652 Total Views
આણંદ – : હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીની ચાલી રહી છે. કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હાલ સમગ્ર જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં હાલ ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને તેમજ ૪૫ થી ૫૯ વર્ષ સુધીના કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોને કોરોનાની વેકસિન આપવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે.
કોરોના વેકસિનની આ ચાલી રહેલી કામગીરી અંતર્ગત તાજેતરમાં જ કોરોના વેકસિનના બે ડોઝ લેનાર અને વિરોલ પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં શ્રીમતી મીનાબેન નરસિંહભાઇ મહીડા કહે છે કે, મેં તા. ૯/૨/૨૧ના અને તા. ૧૨/૩/૨૧ના રોજ એમ વેકસિનના બંને ડોઝ લઇ લીધા છે. ત્યારે તેમણે આણંદ જિલ્લના નાગરિકોને પ્રેરક સંદેશો આપતાં કહ્યું કે, હું સમજું છું કે, મારી અને મારા પરિવારના આરોગ્યના રક્ષણ માટે રસી લેવી જરૂરી છે. અને તેના કારણે જ મેં રસીના બંને ડોઝ લઇ લીધા છે. રસી ખૂબ જ સુરક્ષિત છે, મને રસી મુકાવ્યા પછી કોઇ આડઅસર નથી થઇ. મને રસી લીધા બાદ જે કાળજી રાખવાની હોય તેની જાણકારી આપવામાં આવી છે. રસી લેતાં પહેલાં પણ મને થોડો ડર હતો પણ રસી લીધા પછી મને કોઇ ડર રહ્યો નથી. માટે હું દરેકને કહેવા માંગું છું કે પોતાના અને પરિવારના આરોગ્યના રક્ષણ માટે કોઇની પણ રાહ જોયા વિના રસી મૂકાવી દો.