762 Total Views
મહામારીકી માર, નિકમ્મી સરકાર : સરકારની સાતમી વર્ષગાંઠે કોંગ્રેસનો ‘ઉપહાર’
મોંઘવારી, વધેલી બેરોજગારી, કોરોના-નિયંત્રણમાં નિષ્ફળ : સુરજેવાલા
નવી દિલ્હી : દેશ 73 વર્ષોમાં પ્રથમ વાર આર્થિક મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. અર્થવ્યવસ્થા, ગર્તવ્યવસ્થા બની રહી છે. તેલ સહિતના ખાદ્ય પદાર્થોના ભાવ આકાશને સ્પર્શી રહ્યા છે. કેટલાય રાજ્યોમાં લીટર પેટ્રોલનો ભાવ 100 રૂપિયા થયો છે.
કોરોનાકાળમાં દેશમાં ઓક્સિજન તથા ઇન્જેકશનનો સ્ટોક કરી રાખવાના બદલે એની નિકાસ કરાતા, જ્યારે જરૂર ઊભી થઇ ત્યારે શૂન્ય સ્ટોકના લીધે અનેક નિર્દોષ દેશવાસીઓના મોત થયા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે, આ દેશને મન કી બાતની નહીં પણ કોરોના સામે લડવા યોગ્ય દિશા અને નક્કર નીતિની જરૂર છે.
કોંગ્રેસે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સત્તામાં સાત વર્ષ પૂરા કરતા એના શાસનમાં દેશમાં ઊભી થયેલી હાલાકીઓનો ચિતાર આપતા ઉમેર્યું છે કે મોદી સરકાર દેશ માટે હાનિકારક છે અને આ સાત વર્ષ, આપરાધિક ભૂલ છે.
કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલેએ આમ જણાવીને ઉમેર્યું કે મોદી સરકાર 2014માં સત્તા પર આવી ત્યારે એને વારસામાં કોંગ્રેસી શાસનની દેણગી સમાન સરેરાશ 8.1 ટકાનો જીડીપી વૃધ્ધિ-દર મળ્યો હતો. 2019-20માં આ દર ઘટીને 4.2 ટકા થઇ ગયો. 2020-’21ના દ્વિતીય ત્રિમાસિક-ગાળામાં એ માઇનસ 7.5 ટકા થયો છે.
2020-’21માં બાંગ્લાદેશની વ્યક્તિગત આવક 2227 અમેરિકી ડોલર રહી, જ્યારે ભારતની વ્યક્તિગત આવક 1947 અમેરિકી ડોલર રહી. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિસર્ચમાં જણાયું છે કે દેશમાં બેન્ક ક્રેડિટ ગ્રોથ છેલ્લા 59 વર્ષોમાં સૌથી તળિયે જઇ પહોંચ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમિના તાજા આંકડા મુજબ દેશમાં બેરોજગારીનો દર બે આંકડે પહોંચીને 11.3 ટકા થઇ ગયો છે, એમ સૂરજેવાલેએ ઉમેર્યું.
એમણે કહ્યું કે દેશમાં કોરોનાકાળમાં જ 12.20 કરોડ લોકો રોજી ગુમાવી ચૂક્યા છે. દેશમાં કમરતોડ મોંઘવારી છે. મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર બિનજરૂરી ટેક્સ લગાવીને સાત વર્ષમાં લોકોના ખિસ્સામાંથી 22 લાખ કરોડ રૂપિયા લૂંટી લીધા છે. રાંધણગેસનો ભાવ વધીને 809 રૂપિયા થઇ ગયો છે. ચણા, અડદ સહિતની બધી દાળના ભાવ બેહદ વધી ગયા છે.
કોંગ્રેસી નેતાએ દેશમાં એક જ રસીના પાંચ અલગ-અલગ ભાવ હોવાના મુદ્દે કેન્દ્ર સરકાર પર નફાખોરીનો આક્ષેપ કર્યો છે. સરકાર ચીને ભારતીય સરહદમાં કરેલા દબાણને દૂર કરી શકી નથી. સરકારે પૈંગોંગ ત્સો સરોવર વિસ્તારમાં કૈલાશ રેન્જમાં મહત્ત્વપૂર્ણ પહાડોના શિખરે ભારતીય લશ્કરનો કબજો હટાવવાનો એકતરફી નિર્ણય કર્યો, એમ કોંગ્રેસી પ્રવકતાએ કહ્યું.