટનું કાવતરું રચ્યું હતું. લૂંટનું તમામ માર્ગદર્શન તેણે ક્રાઈમના પ્રોગ્રામો અને વેબ સીરીઝ જોઈને મેળવ્યું હતું. તેના આધારે લૂંટ પહેલા અને પછી આયોજનપૂર્વક બાઈક ચોરી કરી કપડાં બદલી લૂંટને અંજામ આપ્યો હતો. જોકે પોલીસને બાઈક ચોરી કરતા અને બનાવ બાદના સીસીટીવી મળતા પોલીસ આરોપી સુધી પહોંચી હતી.
લોકડાઉન સમયે સર્જાયેલી આર્થિક તંગીએ લૂંટારૂ બનાવ્યો:
પ્રેમ લગ્ન કરી સુખી જીવન જીવનાર અને ફરવાનો શોખીન નીરવ લોકડાઉન પહેલા એક સામાન્ય જીવન જીવતો હતો. પરંતુ લોકડાઉન સમયે સર્જાયેલી આર્થિક તંગીએ નીરવને એક કાવતરાખોર લૂંટારૂ બનાવી દીધો. અને રૂપિયાની જરૂરિયાત માટે લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ અપાયો. ત્યારે સવાલ એ છે કે, લૂંટની ઘટનામાં જવાબદાર નીરવ છે કે પછી લોકડાઉન બાદ સર્જાયેલી આર્થિક તંગી…