1,632 Total Views
રાજ્યમાં લોકડાઉન બાદ ચોરીની ઘટનાઓ વધવા પામી છે, ત્યારે અમદાવાદ માં એક બેન્ક ના લોકર માંથી દાગીનાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના નવરંગપુરા સીજી રોડ પર આવેલી IDBI બેંક ના લોકરમાંથી રૂ.16 લાખની મત્તાના દાગીનાની ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ઘટનામાં બેન્કનું લોકર તોડી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ચોરીની આ ઘટના અંગે મહિલાએ પોલીસે ફરિયાદ નોંધી છે. બોપલ માં રહેતી મહિલાએ પોતાની ફરિયાદમાં બેન્ક કર્મચારીએ લોકર તોડી ચોરી કર્યાનો આક્ષેપ કર્યો છે.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સોલાના સાયન્સ સીટી રોડ પર ફ્લોરેન્સ રેસિડન્સીમા રહેતા પ્રીતીબેન ઉપાધ્યાય (ઉં,40) બોપલ ખાતેની એલ.પી ઇન્ટ.પ્રો.પ્રા.લી. કંપનીમાં પીઆર મેનેજર તરીકે ફરજ બજાવે છે. પ્રીતીબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓએ 2008ની સાલમાં નવરંગપુરા સીજી રોડ પરની IDBI બેંકમાં 520 નંબરથી લોકર ખોલાવ્યું હતું.
જેનો કેબિનેટ નંબર એસ-12 અને ચાવી નંબર 538 હતો. ગત તા.13-2-2020ના રોજ પ્રીતીબેન તેઓની પ્રહલાદનગર કોમર્સ હાઉસ-4 ખાતે આવેલી મેટ્રીકા મોડ્યુલર સોલ્યુશનની ઓફિસે હાજર હતા. તે સમયે તેમના ફોન પર IDBI બેંકમાંથી કોઈ વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે બેંકમાં અઘટિત બન્યાનું જણાવ્યું હતું.
જોકે બેંકના લોકરમાંથી ગ્રાહકના રૂ.16 લાખની કિંમતના દાગીના ગાયબ થઈ ગયા બાદ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે. આ સમગ્ર મામલે બેંકના જ કર્મચારીની સંડોવણી હોવાની શંકા ફરિયાદમાં વ્યક્ત કરાઈ છે.