633 Total Views
। બેઇજિંગ ।
ભારત સાથે શાંતિ અને મિત્રતાના ડોળ કરી રહેલા ચીને ફરી એકવાર તેનો અસલ ચહેરો છતો કરી દીધો છે. તાજેતરમાં અરુણાચલપ્રદેશમાં એલએસી નજીક આવેલા ગામમાંથી પાંચ ભારતીય યુવાનોના અપહરણના મામલે ભારતીય સેનાએ ચીની સેનાનો હોટલાઇન પર સંપર્ક સાધ્યા બાદ સોમવારે ચીની વિદેશમંત્રાલયે ભારત સાથેની દુશ્મનાવટ છતી કરતાં જણાવ્યું હતું કે, ચીને ક્યારેય કથિત અરુણાચલપ્રદેશને માન્યતા આપી જ નથી. ચીની વિદેશમંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને સોમવારે લાપતા બનેલા પાંચ ભારતીયો મામલે પુછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ચીને ક્યારેય આ કહેવાતા અરુણાચલપ્રદેશને માન્યતા આપી જ નથી. તે ચીનના દક્ષિણ તિબેટનો હિસ્સો છે. આ વિસ્તારમાંથી પાંચ ભારતીય લાપતા બન્યા હોવાનો ભારતીય સેનાનો એક સંદેશ ચીની સેના પાસે પહોંચ્યો છે પરંતુ અમારી પાસે વધુ કોઈ વિગતો નથી.
એલએસી પર સતત ઉશ્કેરણીજનક આક્રમક વલણ અપનાવી રહેલી ચીની સેનાએ હવે લદ્દાખમાં એલએસી નજીક યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે. ભારતીય સેનાએ પેંગોંગ ત્સો લેકના દક્ષિણ કિનારા પર આવેલા પર્વતીય શિખરો કબજે કર્યા બાદ ગિન્નાયેલા ચીને આ યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે. ચીનની સરકારી ટીવી ચેનલ સીજીટીએનના જણાવ્યા અનુસાર પશ્ચિમોત્તર ચીનમાં ચાલી રહેલી લાઇવ ફાયર ડ્રીલમાં ૧,૦૦૦ સૈનિક શસ્ત્રસરંજામ સાથે હિસ્સો લઈ રહ્યાં છે. ચીનના આ સૈનિકો સોમવારે ૧૦૦ વાહનો દ્વારા લદ્દાખમાં એલએસી નજીક પહોંચ્યા હતા. તેમને રેલવે લાઇન દ્વારા તિબેટ સુધી પહોંચાડવામાં આવ્યાં હતાં. આ લાઇવ ડ્રીલમાં ચીની સેનાના જવાનો તોપ, ટેન્ક અને મિસાઇલનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. સીજીટીએનના ન્યૂઝ પ્રોડયુસર શેન શી વેઇએ યુદ્ધ અભ્યાસની તૈયારીઓનો વીડિયો જારી કરતાં ટ્વિટ કર્યું હતું કે, મહેરબાનીને રાહ જુઓ.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ચીની સેનાએ ભારત સાથે મંત્રણાની આડમાં મોટી સંખ્યામાં તેના જવાનોને પેંગોંગ ત્સો લેકના દક્ષિણ કિનારા પર રાતના સમયે મોટી સંખ્યામાં સૈનિકો મોકલી એલએસીની યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય જવાનોએ બહાદુરીથી તેમને પાછા ધકેલી વ્યૂહાત્મક શિખરો પર કબજો જમાવી દીધો હતો. ભારતીય સેનાએ આ વિસ્તારમાં તાત્કાલિક મોટી સંખ્યામાં સૈનિક ટુકડીઓ ખડકી દીધી હતી.