1,027 Total Views
સાણંદમાં નવજીવન હોસ્પિટલ પાસેથી ચાલીને જતા હતા
વાવાઝોડું હોવાથી ભાઈ બંગલામાં કામ કરતી બહેનને લેવા માટે ગયો હતો: વીજપ્રવાહ હોવાથી લોકો લાચાર બનીને જોતા રહ્યા
અમદાવાદ : ન જાણ્યું જાનકી નાથે… કહેવત જેવી કમનસીબ ઘટના સાણંદમાં બની છે. વાવાઝોડાના કારણે વીજવાયર તૂટીને રોડ પર ભરાયેલા પાણીમાં પડયો હતો. આ પાણીમાંથી ચાલીને જઈ રહેલાં ભાઈ-બહેનને એવો વીજ કરન્ટ લાગ્યો હતો કે બન્નેના સૃથળ પર જ મૃત્યુ નિપજ્યા હતા. વાવાઝોડું હોવાથી બંગલામાં કામ કરતી બહેનને લેવા માટે ભાઈ ગયો હતો તેનું પણ મૃત્યુ નિપજ્યું છે.
કમનસીબી એ છે કે, ભાઈ-બહેનને કરન્ટ લાગ્યો તે સમયે અનેક લોકો રોડ પરથી પસાર થતાં હતાં પરંતુ વીજકરન્ટથી લાચાર બનીને જોવા સિવાય કોઈ રસ્તો નહોતો. સાણંદ પોલીસે એ.ડી. નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બપોરે સાણંદમાંથી વાવાઝોડું પસાર થઈ રહ્યું હતું. આ સમયે જ બાવળા રોડ પર આવેલી નવજીવન હોસ્પિટલ નજીક જીવલેણ દુર્ઘટનામાં ભાઈ-બહેને જીવ ગુમાવ્યાં છે.
ચુનારાવાસમાં રહેતા મંજુલાબહેન રામુભાઈ ચુનારા (ઉ.વ. 34) હોસ્પિટલ પાસેના બંગલામાં ઘરકામ કરવા માટે ગયા હતા. વાવાઝોડું હોવાથી બહેનની સલામતી માટે ભાઈ વિષ્ણુભાઈ (ઉ.વ. 40) પણ સાથે ગયા હતા. ભાઈ-બહેન બાવળા રોડ પર જ આવેલા ચુનારા વાસમાં ઘરે જવા માટે ચાલીને નીકળ્યા હતા.
નવજીવન હોસ્પિટલથી થોડે જ આગળ નીકળ્યા ત્યારે વાવાઝોડા અને વરસાદથી પાણીનું ખાબોચિયું ભરાયેલું હતું. અડધો ફૂટ ભરાયેલા પાણીમાંથી ભાઈ-બહેન ચાલીને પસાર થતા હતા. આ સમયે જ ભારે પવનના કારણે અચાનક જ બાજુના થાંભલા પરથી એલ.ટી. લાઈનનો વાયર તૂટી પડયો હતો. વાયર તૂટીને સીધો જ પાણીના ખાબોચિયામાં પડયો હતો. આ સમયે જ મંજુલાબહેન અને તેમના ભાઈ વિષ્ણુભાઈ પાણીના ખાબોચિયામાંથી પસાર થતાં હતાં.
લો ટેન્શન લાઈનનો વીજવાયર પાણીમાં પડતાં પાણીના ખાબોચિયામાં વીજપ્રવાહ પસાર થયો હતો. ભાઈ-બહેન તરફડવા લાગ્યા હતા અને પાણીમાં પટકાયા હતા. આજુબાજુમાંથી પસાર થતાં લોકોએ ભાઈ-બહેનને પાણીમાં વીજકરંટ લાગ્યાનું જોયું હતું.
કમનસીબે લોકો લાચાર બનીને જોતાં રહ્યાં હતાં. સાણંદ પી.આઈ. એચ.બી. ગોહિલે જણાવ્યું કે, વીજપ્રવાહ બંધ કરાવી ભાઈ-બહેન સુધી પહોંચ્યા હતા. પણ, મંજુલાબહેન અને વિષ્ણુભાઈના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યાં હતાં. કામનસીબ ઘટના અંગે એ.ડી. નોંધી કાર્યવાહી કરાઈ છે.