963 Total Views
કોરોના સંકટની વચ્ચે હવે ઇકોનોમીની દ્રષ્ટિએ સારા સમાચાર મળવા લાગ્યા છે. PMIના આંકડાઓ પ્રમાણે સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ સાડા 8 વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. આ પહેલા સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો આંકડો આવ્યો હતો કે સપ્ટેમ્બરમાં બેરોજગારીમાં ઘટાડો થયો છે. દેશમાં મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં વધીને 56.8 પર પહોંચી ગયો. ઑગષ્ટમાં આ 52 પર હતો.
2012 બાદ પીએમઆઈનું સૌથી ઊંચુ સ્તર છે
પીએમઆઈ 50થી ઉપર હોવાનો મતલબ છે કે મેન્યુફેક્ચરિંગ ગિતિવિધિ વધી રહી છે અને 50થી ઓછી હોવાનો મતલબ છે કે આમાં ઘટાડો આવ્યો છે. જાન્યુઆરી 2012 બાદ આ પીએમઆઈનું સૌથી ઊંચુ સ્તર છે. નવા ઑર્ડર અને ઉત્પાદનમાં વધારાથી મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ લગભગ સાડા આઠ વર્ષના ઉચ્ચસ્તર પર પહોંચી ગઈ છે. એક રિપોર્ટ પ્રમાણે આઈએચએસ માર્કેટની ઇકોનોમિક્સ એસોસિએટ નિર્દેશક પોલિયાના ડી લીમાએ કહ્યું કે, “ભારતમાં મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. સપ્ટેમ્બરના પીએમઆઈ આંકડાઓમાં અનેક સકારાત્મક ચીજો છે.”
33 ટકા મેન્યુફેક્ચર્સને ઉત્પાદનમાં વધારાની આશા
તેમણે આગળ કહ્યું કે, “કોવિડ-19 અંકુશોમાં ઢીલ બાદ કારખાનાઓ સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહ્યા છે અને તેમને નવા ઑર્ડર મળી રહ્યા છે. સતત 6 મહિના સુધી મંદી બાદ નિકાસ પણ સુધરી છે.” રોજગારના મોર્ચે ચિંતાના અનેક બિંદુ બન્યા છે. લીએમાએ કહ્યું કે, “જે એક ક્ષેત્ર ચિંતા પેદા કરે છે, તે છે રોજગાર. કેટલીક કંપનીઓને કર્મચારીઓની નિમણુકમાં મુશ્કેલી આવી રહી છે, જ્યારે કેટલાક અન્યનું કહેવું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે તેમણે કર્મચારીઓની સંખ્યાને ઓછામાં ઓછી કરી છે. આઈએચએસ માર્કેટ ઇન્ડિયાના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 12 મહિના દરમિયાન લગભગ 33 ટકા મેન્યુફેક્ચર્સને ઉત્પાદનમાં વધારાની આશા છે. તો 8 ટકાનું માનવું છે કે ઉત્પાદનમાં ઘટાડો આવશે.