1,540 Total Views
ઈરાકના પાટનગર બગદાદના મધ્યમાં આવેલ એક ભરચક બજારમાં એકસાથે બે આત્મઘાતી બોમ્બર્સ ત્રાટક્યા હતા જેને પગલે ૩૨ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય ૭૩ ઘાયલ થયાં હતાં તેમ ઈરાકના સત્તાવાર સમાચાર માધ્યમોએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે પાછલા ત્રણ વર્ષમાં શહેરમાં નોંધાયેલો આ સૌથી વધુ જીવલેણ હુમલો હતો. ઈરાકના પાટનગરમાં આવેલ તાયારાન સ્ક્વેરમાં સેકંડ હેન્ડ કપડાની વિશાળ ઓપન એર માર્કેટ પર બન્ને આત્મઘાતી બોમ્બર્સે હુમલો કર્યો હતો.
નોંધનીય છે કે કોવિડ-૧૯ને નિયંત્રણમાં લેવા માટે દેશભરમાં નિયંત્રણો લાદવામાં આવ્યાં હોવાના કારણે લગભગ એક વર્ષ બાદ ખૂલેલી આ માર્કેટ હુમલો થયો ત્યારે લોકોથી ઊભરાતી હતી. ઇરાનના મંત્રાલય અનુસાર પ્રથમ બોમ્બર બજારમાં ઘૂસ્યો હતો અને માંદો પડી ગયો હોવાનો ઢોંગ કર્યો હતો જેથી તેની આસપાસ લોકોના ટોળા એકત્ર થયાં હતાં ત્યારે જ તેણે શરીર સાથે બાંધેલા બોમ્બની સ્વિચ દબાવી દીધી હતી. પ્રથમ બોમ્બધડાકાનો ભોગ બનેલા લોકોની આસપાસ મોટો માનવ પ્રવાહ એકત્ર થયો ત્યારે જ બીજા બોમ્બરે પણ પોતાની જાતને બોમ્બથી ઉડાવી હતી.
ઘટનાસ્થળ પર દોડી ગયેલાં એક ફોટોગ્રાફરે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે, સમગ્ર માર્કેટ લોહીથી લથબથ કપડાં અને ધડાકાનો ભોગ બનેલા લોકોના અવયવોથી છવાયેલું છે.