1,634 Total Views
ભારત અને ચીન વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. તે દરમિયાન સાદા વસ્ત્રોમાં ચીની સૈનિકો સરહદ પાર કરીને લદ્દાખના એક સરહદી ગામમાં ઘૂસી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. ચીની સૈનિકોની સરહદ પાર ઘૂસણખોરીની ઘટના લેહથી ૧૩૫ કિ.મી.ના અંતરે આવેલા ચાનતાંગ ગામે નોંધાઇ હતી. આ ગામ ન્યોમા વિસ્તારમાં આવેલું છે. જોકે ચીની સૈનિકો સરહદમાં ઊંડે સુધી ઘૂસણખોરી નહોતા કરી શક્યા. ગામલોકોએ જ વિરોધ કરીને તેમને પાછા ધકેલી દીધા હતા. અહેવાલ મુજબ ચીની સૈનિકો સાદા વસ્ત્રોમાં બે વાહનમાં ચાનતાંગ ગામે આવી પહોંચ્યા હતા અને પશુપાલકોને તેમના પશુ ત્યાં ના ચરાવવા ફરમાવી રહ્યા હતા. પરંતુ સ્થાનિકોએ ભારે વિરોધ કરતાં ચીની સૈનિકોને પોતાની સરહદમાં પાછા વળવું પડયું હતું. સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે. પરંતુ આઇટીબીપી અને સરકારે આ ઘટના બની હોવાને કોઇ સમર્થન નથી આપ્યું. જોકે સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા મુજબ ચાર-પાંચ દિવસ પહેલાં આ ઘટના બની હતી.
હકીકતે આ પહેલાં પણ અનેકવાર ચીની સૈનિકો ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા હોવાના અહેવાલો આવી ચૂક્યા છે. આ વર્ષે મે-જૂન મહિનામાં ચીની સૈનિકોઓ ગાલવાન અને પેંગોંગ સરોવર પ્રદેશમાં ઘૂસણખોરી કરી હોવાના અહેવાલો આવ્યા પછી સરકારે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ચીની સૈન્ય મોટી સંખ્યામાં પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં પ્રવેશી ગયું હતું.
વાટાઘાટોના દોર વચ્ચે ઘૂસણખોરીની એક વધુ ઘટના
લદ્દાખમાં સર્જાયેલી સરહદી મડાગાંઠને મુદ્દે ભારત અને ચીન અત્યારસુધીમાં કોર કમાન્ડર કક્ષાની મંત્રણા ૮ વાર કરી ચૂક્યા છે. ૧૦ ડિસેમ્બરે બંને દેશોના વિદેશપ્રધાનો વચ્ચે પણ વાતચીત થઇ હતી. તે દરમિયાન ચીનની સરકારે એલએસી પર અનેક સૈન્ય અધિકારીઓને નવી નિમણૂક પણ આપી છે. ઝાંગ શુડોંગને પશ્ચિમ મોરચાનું સુકાન સોંપવામાં આવ્યું છે.