Business

એરંડાની આવકો ઓછી હોવાનું કારણ ખેડૂતો અન્ય પાકોના માર્કેટિંગમાં વ્યસ્ત હોવાનું પણ છે.

 669 Total Views

ખેડૂતો માટે ધીમે-ધીમે સારા દિવસો જોવા મળી રહ્યાં છે. નવી ખરિફ માર્કેટિંગની શરૂમાં મગફ્ળી અને કપાસના ભાવોમાં સરકાર નિર્ધારિત લઘુતમ ટેકાના ભાવની સરખામણીમાં નોંધપાત્ર ડિસ્કાઉન્ટ બાદ હવે બંને પાકોમાં ઊંચી માગ પાછળ ભાવ એમએસપી લગોલગ આવી ગયા બાદ એરંડામાં પણ આ જ સ્ટોરીનું પુનરાવર્તન થાય તેવી અપેક્ષા વર્તુળો રાખી રહ્યાં છે. ચીનની ઊંચી દિવેલ માગને જોતાં એરંડાના હાલમાં રૂ. ૯૨૦-૯૨૫ પર ચાલી રહેલા ભાવ રૂ. ૧૦૦૦ની સપાટીને ઝડપથી પાર કરી જાય તેવી શક્યતા છે. જ્યારે પાછળથી તેમાં રૂ. ૧૨૦૦ સુધીની તેજી પણ શક્ય છે. અગાઉ કેલેન્ડર ૨૦૧૨માં એરંડાના ભાવ રૂ. ૧૨૦૦ના ભાવે જોવા મળ્યા હતા.

કોમોડિટી વર્તુળો જણાવે છે કે હાલમાં એરંડાની પિલાણ માગ સામે આવકો ઓછી છે. જેને કારણે ભાવ ધીમે-ધીમે મજબૂતી દર્શાવી રહ્યાં છે. દૈનિક ૭૫,૦૦૦ બોરીની પિલાણ માગ જોવા મળે છે. ઉપરાંત ચીન પણ એરંડાની ખરીદી કરી રહ્યું હોવાના અહેવાલ છે. જેની પાછળ ઓઈલસીડ ક્રશર્સની સંસ્થા સોલવન્ટ એક્સટ્રેક્ટર્સે તો સરકારને એરંડાની નિકાસ પર પ્રતિબંધની માગણી પણ કરી હતી. જોકે ચીન ભારતમાંથી દિવેલની જ નિકાસ કરે છે અને મોટાપાયે દાણા ખરીદવા તેના માટે શક્ય નથી. હાલમાં એરંડાની આવકો ઓછી હોવાનું કારણ ખેડૂતો અન્ય પાકોના માર્કેટિંગમાં વ્યસ્ત હોવાનું પણ છે. એરંડામાં ભાવ મજબૂત બની રહ્યાં છે અને તેને લાંબો સમય સાચવી શકાય છે, આમ ખેડૂતોને તેમની પાસે પડેલો માલ વેચવાની ઉતાવળ નથી. ચાલુ ખરીફ્માં ગુજરાતમાં અખાદ્ય તેલીબિયાંનું વાવેતર ૧.૨ લાખ હેકટર જેટલું ઓછું થયું છે અને તેથી ઉત્પાદન ઓછું થશે તે સ્વાભાવિક છે. ગુજરાત દેશમાં ૮૦ ટકા એરંડાનું ઉત્પાદન ધરાવે છે. અન્ય ખાદ્ય તેલીબિયાંમાં મજબૂતીની અસર પણ એરંડા પર પડશે અને તેની પાછળ ભાવ ટૂંક સમયમાં ઊછળી જાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.