797 Total Views
આધુનિક યુગમાં નવીન ટેક્નોલોજીના શિક્ષણ અને કૌશલ્ય થકી જિલ્લાના યુવાનો રોજગાર મેળવી આત્મનિર્ભર બનશે – શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર
અંદાજે રૂ.૮.૪૭ કરોડના ખર્ચે ઓડિયો-વિઝ્યુઅલ રૂમ, વર્કશૉપ, આઈ.ટી. લૅબ સહિતની સવલતો સાથે રાજ્યમાં પ્રથમવાર કેન્ટીન સાથેના આઈ.ટી.આઈ. સંકુલનું કરાશે નિર્માણ
ચાણસ્મા તાલુકાના ધરમોડા ખાતે શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે આઈ.ટી.આઈ. સંકુલના નવીન પ્રકલ્પનો ભૂમિપૂજન સમારોહ સંપન્ન થયો. અંદાજે રૂ.૮.૪૭ કરોડના ખર્ચે ૩૩૭૨ ચો.મી. વિસ્તારમાં નિર્માણ પામનાર આઈ.ટી.આઈ.માં પાયાની સવલતો ઉપરાંત આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આઈ.ટી.લૅબ અને વર્કશૉપ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
પ્રાસંગિક ઉદ્બોધન કરતાં કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, વેગવંતા વિકાસ સાથે રાજ્યમાં મોટી સંખ્યામાં ઉદ્યોગોની સ્થાપના થઈ રહી છે ત્યારે ચાણસ્મા તાલુકામાં નિર્માણ પામનાર આઈ.ટી.આઈ. થકી નવયુવાનોને જરૂરી ટેક્નિકલ શિક્ષણ ઉપલબ્ધ બનશે. હાલ ચાલી રહેલા વ્યવસાયો ઉપરાંત અહીં જરૂરીયાત મુજબ આધુનિક સાધનોનો ઉમેરો કરી નવીન વ્યવસાયો શરૂ કરવામાં આવશે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સંકુલમાં કેન્ટીનની સુવિધા સાથે ધરમોડા ખાતે બનનારી આ રાજ્યભરની સૌપ્રથમ આઈ.ટી.આઈ. હશે.
રાજ્યના યુવાનોને ટેક્નિકલ શિક્ષણ થકી રોજગારી મળી રહે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની વાત કરતાં કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સર્વાંગી વિકાસની વિભાવના સાર્થક કરવા પાયાની સુવિધાઓ ઉપરાંત છેવાડાના ગામના યુવાનો ટેક્નિકલ શિક્ષણ મેળવી શકે તે માટે તાલુકાદીઠ આઈ.ટી.આઈ.ની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો હતો. જેને આગળ વધારી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્યના ૨૫૧ તાલુકાઓમાં ૨૮૭ આઈ.ટી.આઈ. કાર્યરત કરવામાં આવી છે જ્યારે રાજકોટ ખાતે દિવ્યાંગજનો માટે ખાસ દિવ્યાંગ આઈ.ટી.આઈ. આગામી ટૂંક સમયમાં કાર્યરત થશે.
વધુમાં કેબિનેટમંત્રીશ્રીએ આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરી એપ્રેન્ટીસ કરનાર યુવાનોને કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવતા સ્ટાઈપેન્ડ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ચૂકવવામાં આવતા સ્ટાઈપેન્ડની વિગતો રજૂ કરી ઓછું શિક્ષણ પ્રાપ્ત કરેલા યુવાનોને આઈ.ટી.આઈ.માં મોટી સંખ્યામાં પ્રવેશ મેળવી પોતાના કૌશલ્ય મુજબ રોજગારીની સાથે સ્વરોજગારીની તકોનો લાભ લેવા અપીલ કરી હતી.
પ્રાંત અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, ભારત યુવાનોનો દેશ છે અને આપણે તેનો ઉત્તમ લાભ લઈ શકીએ છીએ. આઈ.ટી.આઈ.માં કૌશલ્યવર્ધન થકી જિલ્લાના યુવાનો જોબ સિકર નહીં પણ જોબ ગીવર બનશે. પ્રાદેશિક તાલીમ કચેરીના નાયબ નિયામકશ્રી એ.સી. મુલિયાણાએ રોજગાર વિભાગ દ્વારા સંચાલિત આઈ.ટી.આઈ. અને સમયાંતરે યોજાતા ભરતીમેળાઓમાં આઈ.ટી.આઈ.માં પ્રાપ્ત કરેલા કૌશલ્યવર્ધક શિક્ષણ મેળવેલા યુવાનોને પૂરી પાડવામાં આવતી રોજગારીની તકો સહિતની વિગતો રજૂ કરી હતી.
ચાણસ્મા તાલુકાના ધરમોડા ખાતે કુલ ૮૦૯૩.૭૩ ચો.મી. વિસ્તારમાં નિર્માણ પામનાર આઈ.ટી.આઈ. સંકુલ પૈકી ૩૩૭૨ ચો.મી. જગ્યામાં થીયરી ક્લાસીસ, ઓડિયો-વિઝ્યુઅલ રૂમ, એન્જીન્યરીંગ ડ્રોઈંગ રૂમ તથા કોપા, પ્લમ્બર, વાયરમેન, વેલ્ડર, મિકેનિક, ઈલેક્ટ્રીશિયન સહિતના વ્યવસાયો માટે વર્કશૉપ, આઈ.ટી.લૅબ, લાયબ્રેરી, પ્લેસમેન્ટ હૉલ અને કેન્ટીન સહિતની સવલતો ધરાવતું બે માળનું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે.
આ પ્રસંગે સંગઠનના જિલ્લા પ્રભારીશ્રી મયંકભાઈ નાયક, આઈ.ટી.આઈ. પાટણના નોડલ ઑફિસર સુશ્રી મયુરીબેન પ્રજાપતિ, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી બટુકભાઈ ત્રિવેદી સહિતના અધિકારીશ્રીઓ તથા સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.