1,574 Total Views
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે. જેથી કોરોના ટેસ્ટ ની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન હોટસ્પોટ વિસ્તાર અને તમામ જિલ્લાઓથી લઇને ગામડાઓમાં પણ રેપીડ ટેસ્ટ (Rapid test) કરવામાં આવી રહ્યા છે. કોરોનાને નાથવા માટે વધુમાં વધુ રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેવામાં હવે વડોદરાના નોડલ ઓફિસર નું મોટુ નિવેદન સામે આવી રહ્યું છે.
વડોદરાના નોડલ ઓફિસર શીતલ મિસ્ત્રીએ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, આગામી 15 દિવસમાં કોરોના કેસનો રાફડો ફાટશે. દિવાળીમાં નિયમ ભંગથી સ્થિતિ વિકટ બની રહી છે. વડોદરામાં કોવિડ દર્દી માટે કુલ 4693 બેડ ઉપલબ્ધ હોવાની વાત જણાવી છે, પરંતુ હાલમાં કોવિડ માટેના 72 ટકા બેડ ઉપલબ્ધ હોવાની વાત કરતા હાશકારો થયો છે. ICU વોર્ડના 955 બેડમાંથી 63 ટકા ઉપલબ્ધ, જ્યારે ઓક્સિજનના 1675 બેડમાંથી 72 ટકા ઉપલબ્ધ છે.
વડોદરાના નોડલ ઓફિસરનો ચોંકાવનારો દાવો કરીને નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. કોરોના વિસ્ફોટ માટે તહેવારોમાં બજારોમાં લોકોએ માર્ગદર્શિકાનો કરેલ ભંગ કારણભૂત હોવાનો ખુલાસો કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, અગાઉ વડોદરાના નોડલ ઓફિસર ડો.શિતલ મિસ્ત્રીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, રેપીડ ટેસ્ટ પર વિશ્વાસ ન કરાય. રેપીડ ટેસ્ટ પર ભરોસો રાખ્યા વિના RT-PCR ટેસ્ટ કરાવવું જોઇએ. દર્દીની લાપરવાહી ફેફસાને મોટુ નુકસાન પહોંચાડી શકે છે. રેપીડ ટેસ્ટમાં નેગેટિવ આવેલા વ્યક્તિ અસંખ્ય લોકોને સંક્રમિત કરી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિનો રેપીડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય અને શરદી, ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો સ્થિતિ વધુ ગંભીર થાય એ પહેલા હોસ્પિટલમાં દાખલ થઈ તાત્કાલિક સારવાર લેવી જોઈએ. રેપીડ કીટ દ્વારા દરેક દિવસે વધુને વધુ ટેસ્ટ કરવાની સુચના આપવામાં આવી છે. અત્યાર સુધી PCR ટેસ્ટ કરવામાં આવતો હતો. આ ટેસ્ટનું પરિણામ આવતા બેથી ત્રણ દિવસ નીકળી જતા હતાં. ત્યારે હવે સરકાર દ્વારા રેપીડ ટેસ્ટ પર ભાર મુકવામાં આવ્યો છે.