855 Total Views
– કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે ગુજરાતના અમદાવાદમાં 3 કોવિડ વેક્સિનેશન કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હી, તા. 21 જૂન, 2021, સોમવાર
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન)થી દેશમાં 18 વર્ષ કરતા વધારે ઉંમરના તમામ નાગરિકને ફ્રીમાં કોરોનાની વેક્સિન આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ રાષ્ટ્રજોગ સંબોધનમાં ફ્રી વેક્સિનેશનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 21મી જૂનથી 18 વર્ષ કરતા વધારે ઉંમરના તમામ નાગરિકને સરકાર ફ્રીમાં વેક્સિન આપશે.
નવી વેક્સિનેશન પોલિસી
નવી વેક્સિનેશન પોલિસી પ્રમાણે 18 વર્ષથી 44 વર્ષ સુધીની ઉંમર ધરાવતા લોકો સીધા જ વેક્સિનેશન સેન્ટર પર જઈને વેક્સિન લઈ શકશે. પહેલા 18થી 44 વર્ષની ઉંમરના લોકોએ વેક્સિન માટે કોવિન પોર્ટલ પર એપોઈન્ટમેન્ટ લેવી પડતી હતી. પરંતુ નવી પોલિસી પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા 18 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોને ફ્રીમાં વેક્સિન મળશે. આ મહા વેક્સિનેશન અભિયાનનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે અને રાજ્યોએ કોઈ ખર્ચ નહીં કરવો પડે. જોકે ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન લેવા માટે કિંમત ચુકવવી પડશે.
ગુજરાત સરકાર સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન અભિયાન શરૂ કરી રહી છે. તેમાં તાત્કાલિક રજિસ્ટ્રેશન કરીને 18થી 44 વર્ષની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે ગુજરાતના અમદાવાદમાં 3 કોવિડ વેક્સિનેશન કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે.
વેક્સિનેશન કેન્દ્ર જવા પાછળનો અમિત શાહનો ઉદ્દેશ્ય લોકોને ગુજરાત સરકારના મહા વેક્સિનેશન અભિયાનનો હિસ્સો બનવા પ્રોત્સાહિત કરવાનો છે.