GUJARAT

અમદાવાદ વિભાગમાં હવે મહિલા ડ્રાઇવર પેસેન્જર ટ્રેન દોડાવશે

 627 Total Views

– કોઇમ્બતુર-રાજકોટ ટ્રેનમાં મહિલાને સહાયક ડ્રાઇવરની જવાબદારી સોંપાઇ
– માલગાડીઓ બાદ હવે મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં પણ મહિલાઓ ડ્રાઇવર તરીકેની હાજરી નોંધાવી રહી છે
અમદાવાદ,તા.10 ઓક્ટોબર 2021, રવિવાર
પશ્ચિમ રેલવેમાં અમદાવાદ વિભાગમાં મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં સહાયક લોકો પાયલટના રૂપમાં શિખા રાઠોડ નામની મહિલાએ કામગીરી સંભાળી લીધી છે. અગાઉ માલગાડીઓમાં આ જવાબદારી સંભાળ્યા બાદ તેઓને હવે પેસેન્જર મેલ-એક્સપ્રેસ ગાડીમાં સહાયક ડ્રાઇવર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અમદાવાદ વિભાગની પ્રથમ મહિલ ટ્રેન ડ્રાઇવર બની ગયા છે.

શિખા રાઠોડે ગત તા.૯ ઓક્ટોબરે ટ્રેન નં. ૦૬૬૧૪ અને આજે તા.૧૦ ઓક્ટોબરે ટ્રેન નં.૦૬૬૧૩ કોઇમ્બતુર-રાજકોટ-કોઇમ્બતુર એક્સપ્રેસમાં મહિલા સહાયક લોકો પાયલટની જવાબદારી સંભાળી હતી. તેઓએ અમદાવાદથી રાજકોટ વચ્ચે સતર્કતા પુર્વક ટ્રેન દોડાવી હતી.

આ અંગે રેલ યુનિયનના નેતા સંજય સૂર્યબલીના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવેના અન્ય વિભાગોમાં મેલ-એક્સપેસ ટ્રેનોમાં મહિલા પાયલટ છે પરંતુ અમદાવાદ વિભાગમાં આ પ્રથમ મહિલા છે કે જે પેસેન્જર ટ્રેનમાં લોકો પાયલટની જવાબદારી સંભાળી છે. માલગાડીઓમાં વર્ષ ૨૦૧૨થી મહિલા સહાયક લોકો પાયલટ કાર્યરત છે પરંતુ મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં કોઇ મહિલાને ડ્રાઇવર તરીકેની જવાબદારી સોંપાઇ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

વટવા ગુડ્સ લોબીમાં યોજાયેલા એક સમારંભમાં શિખા રાઠોડનો વિદાય સમારંભ યોજાયો હતો હવે તે માલગાડીઓની કમાન છોડીને પેસેન્જર ટ્રેનની કમાન હાથમાં લેવા જઇ રહ્યા હોવાથી તમામ લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. બીજી તરફ અમદાવાદમાં પેસેન્જર ટ્રેન લોબીમાં આ મહિલા ડ્રાઇવરનું સન્માન કરીને તેઓને તેમની નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ટ્રેનમાં ડ્રાઇવરની જવાબદારી વધુ હોય છે. મુસાફરોને હેમખેમ તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવાની જવાબદારી હોય છે. સિગ્નલ, બ્રેક, સ્પીડ, સ્ટેશન સ્ટોપેજ, હવામાન સહિતની વિવિધ સ્થિતિઓ પર બાજ નજર રાખવી પડે છે. અમદાવાદ વિભાગમાં મહિલા ડ્રાઇવર હવે ટ્રેન દોડાવી રહી છે તે મહિલા સશક્તિકરણનું વધુ એક તાજુ ઉદાહરણ છે.ટ્રેનોમાં પણ હવે મહિલાઓ કપરી, અઘરી જવાબદારીઓ લઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.