India

કોંગ્રેસ પાર્ટીને એક પછી એક ચૂંટણીમાં મળતી હારથી પાર્ટીમાં ભયંકર અસંતોષનું વાતાવરણ ફેલાયેલું છે.

 1,606 Total Views

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસમાં અત્યારે અસ્તિત્વના બચાવ માટેનો સંઘર્ષ ચાલી રહ્યો છે. છેલ્લાં દોઢ વર્ષથી કોંગ્રેસ પાસે પાર્ટી પ્રમુખ નથી. અત્યારે કામચલાઉ પ્રમુખથી પાર્ટીની કામગીરી ચાલી રહી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી અને દેશના અન્ય રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર બાદ ફરી એકવાર કોંગ્રેસની અંદરથી જ કોંગ્રેસના નેતાઓ અને સંગઠનના મુદ્દે અવાજ ઊઠયો છે. કોંગ્રેસ પાર્ટીને એક પછી એક ચૂંટણીમાં મળતી હારથી પાર્ટીમાં ભયંકર અસંતોષનું વાતાવરણ ફેલાયેલું છે. પંચાયતની ચૂંટણીથી શરૂ કરીને રાજ્ય વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય કોંગ્રેસનો દેખાવ હવે પ્રાદેશિક પક્ષો કરતાં પણ નબળો રહે છે. હકીકત એ છે કે અત્યારે કોંગ્રેસ પાર્ટી પ્રાદેશિક પક્ષોના સહારે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા જદ્દોજહદ કરી રહી છે. યુપી હોય કે બિહાર, મહારાષ્ટ્ર હોય કે આંધ્રપ્રદેશ, બંગાળ હોય કે કર્ણાટક આ તમામ રાજ્યોમાં કોંગ્રેસે પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરવું પડયું છે અને આ ગઠબંધનમાં પણ કોંગ્રેસે પ્રાદેશિક પક્ષોની શરતોને તાબે થવું પડયું છે. આજે કોંગ્રેસની હાલત એ છે કે પ્રાદેશિક પક્ષોની આંગળી પકડીને કોંગ્રેસને ચાલવું પડે છે. ટૂંકમાં કોંગ્રેસના ઇતિહાસમાં અત્યારનો સમય સૌથી ખરાબ ચાલી રહ્યો છે.

કોંગ્રેસની આ બગડતી જતી બાજીથી કંટાળી જઇને ૨૩ કોંગ્રેસી નેતાઓએ ઓગસ્ટ ૨૦૨૦ માં કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો જેમાં કોંગ્રેસના સંગઠનની વહેલી તકે ચૂંટણી કરીને નવા અધ્યક્ષની ચૂંટણી દ્વારા પસંદગી કરવાની વાત મુખ્યત્વે કરાઇ હતી. કોંગ્રેસ અધ્યક્ષને લખાયેલો પત્ર લેટરબોંબ તરીકે મીડિયામાં ગાજ્યો હતો. પત્ર લખનાર કોંગ્રેસી નેતાઓ ગુલામનબી આઝાદ, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનિષ તિવારી, શશી થરૂર સહિત ૨૩ જેટલા નેતાઓને કોંગ્રેસના ગદ્દાર તરીકે પણ ચિતર્યાં હતાં. પરંતુ આ નેતાઓએ કોંગ્રેસ છોડી નથી. પત્ર લખનાર નેતાઓ કોંગ્રેસને કેવી રીતે બેઠી થઇ શકે તે માટે અભિપ્રાયો આપ્યાં હતાં અને કોંગ્રેસને મજબૂત કરવાના સૂચનો કર્યા હતાં. પત્ર લખનાર નેતાઓ સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીના એક જમાનાના વફાદાર હતાં. પત્ર લખનારને કોંગ્રેસના જ કેટલાક નેતાઓએ રાહુલ ગાંધીના વિરોધી તરીકે ચિતરી નાખ્યાં હતાં.

જો કે હવે મોડે મોડે પણ કોંગ્રેસની નેતાગીરી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પોતાની ભુલ સમજાઇ છે અને પત્ર લખનાર આ ૨૩ નેતાઓ સાથે વાત કરવા તૈયાર થયાં હતાં. શનિવારે સોનિયા ગાંધીના સત્તાવાર નિવાસસ્થાન ૧૦, જનપથ ખાતે પત્ર લખનાર ૨૩ માંથી ૨૦ નેતાઓ સાથે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મિટિંગ કરી હતી. આ મિટિંગમાં સોનિયા ગાંધી સહિત પાર્ટીના અગ્રણી નેતાઓ એ.કે. એન્ટોની, અંબિકા સોની, અશોક ગેહલોત, પી. ચિદમ્બરમ, કમલનાથ અને હરીશ રાવતે પત્ર લખનાર નેતાઓ ગુલામનબી આઝાદ, આનંદ શર્મા, મનિષ તિવારી, શશી થરૂર સહિતના નેતાઓ ઉપસ્થિત હતાં. પાંચ કલાક સુધી ચાલેલી આ મિટિંગમાં કહેવાય છે કે બંને ગ્રૂપ વચ્ચે સમાધાનની શક્યતાઓ વધી છે. જો કે પત્ર લખનાર નેતાઓએ હજુ સુધી આ મિટિંગ અંગે કોઇવાર સત્તાવાર નિવેદન આપ્યું નથી.

પત્ર લખનાર બાગી નેતાઓ સોનિયા ગાંધી સાથે મિટિંગ કરે તે પહેલાં જ કોંગ્રેસની જે સ્ટાઇલ છે તે પ્રમાણે કોંગ્રેસના પ્રવક્તા રણદિપ સુરજેવાલાએ જાહેર કર્યું હતું કે, કોંગ્રેસના ૯૯.૯૯ ટકા નેતાઓ અને કાર્યકરોની ભાવના છે કે રાહુલ ગાંધી ફરી એકવાર પાર્ટીનું નેતૃત્વ સંભાળે. સુરજેવાલાના આ નિવેદન પરથી કોંગ્રેસની ગાંધી નેતાગીરી શું વિચારી રહી છે તેનો ખ્યાલ આવી ગયો છે. કોંગ્રેસના નેતૃત્વ અંગે પત્ર લખનાર ૨૩ નેતાઓ સાથેની પાંચ કલાકની સોનિયા ગાંધીની મિટિંગ અગાઉ જ નેતાગીરીનું વલણ શું છે તે જાહેર કરી દેવાતા આ મિટિંગનો કોઇ અર્થ નહીં રહે તે સ્વાભાવિક છે.

કોંગ્રેસના નેતૃત્વ અંગે અવાજ ઊઠાવનાર નેતાઓની માગ એ જ હતી કે કોંગ્રેસમાં આંતરિક ચૂંટણી યોજાવી જોઇએ. ચૂંટણીમાં જીતે તે લોકોને સંગઠનમાં સ્થાન મળવું જોઇએ. તે પછી ઝ્રઉઝ્ર (કોંગ્રેસ ર્વિંકગ કમિટી)ના સભ્ય હોય કે પછી પાર્ટીના પ્રમુખ હોય, ચૂંટણી વિના નિમણૂકો થઇ રહી છે તેના કારણે આજે કોંગ્રેસની આ દશા છે. પત્ર લખનાર ૨૩ નેતાઓમાંથી મુખ્ય ચહેરો ગુલામનબી આઝાદ જેઓ રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા પણ છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, કોંગ્રેસનો જમીન સ્તરનું જોડાણ ખતમ થઇ ગયું છે. અમે કોંગ્રેસના જૂના વફાદારો ઉપરાછાપરી પરાજયથી ચિંતિત છીએ. ખાસ કરીને બિહાર અને પેટાચૂંટણીઓમાં કોંગ્રેસના ખરાબ દેખાવ માટે કોણ જવાબદાર છે તેની ચર્ચા થવી જોઇએ. આઝાદે કહ્યું હતું કે, ચૂંટણીઓ ફાઇવ સ્ટાર કલ્ચરથી જ જીતી નથી શકાતી. આજકાલના નેતાઓની તકલીફ એ છે કે ટિકિટ મળે પછી તરત ફાઇવ સ્ટાર હોટલ બુક કરાવે છે અને ત્યાંથી કારોબાર કરે છે. જો વિસ્તારના રોડ ખરાબ હોય તો તેઓ તે વિસ્તારમાં જતાં નથી. કોંગ્રેસના અસંતુષ્ટ નેતા કપિલ સિબ્બલે પણ કહ્યું હતું કે, જ્યારથી રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે તેમને પાર્ટી પ્રમુખ બનવામાં કોઇ રસ નથી ત્યારથી કોંગ્રેસ પાસે છેલ્લાં દોઢ વર્ષથી કોઇ પ્રમુખ નથી. સિબ્બલનું કહેવું હતું કે, કોઇ એક પાર્ટી નેતા વગર કેવી રીતે દોઢ વર્ષથી કામ કરી રહી છે ? કોંગ્રેસના કાર્યકરોને એ ખબર નથી કે ક્યાં જવાનું છે ? બિહારના પરિણામો પછી કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે પણ પાર્ટીનાં નબળા સંગઠનની ટીકા કરી હતી.

હવે જ્યારે સોનિયા ગાંધીએ પત્ર લખનાર નેતાઓ સાથે મુલાકાત કરી છે ત્યારે ટુંક સમયમાં કોંગ્રેસના નવા અધ્યક્ષની જાહેરાત થઇ શકે છે. હકીકતમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પ્રયત્નોથી અસંતુષ્ટ નેતાઓ સાથે સોનિયા ગાંધીની આ મુલાકાત શક્ય બની હતી. એક રીતે જોવા જઇએ તો અસંતુષ્ટો સાથેની આ મિટિંગ એ સોનિયા ગાંધીનું પેચવર્ક હતું. આગામી દિવસોમાં રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસની કમાન સોંપવા માટેનો આ પ્રયાસ હતો. કોંગ્રેસ માટે તો એ નિર્વિવાદ વાત છે કે ગાંધી પરિવાર સિવાય કોંગ્રેસના નેતૃત્વની કોઇ કલ્પના કરતું નથી. જ્યાં સુધી કોંગ્રેસમાં આ મત રહેશે ત્યાં સુધી કોંગ્રેસમાં સારા દિવસોની આશા ખુદ કાર્યકરો પણ રાખતા નથી.

Leave a Reply

Your email address will not be published.