939 Total Views
– આદિત્યએ હવે જેનું ધર્માંતરણ થવાનું છે તે અલીગઢ નિવાસી એક મૂક બધિર વિદ્યાર્થીનો ફોટો આપ્યો
એટીએસ દ્વારા પકડવામાં આવેલા ધર્માંતરણના આરોપીઓ ઉમર ગૌતમ અને જહાંગીર આલમ વિરૂદ્ધ ગેંગસ્ટર એક્ટ અંતર્ગત લાગશે, રાસુકા અંતર્ગત કાર્યવાહી થશે અને તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ માટે નિર્દેશ આપ્યો છે. ધર્માંતરણનો આ સમગ્ર કેસ યુપી સહિત 6 રાજ્યો સાથે સંકળાયેલો છે. આ સમગ્ર કેસ પર એનઆઈએની નજર છે અને વિદેશી ફન્ડિંગને લઈને કેન્દ્રીય એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે.
નોએડા ખાતેની જે મૂક બધિર શાળાના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે તેમાં યુપી ઉપરાંત હરિયાણા, દિલ્હી, હિમાચલ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે. એટીએસની એક ટીમ આ શાળામાં પણ નોએડા પોલીસ સાથે મળીને તપાસ કરી રહી છે. ત્યાં 60 વિદ્યાર્થીઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે અને એટીએસ તેની તપાસ કરી રહી છે.
મો. ઉમર ગૌતમ અને તેના સાથીઓએ આદિત્ય ઉર્ફે અબ્દુલને ખૂબ જ કટ્ટર બનાવી દીધો છે. ટોળકીએ આદિત્યને 2,000 રૂપિયા આપીને તેની સુન્નત પણ કરાવી દીધી હતી. આદિત્ય હવે ઈસ્લામની વાતો કરે છે અને તેના માટે કશું પણ કરવાનો દાવો કરે છે. તે હજુ પણ કેરળ જવાની જિદ કરી રહ્યો છે.
એટીએસના લખનૌ, નોએડા અને કાનપુર યુનિટના અધિકારીઓએ સાંકેતિક ભાષાના એક્સપર્ટ્સ સાથે આદિત્યના ઘરે જઈને અનેક કલાકો સુધી તેની પુછપરછ કરી હતી. આ દરમિયાન તેણે પોતાના ઈરાદાઓ સ્પષ્ટ કર્યા હતા. પુછપરછ દરમિયાન ધર્માંતરણના તાર નેશનલ ડેફ અસોશિએશન દિલ્હી સાથે જોડાયેલા હોવાની જાણ થઈ હતી. આદિત્યને ત્યાં લઈ જવામાં આવ્યો હતો તથા નોકરી, પૈસા અને લગ્નની લાલચ આપવામાં આવી હતી.
આદિત્યએ એટીએસને અલીગઢ નિવાસી એક મૂક બધિર વિદ્યાર્થીનો ફોટો આપ્યો હતો અને હવે તેનું ધર્માંતરણ થશે તેમ જણાવ્યું હતું. હાલ એટીએસ તે વિદ્યાર્થીને બચાવવાના પ્રયત્નમાં લાગી ગઈ છે. ઉમરના તાર કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાની પણ આશંકા છે. એટીએસ, મિલેટ્રી ઈન્ટેલિજન્સે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. એટીએસની ટીમ મંગળવારે બપોરે પી બ્લોક કાકાદેવ ખાતે આદિત્યના ઘરે પહોંચી હતી અને ત્યાં સાંકેતિક ભાષાની એક્સપર્ટ પણ ઉપસ્થિત રહી હતી.
એક્સપર્ટની મદદથી એટીએસે 3 કલાક સુધી આદિત્યની પુછપરછ કરી હતી. આદિત્યના કહેવા પ્રમાણે જ્યોતિ બધિર શાળામાં એક શિક્ષકે સૌ પ્રથમ તેને ઈસ્લામ અપનાવવા પ્રેરિત કર્યો હતો. ત્યાર બાદ તેને ચમનગંજ નિવાસી મો. વાસિફનો સંપર્ક કરાવવામાં આવ્યો હતો. મેસેન્જર અને ટેલિગ્રામ પર વાસિફ તેને મોહમ્મદ ઉમરના વીડિયો મોકલીને તેનું માઈન્ડ વોશ કરતો હતો અને આખરે તેને ઉમર સાથે મળાવવામાં આવ્યો હતો.
14 જાન્યુઆરીએ આદિત્ય બન્યો અબ્દુલ કાદિર
ધર્માંતરણ સર્ટિફિકેટ પ્રમાણે 14 જાન્યુઆરી, 2021ના રોજ આદિત્ય ઈસ્લામ અપનાવીને અબ્દુલ કાદિર બન્યો હતો. આશરે 10 મહિના સુધી તેને મોટિવેટ કરવામાં આવ્યો હતો અને પછી તેણે ઈસ્લામ અપનાવ્યો હતો. તે જ્યારે ઘરેથી ભાગીને ગયો ત્યારે દિલ્હીમાં ઉમર ગૌતમ અને જહાંગીરે તેને આશરો આપ્યો હતો. તેમણે તેને એક નોકરી પણ અપાવી હતી જેના વિશે તેણે કોઈ સ્પષ્ટતા નહોતી કરી.
તમામ વીડિયો, પુસ્તકો જપ્ત કરાયા
એટીએસની ટીમે આદિત્યની પુછપરછ કરીને અનેક સાક્ષીઓ ભેગા કર્યા છે. ઈન્સ્ટાગ્રામ પર ઉમરના તમામ વીડિયો મળી આવ્યા છે. આ વીડિયોમાં તે લોકોને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરતો સંભળાય અને દેખાય છે. તેમાં કેટલાક આદિત્યના વીડિયો પણ મળ્યા છે. તે સાંકેતિક ભાષામાં કેટલીક વાતો સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છે. આદિત્ય પાસેથી ઈસ્લામ સાથે સંકળાયેલા તમામ પુસ્તકો પણ મળી આવ્યા હતા. ઉમરે તેને આ પુસ્તકો પૂરા પાડ્યા હતા અને તેને લોકોમાં વહેંચવામાં આવતા હતા. એટીએસ દ્વારા પુસ્તકો અને આદિત્યનો ફોન જપ્ત કરવામાં આવ્યો છે.