605 Total Views
સૌરવ ગાંગુલી એટલે એક એવો કેપ્ટન જેણે ભારતીય ટીમને જમીન પરથી આકાશ પર લાવી દીધી. એક એવો કેપ્ટન જેને ખબર હતી કે કયો ખેલાડી તેના માટે મેચ વિનર સાબિત થઇ શકે છે અને કયા ખેલાડીથી કઇ રીતે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવવાનું છે. આ જ સૌરવ ગાંગુલીએ પોતાની આઈપીએલ કેપ્ટનશિપને લઇને એક ઘણી મોટી વાત કહી દીધી છે. સૌરવ ગાંગુલીએ આઈપીએલ 2008માં કોલકાતા નાઇટરાઇડર્સની કેપ્ટનશિપ કરી હતી, જેને લઇને તેમણે ખુલાસો કરતા કહ્યું છે કે તેમને શાહરૂખ ખાનની ટીમમાં ક્યારેય આઝાદી નથી મળી.
શાહરૂખે ગાંગુલીને ટીમમાં નહોતી આપી આઝાદી
2008માં કોલકાતા નાઇટરાઇડર્સની કેપ્ટનશિપ કરનારા સૌરવ ગાંગુલીએ કહ્યું કે તેઓ ટીમમાં સંપૂર્ણ આઝાદી ઇચ્છતા હતા, ઠીક એ રીતે જે રીતે ચેન્નાઈ સુપરકિંગ્સમાં ધોની અને રોહિત શર્માને મુંબઈ ઇન્ડિયન્સમાં મળે છે, પરંતુ આવું થયું નહીં. ગાંગુલીએ પણ કહ્યું કે, શાહરૂખ ખાને તેમને આનો વાયદો કર્યો હતો, પરંતુ તેમની કથની અને કરનીમાં ફર્ક હતો. ગાંગુલીએ એક યૂટ્યૂબ ચેનલની સાથે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “મે એક ઇન્ટરવ્યૂમાં જોયું કે ગૌતમ ગંભીર કહી રહ્યો હતો કે શાહરૂખે તેને કહ્યું કે આ તમારી ટીમ છે. મે પણ 2008માં શાહરૂખને આ જ કહ્યું હતુ, પરંતુ મારી સાથે આવું ના થયું.”
બુકાનન ઇચ્છતા હતા કે ટીમમાં 4 કેપ્ટન હોય
ગાંગુલીએ આગળ કહ્યું કે, “સારી આઈપીએલ ટીમ એ છે જેમને પોતાની ટીમને ખેલાડીઓનાં હાથમાં છોડી છે. ચેન્નઈ સુપરકિંગ્સને જુઓ, તેને એમએસ ધોની ચલાવે છે. રોહિત શર્માની પાસે કોઈ નથી જતુ કે તમે આ ખેલાડીઓને પસંદ કરો. આ મામલે સમજ મોટી ચીજ છે. તે સમયનાં કૉચ જૉન બુકાનન ઇચ્છતા હતા કે અમારે 4 કેપ્ટનની જરૂરિયાત છે.” વર્ષ 2009માં શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઇટરાઇડર્સે સૌરવ ગાંગુલીને કેપ્ટનશિપથી હટાવી દીધા હતા.
2011માં ગાંગુલીએ કોલકાતા નાઇટરાઇડર્સ સાથે સંબંધ તોડ્યા
ઉલ્લેખનીય છે કે કૉચ બુકાનન અને ગાંગુલીનાં સંબંધો ક્યારેય સારા રહ્યા નહીં, જેની અસર ટીમનાં પ્રદર્શન પર પણ જોવા મળી. પહેલી 2 સીઝનમાં કેકેઆરની ટીમ ટૉપ 4માં પણ નહોતી પહોંચી શકી. વર્ષ 2011માં ગાંગુલીએ કોલકાતા નાઇટરાઇડર્સ સાથે સંબંધ તોડ્યા અને પુણે વૉરિયર્સમાં સામેલ થયા. શાહરૂખ ખાને જ્યારે ગૌતમ ગંભીરને સંપૂર્ણ છૂટ આપી ત્યારબાદ કોલકાતા નાઇટ રાઇડર્સની કિસ્મત પલટી. ટીમે બેવાર આઈપીએલ ખિતાબ પર કબજો કર્યો. જો શાહરૂખ ખાન અને કૉચ બુકાનને ગાંગુલીને પણ આઝાદી આપી હોત તો નાઇટરાઇડર્સ વધારે ખિતાબ જીતી હોત તેવું બની શક્યું હોત.