GUJARAT

વલ્લભવિદ્યાનગરમાં નગરપાલિકાના ઉપપ્રમુખની 22 મીએ ચૂંટણી યોજાશે

 691 Total Views

– અનેક દાવેદારોએ ગુપ્ત રાહે લોબીંગ શરૂ કરી દીધું

– જિલ્લા સંગઠન દ્વારા મેન્ડેડ ફાળવીને નગરસેવકોને વ્હીપ આપી પ્રક્રિયા આટોપવાનો તખ્તો ઘડાયો

વલ્લભવિદ્યાનગર : વલ્લભવિદ્યાનગર નગરપાલિકાના વર્તમાન ઉપપ્રમુખ વિદેશ જવાના હોવાથી પોતાના હોદ્દા ઉપરથી રાજીનામુ ધરી દેતા તેઓની ખાલી પડેલી જગ્યા માટે ૨૨મી નવેમ્બરના રોજ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં બપોરે ૧.૦૦ કલાકે નગરપાલિકા સભાખંડમાં ચુંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જોકે અનેક દાવેદારોએ ગુપ્ત રાહે લોબિંગ શરૂ કરી પદ મેળવવા હવાતિયા શરૂ કર્યા છે.
છેલ્લા ૨૫ વર્ષથી સત્તારૂઢ મહેન્દ્રભાઇ પટેલે રાજીનામુ ધરી દેતા પડેલી ખાલી જગ્યા માટે અનેક કાઉન્સીલરોએ રીતસર લોબિંગ શરૂ કરી હોડ લગાવી છે.

મહિલા નગરસેવિકાઓએ પણ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે બીજી તરફ સિનીયર મોસ્ટ નગરસેવકોએ પણ પોતે લાયકાત ધરાવતા હોવાનુ કારણ આગળ ધરીને સત્તારૂઢ થવા માટે મરણિયા પ્રયાસો શરૂ કર્યા છે.

૨૨મી નવેમ્બરના રોજ યોજાનાર ઉપપ્રમુખની ચુંટણીમાં ગરબડી ન સર્જાય તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તમામ સભ્યોને વ્હીપ આપીને ચુંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામા આવનાર હોવાનુ જાણવા મળ્યુ છે.

પ્રદેશ કક્ષાએથી મેન્ડેડ ફાળવીને યુવા અને સક્ષમ નગરસેવક ઉપર પસંદગીનો કળશ ઢોળાશે. જોકે પાલિકામાં ચાવીરૂપ અને મહત્વના હોદ્દા માટેના ચુંટણીજંગને લઇને રાજકીય મોરચે અત્યારથી જ સોગઠાબાજી અને વ્યુહરચનાની કવાયત શરૂ થઇ છે.

Leave a Reply

Your email address will not be published.