GUJARAT

ગુજરાતમાં પ્રથમ કિસ્સો: રાજકોટમાં 10 વર્ષના સંજયે સર્જ્યો અજીબોગરીબ ચમત્કાર, ડોક્ટરો’યે આશ્ચર્યમાં…

 1,016 Total Views

જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે, તેવું આપણે ત્યાં કહેવાય છે અને ‘‘જેને રામ રાખે તેને કોણ ચાખે’’તેવી પણ ઉક્તિ છે, જે સાચી પડી છે કોરોના સામે વિજયી બનતા જામકંડોરણા તાલુકાના જામદાદર ગામના 10 વર્ષના બાળક સંજય કરસનભાઈ વાઘેલાના કિસ્સામાં… નાની ઉંમરમાં કોરોના સંક્રમણ થતા સંજયને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગત તા. 29 મેના રોજ દાખલ કરાયો હતો.

કોરોનાના લક્ષણો બાળકોમાં મોટે ભાગે સામાન્ય હોય છે, પરંતુ આ બાળકનો કિસ્સો સમગ્ર ગુજરાતમાં પ્રથમ હતો. બાળક દાખલ કરવામાં આવ્યું ત્યારે તેને વયસ્ક લોકોમાં જોવા મળતા ફેફસા, કિડની અને હાર્ટના પ્રોબ્લેમ જોવા મળ્યા. બંને ફેફસામાં ન્યુમોનીયાની અસર સાથે પાણી ભરાઈ ગયું, કેવિટી થઈ ગયેલી, લોહીમાં રસી થઈ ગયેલી, લોહીની ઉલ્ટીઓ થતી, હૃદયના ધબકારા અનિયમિત હોવા, ડાબા પડખામાં (થાપામાં) રસી થઈ ગયેલી, એક કિડની કામ કરતી બંધ થઈ ગયેલી જ્યારે બીજી કિડની પહેલેથી જ કામ કરતી નહોતી, ફેફસામાં લોહીની નળીમાં જામ જેવી અતિ ગંભીર પરિસ્થિતિમાં બાળક હતું, તેમ ચિલ્ડ્રન હોસ્પિટલના હેડ ડો. પંકજ બુચ જણાવે છે.

પંકજ બુચે આ કિસ્સામાં જણાવ્યું કે, અમારા માટે આ કેસ નવો હતો. હોઈ સ્ટેટ ટેલિમોનીટરીંગ એક્સપર્ટસના અભિપ્રાય સાથે આ બાળકની સારવાર શરુ કરાઈ હતી. બાળકને બાયપેપ પર 8 દિવસ તેમજ 18 દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવ્યો હતો. લોહી જામવાની પરિસ્થિતિમાંથી બહાર કાઢવા હિપેરીન ટ્રીટમેન્ટ, જરૂર મુજબ સ્ટીરોઈડ સહિતની સઘન સારવાર બાદ કોરોનાને મહાત કરી સંજય તા. 20 જૂનના રોજ મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર કન્ડિશનમાંથી હેમખેમ બહાર આવ્યો. હાલ બાળકને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં જરૂરી સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

કોવિડ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તેમના માટે વેન્ટિલેટર પણ અલગ હોય છે તેને અલગ રીતે ઓપરેટ કરવામાં આવે છે. આ બાળકને ફેફસામાં ઇન્ફેક્શન તેમજ કેવિટી હોઈ ખુબ જ ધ્યાનપૂર્વક તેને બાયપેપ તેમજ ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હોવાનું ડોકટરે જણાવ્યું હતું.

મજૂરી કામ કરતા અને સામાન્ય પરિવારમાંથી આવતા સંજયના માતા મધુબેન ગદગદિત સ્વરે જણાવે છે કે, ‘‘આ બધા ડોકટરો અમારા માટે ભગવાન જ છે.’’ તેઓએ ખુબ સારી સારવાર કરી. અમારા સારા નસીબ જોગે મારા દીકરાને ડોક્ટરોએ મહેનત કરી જીવ બચાવ્યો છે.’’ જો કે તેમના બાળકને મલ્ટી ઓર્ગન ફેલ્યોર હોવાનું અને અતિ ગંભીર હોવાની કલ્પના પણ નહોતી. આજે સંજય જાતે જ જમી લે છે, અને સારી રીતે તમામ ક્રિયાઓ કરી લે છે. આવનારા દિવસોમાં પહેલા જેવો જ સ્વસ્થ બની જશે તેમ જણાવતા તેઓ ડોક્ટરની ટીમને તમામ શ્રેય આપે છે.

રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ હાલના કોરોના મહામારીના સમયમાં સંક્રમિત દર્દીઓનો ઉપચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. રાજકોટની કોવિડ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 300થી વધુ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે અને તજજ્ઞ ડોક્ટર્સ સાથે વ્યવસાયિક ક્રિટિકલ કેર નિષ્ણાંત ડોક્ટર્સની સેવા કોરોનાના દર્દીઓને મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published.