GUJARAT

હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ગગડે અને ઠંડી વધે તેવી આગાહી કરી.

 1,490 Total Views

માગશર માસના વદ પક્ષમાં સતત ઠંડીના કારણે ઠારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના ૧૦ શહેરોમાં આજે ૧૦ કે ૧૦ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. સૌથી વધુ ઠંડી કેશોદમાં ૬.૪ ડિગ્રી નોંધાઈ હતી. એક દિવસની રાહત બાદ અમદાવાદ અને પાટનગરમાં ઠંડી વધતા લોકો ધ્રૂજી ઊઠયા હતા. હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ગગડે અને ઠંડી વધે તેવી આગાહી કરી છે.

સતત ઠંડીની અસર જનજીવન પર પણ પડી રહી છે. દિવસ મોડો ઊગે છે અને રાત વહેલી પડે છે. બજારોમાં પણ સવારે ૧૧ વાગ્યા પછી ચહલ-પહલ દેખાય છે. સાંજે બજારોમાં ભીડ ઓછી જોવા મળી રહી છે. ઠંડીથી રક્ષણ મેળવવા તાપણીની મોસમ શરૃ થઈ છે. અમદાવાદમાં શનિવારે લઘુતમ તાપમાન ૧૬.૮ ડિગ્રી હતું.

પરંતુ રવિવારે સવારથી પવનના કારણે ઠંડીમાં વધારો થતાં તાપમાન ગગડીને ૧૦ ડિગ્રી પહોંચી ગયું હતું. તીવ્ર ઠંડીના કારણે લોકો રજાના દિવસે ઘરમાં પુરાઈ રહ્યાં હતા. એકસાથે ૬.૮ ડિગ્રી તાપમાન ઘટી જતા લોકોને આખો દિવસ ગરમ કપડાંમાં લપેટાયેલા રહેવાની ફરજ પડી હતી. આ જ રીતે પાટનગર ગાંધીનગરમાં શનિવારે ૧૬.૫ ડિગ્રી લઘુતમ તાપમાન હતું પરંતુ રવિવારે તેમાં સીધો ૭.૫ ડિગ્રીનો ઘટાડો થતા ૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લોકો સખ્ત ઠંડીમાં ઠુંઠવાયા હતા.

હવામાન ખાતાએ આગાહી પાંચ દિવસની કોલ્ડવેવની આગાહી કરી છે તેમાં પ્રથમ દિવસે પોરબંદર, બીજા દિવસે પોરબંદર, કચ્છ, ત્રીજા દિવસે સિવિયર કોલ્ડ વેવ કચ્છમાં અને રાજકોટ અને સુરેન્દ્રનગરમાં કોલ્ડવેવ, ચોથા દિવસે કચ્છમાં સિવિયર કોલ્ડવેવ અને રાજકોટ અને સુરેન્દ્રનગરમાં કોલ્ડવેવ તથા પાંચમાં દિવસે કચ્છમાં સિવિયર કોલ્ડવેવ અને રાજકોટ-સુરેન્દ્રનગરમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે.

ખેડૂતો ૨૩મીએ રાજભવન સામે ડેરાતંબુ તાણશે, ૨૬મીએ ટ્રેક્ટર સાથે પરેડ યોજશે

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે દેશ સહિત ગુજરાતના ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન ચલાવી રહ્યા છે, હવે ચોથી જાન્યુઆરીએ સરકાર અને ખેડૂતો વચ્ચે મંત્રણા છે, આ મંત્રણામાં જો ત્રણ કાયદા રદ્ નહિ થાય તો ખેડૂત આંદોલનને વધુ જલદ બનાવવાનું દિલ્હીથી જ એલાન કરાયું છે.

જેમાં દિલ્હીના આંદોલનને સમર્થન આપવા પોત પોતાના વિસ્તારોમાં છ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી જાગૃતિ કાર્યક્રમો યોજવા સૂચનાઓ અપાઈ છે, આ ઉપરાંત ૨૩મી જાન્યુઆરીના સુભાષચંદ્ર બોઝના જન્મ દિને રાજ્યપાલના નિવાસ સ્થાન સામે ડેરા તંબુ નાખવાની ચીમકી ઉચ્ચારાઈ છે. ગાંધીનગર ખાતેના આ કાર્યક્રમને લઈ એક બે દિવસમાં ગુજરાતના ખેડૂત આગેવાનોની મિટિંગ મળશે.

દિલ્હીથી નક્કી થયેલા આંદોલનના કાર્યક્રમોના અમલીકરણ માટે ગુજરાતમાં એક બે દિવસમાં ખેડૂત આગેવાનોની મિટિંગ મળવાની છે, ખેડૂત આગેવાનોએ કહ્યું કે, ૨૩મી જાન્યુઆરીએ રાજ્યપાલના નિવાસ સામે ખેડૂતો ડેરા તંબુ નાખશે, આ ઉપરાંત ૨૬મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસે યોજાતી પરેડની જેમ ખેડૂતો રાજધાનીમાં પોતાની પરેડ કરશે, ખેડૂતો તેમના વાહનો-ટ્રેક્ટરો સાથે આ પરેડમાં જોડાશે.

આંદોલનનું નેતૃત્ત્વ કરતી અખિલ ભારતીય કિસાન સંઘની સમન્વય સમિતિના આ એલાનને પગલે ગુજરાતમાં ખેડૂતોએ આગામી કાર્યક્રમને સફળ બનાવવા મિટિંગોનો દોર શરૃ કરશે. ૧૮મી જાન્યુઆરીએ મહિલા ખેડૂત દિવસ તરીકે મનાવવાનું પણ નક્કી કરાયું છે. આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન કરવાની પણ તૈયારી કરાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.