850 Total Views
– મૌર્યએ ખેડૂત આંદોલનની તુલના નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) વિરૂદ્ધના શાહીનબાગ પ્રદર્શન સાથે કરી હતી
કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ખેડૂત આંદોલનની આગેવાની કરી રહેલા રાકેશ ટિકૈતે રવિવારે મુઝફ્ફરનગર ખાતે આયોજિત કિસાન મહાપંચાયતને સંબોધિત કરી હતી. ટિકૈતે ખેડૂત પંચાયતના મંચ પરથી સત્તાધારી ભાજપ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને કેન્દ્રની સરકાર પર બરાબરનો હુમલો કર્યો હતો. રાકેશ ટિકૈતે ભાજપને દંગા કરાવનારી પાર્ટી ગણાવીને સત્તા પરથી ઉખાડી ફેંકવા આહ્વાન કર્યું હતું.
આ તરફ ભાજપે પણ રાકેશ ટિકૈત પર વળતો હુમલો કર્યો છે. રાકેશ ટિકૈતની એક ટ્વીટ અંગે ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ લખ્યું હતું કે, 20 હજાર લોકો ભેગા ન કરી શક્યા અને 20 લાખનો દાવો કરી રહ્યા છે. તેમણે ટિકૈત પર નિશાન સાધીને કહ્યું કે, 4 ફોટા ટ્વીટ કર્યા છે અને ચારેયમાં પોતાનો જ ચહેરો દેખાડી રહ્યા છે. મિયાં ખલીફાની અફવા ઉડાવી હતી ત્યારે થોડી ભીડ આવી પરંતુ લોકો નિરાશ થઈને પાછા ફર્યા.
યુપી ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ ટિકૈત પર આ હુમલો તેમની ટ્વીટ પર રિટ્વીટ કરીને કર્યો હતો. રાકેશ ટિકૈતે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, જમ્મુ કાશ્મીરથી લઈને કેરળ સુધીના 20 લાખ ખેડૂતોએ મુઝફ્ફરનગર પહોંચીને તાનાશાહ સરકારને ફરી સર્ટિફિકેટ આપી દીધું કે, જેમને તે મુઠ્ઠીભર ખેડૂત કહે છે. તેઓ આખા દેશના ખેડૂતો છે. રાકેશ ત્રિપાઠી પહેલા યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પણ ખેડૂત આંદોલન મુદ્દે કટાક્ષ કર્યો હતો.
મૌર્યએ ખેડૂત આંદોલનની તુલના નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) વિરૂદ્ધના શાહીનબાગ પ્રદર્શન સાથે કરી હતી. કેશવ પ્રસાદે કાનપુર ખાતે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, ખેડૂત આંદોલનમાં ખેડૂતો નહીં પણ સપા, બસપા અને કોંગ્રેસના લોકો છે. જે રીતે શાહીનબાગનું આંદોલન ટાંય-ટાંય ફિસ્સ થયું હતું એવી જ હાલત ખેડૂત આંદોલનની પણ થશે.