GUJARAT

જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા મોદીએ બેઠક બોલાવ્યાની અટકળોનો અંત

 874 Total Views

સર્વપક્ષીય બેઠકનો મુદ્દો જમ્મુ-કાશ્મીરમાં સીમાંકનને રાજકીય મંજૂરી છે : સૂત્રો
પીએમ મોદી સાથેની બેઠકમાં હાજરી અંગે પીડીપી, નેશનલ કોન્ફરન્સ ગુપકર જૂથની બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેશે
નવી દિલ્હી, તા.૨૦

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪મી જૂને જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોની સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક માટે જમ્મુ-કાશ્મીરના ૧૪ પક્ષના નેતાઓને આમંત્રણ અપાવાની સાથે આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો અપાશે એવી અટકળો વહેતી થઈ હતી. જોકે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠક જમ્મુ-કાશ્મીરના સીમાંકન મુદ્દે છે. આ અહેવાલોએ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની અટકળોનો અંત લાવી દીધો છે. બીજીબાજુ પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુખ અબ્દુલ્લા આ બેઠકમાં હાજર રહેવા અંગે હજી ચર્ચા કરી રહ્યા છે.

કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા માટે સંસદની મંજૂરીની જરૂર પડશે. જોકે, સરકારે વચન આપ્યું છે કે યોગ્ય સમયે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાશે, પરંતુ તે સમય હજી આવ્યો નથી. સાથે જ સૂત્રોએ જણાવ્યું કે આ બેઠક કેન્દ્ર દ્વારા જૂનના પહેલા સપ્તાહમાં શરૂ થયેલી વહીવટી કવાયતને રાજકીયરૂપે માન્યતા અપાવવાનો પ્રયાસ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપવા અંગે ચર્ચા પણ થાય તો બંધારણની કલમ ૩૭૦ હેઠળ તેને અગાઉ અપાયેલો વિશેષ દરજ્જો ફરીથી પાછો આપવાની કોઈ સંભાવના નથી.

કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવા માટે તૈયાર છે. જોકે, વિધાનસભા ચૂંટણી સીમાંકન પ્રક્રિયા પૂરી થયા બાદ જ થઈ શકે છે, જેમાં વિધાનસભા અને લોકસભા ક્ષેત્રોની સીમા ફરીથી નિશ્ચિત કરાશે. જમ્મુ-કાશ્મીરમાં વહેલી તકે ચૂંટણી કરાવવા માટે સીમાંકનની કામગીરી વહેલા પૂરી થાય તે જરૂરી છે. આયોગે બધા જ જિલ્લા કમિશનરો પાસેથી બેઝિક માહિતી માગી છે. રાજ્યમાં હવે વિધાનસભા ચૂંટણી સીમાંકન આયોગની ભલામણના આધારે વિધાનસભા ક્ષેત્રોની સીમાઓ નક્કી થશે. આ આયોગની રચના ગયા વર્ષે થઈ હતી અને તેની સમય મર્યાદા એક વર્ષ લંબાવાઈ હતી.

દરમિયાન વડાપ્રધાન મોદીએ ૨૪મી જૂને જમ્મુ-કાશ્મીરના બધા પક્ષોની બોલાવેલી બેઠકમાં હાજરી આપવાના સંદર્ભમાં પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ રવિવારે પક્ષના નિર્ણયો લેતી સૌથી મોટી બોડી પીએસીની બેઠક બોલાવી હતી, જેમાં પીએસીએ બેઠકમાં હાજર રહેવા અંગેનો નિર્ણય લેવાની સત્તા મહેબૂબા મુફ્તીને સોંપાઈ હતી. બીજીબાજુ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુખ અબ્દુલ્લાએ પણ વડાપ્રધાનની બેઠકમાં હાજર રહેવા અંગે પક્ષના વરીષ્ઠ નેતાઓ સાથે ચર્ચા શરૂ કરી છે. પક્ષના નેતાઓ સાથે ચર્ચા થયા પછી ગુપકર જૂથના નેતાઓ સાથે ચર્ચા કરાશે અને ત્યાર પછી સર્વસંમતિથી નિર્ણય લેવાશે તેમ ફારૂખ અબ્દુલ્લાએ જણાવ્યું હતું.

દરમિયાન પીએમ મોદીની બેઠકમાં હાજર રહેવા અંગે કોઈ જવાબ નહીં આપતાં કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો અગાઉનો દરજ્જો પાછો આપવાની અને કલમ ૩૭૦ ફરી લાગુ કરવાની માગણી કરી હતી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે, બંધારણ અને લોકશાહીના હિતમાં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવાની માગણી સ્વીકારવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.