India

કેન્દ્ર સરકારે ખેડૂતોને સ્પષ્ટ જણાવ્યું કે, તેઓ નવા કૃષિ કાયદાઓ દોઢ વર્ષ માટે સ્થગિત કરવાના પ્રસ્તાવ પર પુનઃવિચારણા કરે.

 1,218 Total Views

૩ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓના મુદ્દે ખેડૂત આગેવાનો અને કેન્દ્ર સરકાર વચ્ચે કોઇ સહમતી ન સધાતાં શુક્રવારે ૧૧મા રાઉન્ડની બેઠક નિષ્ફળ રહી હતી. ખેડૂતો કાયદાની સંપૂર્ણ વાપસી અને એમએસપીની કાયદાકીય બાંયધરીની માગ પર અડગ રહ્યાં હતાં જ્યારે કેન્દ્ર સરકારે ખેડૂતોને સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેઓ નવા કૃષિ કાયદાઓ દોઢ વર્ષ માટે સ્થગિત કરવાના પ્રસ્તાવ પર પુનઃવિચારણા કરે. આ વખતે મંત્રણા માટે નવી તારીખ પણ નક્કી કરાઇ નથી.

કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જાહેરાત કરી હતી કે ખેડૂતો સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરવા તૈયાર હશે તો જ હવે પછી મંત્રણા યોજાશે. સરકારના પ્રસ્તાવમાં ખોટું કશું નથી તેના કારણે નહીં પરંતુ અમને ખેડૂતોની ચિંતા છે તેથી આ પ્રસ્તાવ અપાયો છે. અમે ખેડૂતોને શ્રેષ્ઠ પ્રસ્તાવ આપ્યો છે પરંતુ દુર્ભાગ્યે તે નકારી કઢાયો છે. કૃષિ કાયદાઓમાં કોઇ સમસ્યા નથી. કોઇ શક્તિ આ આંદોલનની પાછળ છે.

કિસાન નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, બેઠકમાં સરકારે કૃષિ કાયદાઓ બે વર્ષ માટે સ્થગિત કરવાનો પ્રસ્તાવ મૂકતાં કહ્યું હતું કે, જો ખેડૂતો સરકારનો આ પ્રસ્તાવ સ્વીકારવા તૈયાર હોય તો જ હવે પછીની મંત્રણા યોજાઇ શકશે. બેઠકમાં સરકારનું વલણ યોગ્ય નહોતું. અમે આંદોલન વધુ ઉગ્ર બનાવીશું. ખેડૂત નેતા જોગિન્દરસિંહ ઉઘરને જણાવ્યું હતું કે, ખેડૂત સંગઠનોએ પ્રસ્તાવ નકારી કાઢયો હોવાથી મંત્રણાઓ પડી ભાંગી છે. બીજી બાજુ પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે જાહેરાત કરી છે કે, ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનારના એક પરિજનને નોકરી અને પાંચ લાખ રૂપિયા અપાશે.

પાંચ કલાકની મંત્રણામાં ફક્ત ૩૦ મિનિટ સીધી વાતચીત થઈ, આ અમારું અપમાન : ખેડૂતો

વિજ્ઞાન ભવન ખાતે સરકારના ૩ મંત્રી અને ખેડૂત આગેવાનો પાંચ કલાક સુધી રોકાયાં હતાં પરંતુ તેમની વચ્ચે ફક્ત ૩૦ મિનિટ સીધી વાતચીત થઇ હતી. કિસાન મઝદૂર સંઘર્ષ સમિતિના નેતા એસ એસ પાંઢેરે જણાવ્યું હતું કે, મંત્રીઓએ અમને સાડા ૩ કલાક સુધી રાહ જોવડાવી હતી. આ ખેડૂતોનું અપમાન છે.

૨૬ જાન્યુ.એ દિલ્હીના આઉટર રિંગરોડ પર ટ્રેક્ટર પરેડ યોજીને જ જંપીશું : ખેડૂતો

રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, ૨૬ જાન્યુઆરીના રોજ નિયત કાર્યક્રમ પ્રમાણે ખેડૂતોની ટ્રેક્ટર પરેડનું આયોજન થશે. અમે તેમાં પીછેહઠ કરવાના નથી. ખેડૂત આગેવાન દર્શન પાલે જણાવ્યું હતું કે, દિલ્હીના આઉટર રિંગ રોડ પર જ ટ્રેક્ટર રેલી યોજાશે. સરકાર કહે છે કે સુરક્ષાના કારણોસર રિંગ રોડ પર પરેડ યોજી શકાય નહીં પરંતુ અમે રિંગ રોડ પર જ ટ્રેક્ટર પરેડ યોજીશું. ખેડૂત આગેવાન પી ક્રિશ્નપ્રસાદે જણાવ્યું હતું કે, સરકારને સંસદ દ્વારા પસાર કરાયેલો કાયદો સ્થગિત કરવાનો અધિકાર નથી.

Leave a Reply

Your email address will not be published.