1,682 Total Views
હવામાન ખાતા એ દક્ષિણ ગુજરાત માં કમોસમી વરસાદ ની આગાહી કરી છે. તે સિવાય ક્યાંય પણ કોલ્ડવેવ ની સ્થિતિ રહેશે નહીં. આગામી 24 કલાક સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ બે થી ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન વધી શકે છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. માઉન્ટ આબુ માં પારો 2 ડિગ્રી યથાવત્ રહ્યો છે.
રાજ્યભરમાં ઉત્તરાયણ પૂર્વે અને માગશર માસની સમાપ્તિ પહેલાં કુદરત રાહત આપતી હોય તેમ આજે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ઘણા દિવસો બાદ હુંફાળા વાતાવરણમાં ટહેલવા માટે નગરજનો નીકળી પડયાં હતા. આજે રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન એકમાત્ર નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું હતું. તે સિવાયના 22 શહેરોમાં 10 ડિગ્રીથી ઉપર તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 17.3 અને ગાંધીનગરમાં 16.2 ડિગ્રી તાપમાનથી લોકોએ રાહત અનુભવી હતી. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં માવઠાંની આગાહી કરી છે.
માગશર માસ પુરો થવાની તૈયારીમાં છે. હવે પોષ માસ શરૂ થશે. જેમાં દાંતની કડકડાટી બોલી જાય તેવી ઠંડી પડશે. પરંતુ પોષ માસની હાડ ગાળતી ઠંડી પડે તે પૂર્વે કુદરતે લોકોને તીવ્ર ઠંડીમાંથી રાહતનો મોકો આપ્યો હોય તેવું જણાય છે. આજે રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતા લોકોએ રાહત અનુભવી હતી. બજારોમાં અને માર્ગો પર પણ ચહલ-પહલ જોવા મળી હતી. રોજ ગરમ કપડાંમાં લપેટાયેલા લોકોએ થોડા સમયની મુક્તિનો આનંદ માણ્યો હતો. અલબત્ત ઉપર આભ અને નીચે ધરતી પ્રમાણે રસ્તા પર જીવન જીવતા લોકોની હાલતમાં કશો ફેર પડયો નથી.
ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરમાં રવિવારે સામાન્ય વાદળછાયા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી જેટલું ઉંચકાયું હતું. જેના કારણે ઠંડીનો પારો 14.5 થી 16.2 ડિગ્રીની વચ્ચે નોંધાયો હતો. ઊંચા તાપમાનના કારણે ઠંડીનું જોર સાવ ઘટી ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવામાં વધુ પડતા ભેજના કારણે સોમવારે સવારે ધૂમ્મસભર્યું વાતાવરણ સર્જાઈ શકે છે. જોકે, વાતાવરણ સામાન્ય બનતાં આગામી 2 દિવસમાં ઠંડી 2-3 ડિગ્રી વધશે.
માઉન્ટ આબુમાં તાપમાનનો પારો 02 ડિગ્રી પર યથાવત્
રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો છેલ્લા ત્રણ દિવસથી 02 ડિગ્રી આસપાસ નોંધાયો છે. માઉન્ટ આબુમાં ફુલ ગુલાબી ઠંડીના વાતાવરણ વચ્ચે આજે રવિવારની રજા માણવા માટે સહેલાણીઓની ભીડ ઉમટી હતી. માઉન્ટ આબુની ઘાટીઓમાં બે દિવસથી ધુમ્મસ જોવા મળી રહ્યું છે. જોકે બપોર બાદ ધુમ્મસ વિખેરાતાં વાતાવરણ ચોખ્ખું થતાં સહેલાણીઓ માઉન્ટ આબુના જોવાલાયક સ્થળોએ આનંદ માણી શકે છે. દિવસ દરમ્યાન તાપમાનનો પારો 21 ડિગ્રી નોંધાતા દિવસે સામાન્ય ઠંડીમાં સહેલાણીઓ દિવસ દરમ્યાન નકી લેકમાં બોટીંગનો આનંદ પણ લઈ શક્યા હતા.