GUJARAT

કચ્છની કોર્ટે કરેલા તેમની ધરપકડના આદેશના અમલ હાઈકોર્ટે વચગાળાની મનાઈ ફરમાવી.

 1,405 Total Views

પત્રકાર પરંજોય ગુહા ઠાકુરતા સામે અદાણી ગૃપે વર્ષ ૨૦૧૭માં માનહાનિનો કેસ કરેલો છે, જેમાં કચ્છની કોર્ટે કરેલા તેમની ધરપકડના આદેશના અમલ હાઈકોર્ટે વચગાળાની મનાઈ ફરમાવી દીધી છે. આ અરજી પરની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. સુનાવણી દરમિયાન, અરજદારે હાઈકોર્ટને બાહેંધરી આપેલી છે કે, નવમી ફેબ્રુઆરીએ કચ્છ કોર્ટમાં થનારી સુનાવણીમાં હાજર રહેશે.

ક્ચ્છની કોર્ટે ગત સપ્તાહે દિલ્હીના નિજામુદ્દીન પોલીસ સ્ટેશનને આદેશ કર્યો હતો કે, ઠાકુરતાને આઈપીસીની ધારા ૫૦૦ હેઠળ આરોપી માનવામાં આવે છે અને તેથી પોલીસ તેની ધરપકડ કરે અને તેને કોર્ટમાં રજૂ કરે. ઠાકુરતાના વકીલે અરજદારને રુબરુ હાજર રહેવામાંથી મુક્તિ માગી હતી અને આગળની સુનાવણી સમયે તેઓ હાજર રહેશે, તેવી વિનંતી કરી હતી. જો કે, કચ્છ કોર્ટે તેને ફગાવી દીધી હતી.

કેસની વિગત જોઈએ તો, ઠાકુરતા જ્યારે ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલીના સંપાદક હતા, ત્યારે તેમણે અદાણી ગૃપ સામે એક લેખ લખ્યો હતો, જેમાં આરોપ મુકાયો હતો કે, સરકારે અદાણી ગૃપને રુ. ૫૦૦ કરોડનો લાભ પહોંચાડયો છે. વિવાદ બાદ, આ પત્રિકાએ આ લેખને હટાવી દીધો હતો.

જો કે, બાદમાં ‘ધ વાયર’ વેબ પોર્ટલ દ્વારા તે ફરીથી તેને પ્રકાશિત કર્યો હતો. આ પછી, અદાણી સમુહે લેખક અને વાયરના સંપાદક સામે કેસ કર્યા હતા. જો કે, બાદમાં અદાણી ગૃપે વાયરના સંપાદકો સામેનો કેસ પરત લીધો હતો. જો કે, પત્રકાર ઠાકુરતા સામેનો કેસ યથાવત રાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.