India

ફ્રાન્સની સાથે રાફેલ સોદામાં ઓફસેટ પૉલિસી પૂરી ના થવા પર કંટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) એ પોતાના રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો…

 903 Total Views

ફ્રાન્સની સાથે રાફેલ સોદામાં ઓફસેટ પૉલિસી પૂરી ના થવા પર કંટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) એ પોતાના રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો. આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે સરકારે નવી ડિફેન્સ એક્વિઝિશન પ્રોસેસ (ડીએપી)-2020માં ઓફસેટ નીતિમાં ફેરફાર કર્યો છે. હવે સરકારથી સરકાર, આંતર-સરકાર અને એકલ વિક્રેતાની સંરક્ષણ ખરીદીમાં ઓફસેટ પૉલિસી લાગૂ થશે નહીં.

વિશેષ સચિવ અને ડાયરેક્ટર જનરલ (એક્વિઝિશન) અપૂર્વા ચંદ્રા એ સોમવારે કહ્યું કે અમે ઓફસેટ માર્ગદર્શિકામાં ફેરફાર કર્યા છે. હવેથી સરકારથી સરકાર, આંતર-સરકારી અને એકલ વિક્રેતા સંરક્ષણમાં કોઈ ઓસેટ નીતિ રહેશે નહીં. રિપોર્ટ અનુસાર રક્ષા મંત્રાલયે ઓફસેટ પૉલિસી દ્વારા વિદેશી ઉત્પાદકો પાસેથી ટેકનોલોજી મેળવવામાં નિષ્ફળતા બાદ સંરક્ષણ મંત્રાલયે નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીની ઓફસેટ પૉલિસી અનુસાર ફ્રાન્સથી 36 રાફેલ જેટ ખરીદવાના કિસ્સામાં ઉત્પાદકો ડસોલ્ટ એવિએશન અને એમબીડીએને ભારતીય સંરક્ષણ ક્ષેત્રે કરારની રકમના 3૦ ટકા રોકાણ કરવાનું ફરજિયાત કર્યું હતું. રાફેલ સોદામાં 36 ફાઇટર જેટ 59 59,૦૦૦ કરોડમાં ખરીદ્યા હતા, જ્યારે ઓફસેટ કલોઝ 50 ટકા હતો.

હકીકતમાં કેગે સંસદમાં ડિફેન્સ ઓફસેટ પૉલિસી પર પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. આ મુજબ ડસોલ્ટ એવિએશનમાંથી 59000 કરોડ રૂપિયામાં 36 રફાલ વિમાનોની ડીલ કરતાં સમયે ઓફસેટ કોન્ટ્રાકટમાં ડીઆરડીઓને કાવેરી એન્જિનની તકનીક આપીને 30 ટકા ઓફસેટ પૂરું કરવાની વાત નક્કી કરી હતી, પરંતુ હજુસુધી આ વચન પૂરું કરવામાં આવ્યું નથી.

ભારતની ઓફસેટ નીતિ મુજબ વિદેશી કંપનીઓને કરારના 30 ટકા ભાગ ભારતમાં રિસર્ચ કે ઉપકરણો પર ખર્ચ કરવાના હોય છે. જૂની સંરક્ષણ સંપાદન પ્રક્રિયામાં રક્ષામંત્રાલયે આ ઓફસેટ નીતિ વિદેશી કંપનીઓ પાસેથી 300 કરોડ રૂપિયાથી વધુના રક્ષા સોદા માટે બનાવ્યા હતા, જેને ડીએપી-2020મા બદલી દેવામાં આવ્યા છે.

કેગે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે રાફેલ સોદા સિવાય 2015થી લઇ અત્યાર સુધીમાં કેટલાંય કેસોમાં ઓફસેટ નીતિનું પાલન કરવામાં આવ્યું નથી. જો ઓફસેટનો કરાર પૂરો ના થવા પર પૉલિસીમાં ઓવો કોઈ જ નિયમ નથી, જેનાથી વિદેશી કંપની પર કોઈ દંડ લગાવામાં આવે.

​2005 થી 2018 સુધીમાં વિદેશી કંપનીઓ પાસેથી 66 હજાર કરોડ રૂપિયાના કુલ 46 ઓફસેટ્સ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ 90% કેસોમાં કંપનીઓએ ઓફસેટના બદલામાં ફક્ત માલ જ ખરીદ્યો છે, કોઈ પણ કેસમાં ટેકનોલોજી ટ્રાન્સફર કરી નથી. આ નિષ્ફળતાને જોતા સરકારે ઓફસેટ પોલિસીને જ બદલી નાંખી.

ભારતે ડસૉલ્ટ એવિએશનથી સરકાર થી સરકાર કરારના માધ્યમથી 36 રાફેલ લડાકુ વિમાન ખરીદ્યા છે. થોડાંક દિવસ પહેલાં ભારત આવેલા પાંચ રાફેલ જેટ્સને ભારતીય વાયુ સેના (IAF)માં સામેલ પણ કરી લીધા છે.

કેગનો રિપોર્ટ સંસદમાં રજૂ કર્યા બાદ રાફેલને લઇ શું કહ્યું હતું?

કેગના રિપોર્ટ સંસદમાં રજૂ કર્યા પછી જારી કરેલા નિવેદનમાં કેગે જણાવ્યું હતું કે, મેઇન સપ્લાય કોન્ટ્રાક્ટ માટે વિદેશી કંપનીઓ વિવિધ પ્રકારની ઓફર આપે છે ખરી પરંતુ તે પુરી કરવામાં ઠાગાઠૈયા કરતી જોવા મળે છે. કેગે જણાવ્યું હતું કે, 36 રાફેલ વિમાન ખરીદવાના કરારમાં થયેલા ઓફસેટ કોન્ટ્રાક્ટમાં દસોલ્ટ એવિએશન અને એમબીડીએ કંપનીઓએ સપ્ટેમ્બર 2015માં વચન આપ્યું હતું કે, તે ઓફસેટ કોન્ટ્રાક્ટની 30 ટકા શરતો ડીઆરડીઓને હાઇ ટેકનોલોજી આપીને પૂરી કરી દેશે. પરંતુ પાંચ વર્ષ પછી પણ દસોલ્ટ દ્વારા આ શરત પૂરી કરવામાં આવી નથી. કેગના અહેવાલથી રાફેલ સોદામાં ટેકનોલોજી ટ્રાન્સફર અંગેના કેન્દ્ર સરકારના દાવા પર મોટો સવાલ ઊભો થયો છે.

Leave a Reply

Your email address will not be published.