GUJARAT

અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલની આજે ૧૪૫મી જન્મજયંતી દેશ મનાવી રહ્યો છે.

 1,191 Total Views

દેશની એ કરૂણતા છે કે દેશની આઝાદી માટે લડનારા હોય કે દેશ માટે બલિદાન આપનાર સપૂત હોય કે દેશને કાજે સર્વોત્તમ કાર્ય કરનાર હોય તે વીરલાઓની અવગણના થઈ છે. દેશના આ હીરોઝને ભાવિ પેઢી યાદ રાખી શકે તે માટે આઝાદી મળ્યા પછીની સરકારે જે પ્રયત્નો, કામગીરી કરવી જોઈએ તે કરી નથી.

દેશને આઝાદી મળ્યા પછી પરિસ્થિતિ એ સર્જાઈ કે જે કોંગ્રેસ સાથે હતું તે લોકોને જ દેશના ઈતિહાસમાં પ્રાધાન્ય મળ્યું. નવાઈની વાત તો એ હતી કે કોંગ્રેસમાં પણ જે લોકો નહેરુ પરિવારને વફાદાર હતા તેમને જ સ્થાન મળ્યું. જે સપૂતો નહેરૂથી અલગ વિચારધારાના હતાં તેઓનો કોઈક રીતે ઈતિહાસમાંથી એકડો કાઢવાના પ્રયત્નો સુધ્ધા થયાં.

આ કોઈ મનઘડંત વાત નથી. દેશના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ સાથે આવો જ અન્યાય થયો છે. જે સરદાર પટેલે દેશની આઝાદી માટે તનતોડ મહેનત કરી અને આઝાદી પછી દેશના ૫૬૦ રજવાડાને એક તાતંણે બાંધીને અખંડ ભારતની સંરચના કરી. તે સરદાર પટેલનું એક સ્મારક દેશની રાજધાની દિલ્હીમાં નથી. તે વાત કેટલી વિચિત્ર લાગે છે ?

અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલની આજે ૧૪૫મી જન્મજયંતી દેશ મનાવી રહ્યો છે. ૩૧ ઓક્ટોબર-૧૮૭૫ના રોજ નડિયાદ ખાતે જન્મેલા વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલના જીવન પર નજર નાખીએ તો ખબર પડે કે એક નાનકડા ગામમાં જન્મેલ ખેડૂતનો દીકરો આવડત, ધગશ, કર્તવ્યનિષ્ઠા, ઈમાનદારી, કાર્યપ્રત્યેની વફાદારી અને છલોછલ દેશપ્રેમથી એવી ઊંચાઈએ પહોંચે છે કે દેશના દરેક નાગરિક માટે આજે તેમનું જીવન પ્રેરણારૂપ બન્યું છે.

૨૧ વર્ષની ઉંમરે સરદાર પટેલે ૧૦મું પાસ કર્યુ હતું. અને તેમનું સપનું હતું ઈંગ્લેન્ડ જઈને બેરિસ્ટર બનવાનું. તેમની આ વાત પર કેટલાક લોકો હસતા પરંતુ, સરદાર પટેલે પોતાનું સ્વપ્ન પુરુ કર્યું. ઈંગ્લેન્ડ જઈને ૩૬ મહિનાનો વકીલાતનો અભ્યાસ ૩૦ મહિનામાં પુરો કરીને ગોધરામાં આવીને વકીલાતનો વ્યવસાય કર્યો અને ત્યારબાદ અમદાવાદમાં જઈને પ્રખ્યાત વકીલ બન્યાં. શરૂઆતમાં સરદાર ગાંધી વિચારધારાની ટીકા કરતા પરંતુ, પાછળથી તેઓ ગાંધીજીના પટશિષ્ય બની ગયા અને તેમણે જીવનમાં ગાંધી આજ્ઞાને અંતિમ માની આખું જીવન પસાર કર્યું. હદ તો ત્યાં થઈ કે સરદાર પટેલના જીવનમાં દેશના પ્રથમ વડાપ્રધાન બનવાની તક પણ આવી પરંતુ, ગાંધીજીના એક આદેશને માથે ચઢાવી એ તક પણ તેમણે શાંતિથી ઠુકરાવી દીધી.

વાત એવી હતી કે ૧૯૪૬માં એ વાત નક્કી હતી કે જે વ્યક્તિ કોંગ્રેસના પ્રેસિડેન્ટ બનશે તેને બ્રિટિશ સરકાર ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે આમંત્રણ આપશે. કોંગ્રેસ પાર્ટીએ તેના ૧૫ પ્રદેશ કમિટીના પ્રમુખોને કોંગ્રેસ પ્રમુખનું નામ આપવા સૂચન કર્યું. ૧૫ પ્રદેશ પ્રમુખોમાંથી ૧૨ પ્રદેશ કમિટીએ સરદારનું નામ સૂચવ્યુ હતું. એ હવે નિશ્ચિત થઈ ગયું હતું કે દેશને આઝાદી મળવાના સમયે કોંગ્રેસ પ્રમુખ સરદાર પટેલ બનવાના છે.

પરંતુ નહેરુના દબાણમાં મહાત્મા ગાંધીજીએ સરદાર પટેલને પોતાનું નામ પાછું ખેંચવા આદેશ કર્યો અને સરદાર પટેલે ચુપચાપ એ આદેશને શિરોમાન્ય ગણ્યો. સરદાર પટેલનું આ બલિદાન દેશની એકતા માટે સર્વોચ્ય બલિદાન હતું. સરદાર પટેલની કાર્યપધ્ધતિને કારણે આજે દેશ એક અખંડ ભારત તરીકે ઊભો છે.

૫૬૦ રજવાડાને ભારતમાં જોડવાનું અમોઘ કાર્ય સરદાર પટેલ વિના શક્ય ન હતું. જૂનાગઢ અને હૈદરાબાદના સત્તાધીશો પાકિસ્તાનમાં ભળવા માગતા હતા. સરદારે સામ, દામ અને દંડથી આ બંને રાજ્યોને ભારતમાં વિલીન કર્યા. એકમાત્ર કાશ્મીરનો હવાલો પંડિત નહેરુએ લીધી હતી. જે કાશ્મીર આઝાદીના ૭૩ વર્ષ પછી પણ હજુ દેશ માટે સરદર્દ બની રહ્યું છે.

સરદાર પટેલનું વ્યક્તિત્વ એટલું વિરાટ છે કે તેમને કોઈ ઓળખ કે માન સન્માનની જરૂર નથી. તેમની કામગીરીને કારણે આજે દેશ ગૌરવભેર દુનિયા સામે ઊભો છે. પરંતુ, સરદાર પટેલ માટે આપણી સરકારો કેટલી નગુણી રહી તેની વાત કરતા આજે માથું શરમથી ઝૂકી જાય છે. સરદાર પટેલના નામે ૨૦૧૮ સેુધી દેશમાં કોઈ સ્મારક કે મેમોરિયલ કે સમાધિ આપણી સરકારો ઊભી ના કરી શકી. શું સરદારને દેશની ભાવિ પ્રજા ઓળખે, તેમને આદરાંજલિ આપે તેટલો હક્ક પણ તેઓ ધરાવતા ન હતાં ? દેશની રાજધાની દિલ્હીમાં સંખ્યાબંધ નેતાઓની સમાધિ છે શું આ સમાધિ માટે સરદાર પટેલની પ્રતિભા યોગ્ય ન હતી?

રાજધાની દિલ્હીમાં યમુના કિનારે મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ રાજઘાટની પાસે ૨૪૦ એકર જમીનમાં સમાધિ સ્થળ ફેલાયેલું છે. અત્યાર સુધી આ સમાધિ સ્થળ પર ૧૫ નેતાઓની સમાધિઓ છે. જેમાં પંડિત નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, ડો.શંકરદયાલ શર્મા, જ્ઞાની ઝૈલ સિંહ, કે. આર.નારાયણ, આર.વૈકટરામન, ચંદ્રશેખર, લાલબહાદુર શાસ્ત્રી, સંજય ગાંધી, ચૌધરી ચરણસિંહ, દેવીલાલ, જગજીવનરામની સમાધિઓ છે પરંતુ દુઃખની વાત એ છે કે દિલ્હીમાં આ સમાધિ સ્થાન પર દેશના સપૂત, દેશના પ્રથમ ડે.પ્રાઈમ મિનિસ્ટર અને ગૃહમંત્રી એવા સરદાર પટેલની સમાધિને સ્થાન મળ્યું નથી.

સરદાર પટેલની જ્યારે તબિયત બગડી ત્યારે તેઓ દિલ્હી છોડીને મુંબઈ આવી ગયા હતાં. મુંબઈમાં 15 ડિસેમ્બર-1950 માં તેમનું અવસાન થયું. સરદાર પટેલના અવસાન સાથે જ તેમની યાદો, તેમની સ્મતિઓને ભૂસવાનું જાણે રીતસર ષડયંત્ર શરૂ થયું. હદ તો એ થઈ કે પંડિત નહેરુને 1995માં નહેરુની સરકારે જ ભારત રત્નો એવોર્ડ આપ્યો જ્યારે સરદાર પટેલને આ ભારત રત્નનો એવોર્ડ છેક 1991માં ચંદ્રશેખરની સરકારે આપ્યો હતો. આઝાદી પછી નહેરુ, ગાંધી પરિવારના નામે દેશના દરેક શહેરોમાં રાજમાર્ગો અને સરકારી યોજનાઓમાં નામ અપાયા. પરંતુ સરદારનું નામ કોઈને યાદ ના આવ્યું.

સરદારની સાથે દેશે કરેલા અન્યાયનો બદલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થાપીને વ્યાજ સાથે ચુકવ્યો તે સરદાર પટેલને એક સાચા હદયની શ્રધ્ધાંજલિ છે. દુનિયાનું સૌથી ઉંચી પ્રતિમા સરદાર સરોવર પાસે સ્થાપીને વડાપ્રધાન મોદી અને ગુજરાત સરકારે દુનિયાને એક મેસેજ આપ્યો કે દેશના સપૂતોને ભૂલાવાના ષડયંત્રો ક્યારેય સફળ થયા નથી. આજે ગુજરાતની ધરતી પર ઉભેલી વિરાટ સરદારની પ્રતિમા દુનિયાને એકતાનો સંદેશ આપે છે.

Leave a Reply

Your email address will not be published.