1,340 Total Views
મોરબીમાં આજે એક સાથે 124 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષિત બેરોજગાર સમિતિની આગેવાનીમાં મોરબી માળિયા વિધાનસભાની પેટા ચુંટણી માટેના ફોર્મ લીધા છે અને આગામી સમયમાં પણ સરકાર જો તેમના પ્રશ્નોનો ઉકેલ ના લાવે તો ઉમેદવારી નોંધાવીને સરકારની સામે જ ચુંટણી પ્રચાર પણ કરશે. એક બાજુ લાંબા સમયથી વિદ્યાર્થીઓ પોતાની માંગોને લઇ આંદોલનના રસ્તે છે ત્યારે હવે ચુંટણીના સમયે જ સરકારનું નાક દબાવવા માટે વિદ્યાર્થીઓ એ સામુહિક ઉમેદવારીનું શસ્ત્ર ઉપાડ્યું છે.
મોરબી તાલુકા સેવા સદન કચેરી આજે શિક્ષિત બેરોજગાર સમિતિના યુવા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓથી ભરાઈ ગયું હતું. એક સાથે 124 જેટલા વિદ્યાર્થીઓએ આજે પેટા ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટેની તૈયારીઓ કરી છે. આજે સવારે 11 કલાકે આવી પહોંચેલ આ વિદ્યાર્થીઓએ ચુંટણીમાં ઉમેદવારી માટેના ફોર્મ લઇ લીધા છે અને આગામી સમયમાં સરકાર તેમના પ્રશ્નોને ગંભીરતાથી લઇને નિરાકરણ નહિ લાવે તો આ ફોર્મ ભરીને ઉમેદવારી પણ નોંધાવવા માટે વિદ્યાર્થીઓએ નિર્ણય કરી લીધો છે. લાંબા સમયથી આંદોલન કરવા છતાં સરકાર તેમની સમસ્યાને ગંભીરતાથી નહિ લેતા વિદ્યાર્થીઓ બેરોજગારીથી કંટાળીને હવે રાજકારણમાં ઝમ્પ લાવી સરકારના કાન આમળશે તેવું રોહિત મારું નામના શિક્ષિત બેરોજગાર યુવાને જણાવ્યું હતું.ત્યાં જ ભરતભાઈ રાવલ શિક્ષિત બેરોજગાર યુવાને જણાવ્યું કે, અનેક ક્ષેત્રોમાં સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. જુદા જુદા વિદ્યાર્થીઓને લાંબા સમયથી રાહ જોવા છતાં નિમણુક આપવામાં આવતી નથી ત્યારે જુદી-જુદી પરીક્ષાઓ આપી પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય બાબતમાં કોઈ જ નિર્ણય લેવામાં આવતા નથી, તેથી ગુજરાતમાં શિક્ષિત બેરોજગાર સમિતિ અસ્તિત્વમાં આવી છે અને ગુજરાતમાં યોજવા જઈ રહેલ પેટા ચુંટણીઓમાં પોતે ઉમેદવારી નોંધાવીને સરકાર પર દબાણ લાવવા પ્રયાસ કરી રહી છે, જેના ભાગ રૂપે આજે મોરબીમાં આ સમિતિના 124 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના ઉમેદવારી ફોર્મ મેળવી લીધા છે અને અગામી સમયમાં ઉમેદવારી નોંધાવીને સરકાર સામે રાજકીય લડત આપવા તૈયારી કરી લીધી છે. જોકે આજે 124 વિદ્યાર્થીઓના દાવા વચ્ચે બપોર સુધીમાં 78 જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ મેળવી લીધા છે.
સમગ્ર રાજ્યમાં વિવિધ પરીક્ષાઓ આપી ચૂકેલ વિદ્યાર્થીઓને નિમણુક આપવામાં નહિ આવતા સમગ્ર રાજ્યમાં આવા વિદ્યાર્થીઓનું એક સંગઠન બનાવવામાં આવ્યું છે. શિક્ષિત બેરોજગાર સમિતિના નામે આ વિદ્યાર્થીઓ દ્વારા પેટા ચુંટણીના સમયે જ સરકારના કાન આમળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સત્તાધીસ ભાજપની વિરુદ્ધમાં જ ઉમેદવારી નોંધાવીને આ વિદ્યાર્થીઓ સરકાર ઉપર દબાણ લાવવા માગી રહ્યા છે. જોકે વિદ્યાર્થીઓની સમસ્યાનો ઉકેલ આવી જાય તો તેઓ ચુંટણી લડવા રાજી નથી. પરંતુ જો ઉકેલ ના આવે તો ઉમેદવારી નોંધાવી સક્રિય રીતે ચુંટણી લડવા પણ તૈયાર હોવાનો દાવો કરી રહ્યા છે.