1,589 Total Views
બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રઝેનેકા દ્વારા વિકસાવવામાં આવેલી કોરોના રસી કોવિશિલ્ડના ઇમર્જન્સી ઉપયોગ માટે બ્રિટનની મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીએ મંજૂરી આપી દીધી છે. આમ એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીને પરવાનગી આપનારો બ્રિટન વિશ્વનો પહેલો દેશ બની ગયો છે. બ્રિટનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સરકારે ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીના ઉપયોગ માટે MHRA દ્વારા કરાયેલી ભલામણને સ્વીકારી લીધી છે. એસ્ટ્રાઝેનેકા કંપનીએ જણાવ્યું હતું કે, રસીના બે ડોઝ રિજાઇમ માટે મંજૂરી માગવામાં આવી હતી જેને ઇમર્જન્સી ઉપયોગ માટે અધિકૃત કરાઈ છે. બ્રિટને કોવિશિલ્ડના ૧૦૦ મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે. બ્રિટનમાં નવા વર્ષના પ્રારંભ સાથે જ એસ્ટ્રાઝેનેકાની રસી આપવાનું શરૂ કરી દેવાશે.
કોવિશિલ્ડને બ્રિટનમાં મળેલી મંજૂરી ભારત માટે અત્યંત મહત્ત્વની છે કારણ કે પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાએ ભારતમાં કોરોના રસીના ઉત્પાદન અને વિતરણ માટે એસ્ટ્રાઝેનેકા સાથે કરાર કરેલા છે. એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર બ્રિટનની મંજૂરીના પગલે ડ્રગ્સ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાની સબ્જેક્ટ એક્સ્પર્ટ કમિટીની બેઠક બુધવારે યોજાઈ હતી. કમિટીએ ઓક્સફર્ડની કોરોના વેક્સિનના ભારતમાં ઇમર્જન્સી ઉપયોગ માટે સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા મંગાયેલી મંજૂરીની અરજી પર વિચારણા કરી હતી. સૂત્રોના મતે બુધવારની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો નહોતો, હવે પહેલી જાન્યુઆરીની બેઠકમાં મંજૂરી મળે તેવી શક્યતાઓ છે. સબ્જેક્ટ એક્સ્પર્ટ કમિટીએ બેઠક બાદ તેની ભલામણ ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાને મંજૂરી માટે મોકલી હતી. ભારતમાં વેક્સિનની મંજૂરી સાથે સંકળાયેલા એક વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, કમિટી બ્રિટનમાં ઇમર્જન્સી ઉપયોગ માટે કોવિશિલ્ડને અપાયેલી મંજૂરીના આધાર પર ડેટાની સમીક્ષા કરશે.
કોવિશિલ્ડની જાણવા જેવી બાબતો
કિંમત ૩.૪૦ ડોલર હોવાથી અન્ય રસીઓ કરતાં સસ્તી પડશે
કોવિશિલ્ડને બે થી આઠ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાને સામાન્ય ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે જ્યારે ફાઇઝરની રસી માઇનસ ૭૦ અને મોડેર્નાની રસી માઇનસ ૨૦ ડિગ્રીએ સ્ટોર કરવી પડે છે
કોવિશિલ્ડ વાઇરસ વેક્ટર વેક્સિન છે જ્યારે ફાઇઝર અને મોડેર્નાની રસી આરએનએ ટેક્નોલોજી પર આધારિત છે
કોવિશિલ્ડના બે ફુલ ડોઝ ૬૨ ટકા અને દોઢ ડોઝમાં ૯૦ ટકા અસરકારક, બે ડોઝ વચ્ચે ૩ મહિનાના અંતરથી ૮૦ ટકા અસરકારતા
૩ કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને વિવિધ દેશોની મંજૂરી
ઓક્સફર્ડ – એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ વેક્સિનને બ્રિટનની મંજૂરી
ફાઇઝર અને બાયોએનટેકની કોરોના રસીને ૧૬ દેશોની મંજૂરી
મોડેર્ના કંપનીની કોરોના વેક્સિનને અમેરિકામાં મંજૂરી
૩ વેક્સિનની ભારતમાં ટ્રાયલ ચાલી રહી છે
એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડની ત્રીજા તબક્કાની ટ્રાયલ
ભારત બાયોટેકની કોવેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ
રશિયાની સ્પુતનિકની બીજી અને ત્રીજા તબક્કાની સંયુક્ત ટ્રાયલ ચાલી રહી છે
૬ વેક્સિન એવી જેને પૂરતી ટ્રાયલ પહેલાં જ મંજૂરી
સિનોવેક (ચીન)ની રસીને બે ટ્રાયલ બાદ મંજૂરી આપી દેવાઈ
સિનોફાર્મ (ચીન)ની વેક્સિન પણ પૂરતી ટ્રાયલ વિના મંજૂર કરાઈ
બેઇજિંગ ઇન્સ્ટિટયૂટ (ચીન)ની રસીને ચીન અને યુએઇમાં મંજૂરી
કેનસિનો (ચીન)ની રસીને ત્રીજી ટ્રાયલ પહેલાં જ મંજૂરી આપી દેવાઈ હતી
વેક્ટર ઇન્સ્ટિટયૂટ (રશિયા)ની વેક્સિનને ૧૦૦ જણ પર ટ્રાયલ બાદ મંજૂરી અપાઈ હતી
ગામેલિયા (રશિયા)ની સ્પુટનિકને ટ્રાયલ પૂરી કર્યા વિના જ મંજૂરી અપાઈ છે