GUJARAT

દિલ્હીને ચાર વિકેટથી હરાવીને ચેન્નાઈ નવમી વખત આઇપીએલની ફાઈનલમાં

 474 Total Views

– ધોનીએ આખરી ઓવરમાં ૩ ચોગ્ગા ફટકારી ચેન્નાઈને જીતાડયું
– ૧૭૩ના ટાર્ગેટને ચેન્નાઈએ ૧૯.૪ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને પાર પાડયો : દિલ્હી હવે ૧૩મી ઓક્ટોબરે ક્વોલિફાયર-ટુમાં રમશે

કેપ્ટન કૂલ ધોનીએ આખરી ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકારીને ચેન્નાઈ સુપર કિંગ્સને દિલ્હી કેપિટલ્સ સામેની આઇપીએલ ક્વોલિફાયર વનમાં બે બોલ બાકી હતા, ત્યારે ચાર વિકેટથી વિજેતા બનાવ્યું હતુ. આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ નવમી વખત આઇપીએલની ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. જ્યારે દિલ્હી કેપિટલ્સને હવે ૧૩મી ઓક્ટોબરે ક્વોલિફાયર-ટુમાં રમવા મળશે. જ્યાં તેમની સામે બેંગ્લોર કે કોલકાતાની ટીમ હશે. ક્વોલિફાયર-ટુની વિજેતા ટીમ ફાઈનલમાં પ્રવેશશે. આઇપીએલની ફાઈનલ ૧૫મી ઓક્ટોબરે રમાશે.

જીતવા માટેના ૧૭૩ના ટાર્ગેટનો પીછો કરતાં ચેન્નાઈ તરફથી ગાયકવાડે ૫૦ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૭૦ રન તેમજ ઉથપ્પાએ ૪૪ બોલમાં ૭ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૬૩ રન નોંધાવ્યા હતા. જોકે ૧૧૩/૧ના સ્કોર પરથી ચેન્નાઈ ૧૧૯/૪ પર ફસડાયું હતુ. જે પછી ચેન્નાઈએ લડત આપી હતી. આખરી ઓવરમાં ચેન્નાઈને જીતવા ૧૩ રનની જરુર હતી. ત્યારે ટોમ કરને પહેલા બોલે મોઈન અલીની વિકેટ ઝડપી હતી. જોકે ત્યાર બાદ ધોનીએ સળંગ બે ચોગ્ગા ફટકાર્યા હતા. જે પછી ટોમે વાઈડ બોલ નાંખ્યો હતો. ધોનીએ ચોથા બોલ પર વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.

અગાઉ ઓપનર પૃથ્વી શૉના ૬૦ રન બાદ થયેલા મિની ધબડકામાંથી બહાર આવતા દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આઇપીએલ-૧૪ની ક્વોલિફાયર-વન માં ૨૦ ઓવરના અંતે પાંચ વિકેેટે ૧૭૨ રન કર્યા હતા. ઓપનર પૃથ્વીની આક્રમક બેટીંગ બાદ દિલ્હીનો સ્કોર ૮૦/૪ થઈ ગયો હતો. જોકે ત્યાર બાદ કેપ્ટન રિષભ પંતે અણનમ ૫૧ રન ફટકારવાની સાથે હેતમાયર જોડે ૫૦ બોલમાં ૮૩ રનની ભાગીદારી કરતાં ટીમના સ્કોરને પડકારજનક કહી શકાય તેવી સ્થિતિમા ંપહોંચાડયો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ઓસ્ટ્રેલિયન ફાસ્ટર હેઝલવૂડે ૨૯ રનમાં બે વિકેટ ઝડપી હતી. જ્યારે જાડેજા, મોઈન અલી અને બ્રાવોને ૧-૧ વિકેટ મળી હતી. ક્વોલિફાયર-વનમાં જીતનારી ટીમ સીધી ફાઈનલમાં પ્રવેશ મેળવશે. જ્યારે હારેલી ટીમને ક્વોલિફાયર-ટુ રમવા મળશે. જેમાં તેની સામે એલિમિનેટરની વિજેતા ટીમ હશે.

દુબઈમાં રમાયેલી મેચમાં ચેન્નાઈના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સને બેટીંગમાં ઉતાર્યું હતુ. શૉએ શરૃઆતથી આક્રમક બેટીંગ કરતાં ધવન સાથે ૩૬ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. જેમાં ધવનનો ફાળો માત્ર ૭ રનનો હતો. હેઝલવૂડે ધવન (૭) અને ઐયર (૧)ને સસ્તામાં પેવેલિયન ભેગા કરી દીધા હતા. અક્ષર પટેલને બેટીંગમાં પ્રમોશન મળ્યું હતુ, પણ તે ૧૦ રન કરીને મોઈન અલીનો શિકાર બન્યો હતો. શૉ ૩૪ બોલમાં ૭ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૬૦ રન ફટકારીને જાડેજાની ઓવરમાં આઉટ થયો ત્યારે દિલ્હીનો સ્કોર ૮૦/૪ થઈ ગયો હતો.

ટીમને મુશ્કેલીમાંથી ઉગારતાં રિષભ પંતે ૩૫ બોલમાં ૩ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૫૧ રન ફટકાર્યા હતા. તેણે હેતમાયર (૨૪ બોલમાં ૩૭ રન)ની સાથે ૫૦ બોલમાં ૮૩ રનની ભાગીદારી કરી હતી.

Leave a Reply

Your email address will not be published.