828 Total Views
વિચિત્ર જવાબ છતાં વિદ્યાર્થીને ૧૦માંથી ૧૦ માર્ક્સ મળ્યાં
વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં લખ્યું – બાહુ =Arm, બલી = Strong ઃ વિદ્યાર્થીની ક્રિએટિવિટીના ભારે વખાણ થયા
સોશિયલ મીડિયામાં એક ઉત્તરવહીનો ફોટો વાયરલ થયો છે. એમાં વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું હતું કે ચંદ્ર ઉપર પગ મૂકવાનો પ્રથમ માનવી કોણ હતો? જવાબમાં વિદ્યાર્થીએ બાહુબલીનું નામ આપ્યું હતું.
આઈપીએસ રૃપિન શર્માએ એક ફોટો ટ્વિટ કર્યો હતો. એ ફોટો હિન્દીની કોઈ પરીક્ષાનો હતો. એમાં વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું હતું કે ચંદ્ર ઉપર પહેલી વખત પગ મૂકનારા માણસનું નામ શું હતું?
જવાબમાં વિદ્યાર્થીએ બાહુબલીનું નામ લખ્યું હતું, પરંતુ એમાં વિદ્યાર્થીએ જે ક્રિએટિવિટી બતાવી તેની ચારેબાજુ પ્રશંસા થઈ હતી. વિદ્યાર્થીને નીલ આર્મસ્ટ્રોંગના નામમાં ક્રિએટિવિટી કરીને બાહુબલી નામ બનાવ્યું હતું.
વિદ્યાર્થીએ લખ્યું હતું કે બાહુ ઃ આર્મ અને બલી એટલે સ્ટ્રોંગ. તેના આ જવાબ સામે પરીક્ષકે ૧૦માંથી પાંચ માર્ક આપ્યા હતા અને બાજુમાં લોજિક માટે બીજા અલગથી પાંચ માર્ક આપ્યા હતા. એટલે કે સરવાળે વિદ્યાર્થીને ૧૦માંથી ૧૦ માર્ક્સ મળ્યા હતા.
આ ઉત્તરવહીમાં તારીખ તો ૨૦૧૭ની દેખાય છે, પરંતુ એ ફોટો હવે વાયરલ થયો છે. લોકોએ વિદ્યાર્થીના સર્જનાત્મક જવાબની પ્રશંસા કરી હતી અને તેના પરીક્ષકે લોજિકના માર્ક આપીને વિદ્યાર્થીને મોટિવેટ કર્યો તેના પણ લોકોએ વખાણ કર્યા હતા. ટ્વિટરમાં શેર થયેલી આ ઈમેજ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ હતી.