India

કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન અને સરકારના વલણ અંગે સુપ્રીમ કોર્ટે આકરી નારાજગી વ્યક્ત કરી.

 1,656 Total Views

કૃષિ કાયદાના વિરોધમાં વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હીની સરહદોએ કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન અને સરકારના વલણ અંગે સુપ્રીમ કોર્ટે આકરી નારાજગી વ્યક્ત કરી હતી. ચુકાદાના એક દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે સોમવારે યોજાયેલી સુનાવણીમાં જણાવ્યું હતું કે, સરકાર આ સમસ્યા અને કાયદાની ગૂંચવણનો ઉકેલ લાવવા માગે છે કે નહીં? ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ બોપન્ના અને જસ્ટિસ રામ સુબ્રમણ્યમની બેન્ચ દ્વારા સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમે લાલઘૂમ થતાં જણાવ્યું હતું કે, સરકાર આ મુદ્દાને યોગ્ય રીતે સંભાળી શકી જ નથી. અમે સરકારથી નિરાશ છીએ. સરકારે અમને જણાવ્યું હતું કે, અમે ચર્ચા કરી રહ્યા છીએ પણ કેવી ચર્ચા ચાલી રહી છે? કોર્ટે સરકારને ચેતવણી આપતા જણાવ્યું કે, આ મુદ્દે ઉકેલ લાવવો જરૂરી છે. જો સરકાર કાયદાને હોલ્ડ ન કરી શકતી હોય તો અમારે સ્ટે મૂકવો પડશે. અમારી પાસે અત્યાર સુધી કોઈ એવી અરજી આવી નથી જેમાં જણાવાયું હોય કે કૃષિ કાયદા સારા છે. કિસાન યુનિયન તેના દાવા કરતું હોય તો આ લોકોને બેઠક સમયે ખેડૂતોની કમિટીની સામે બેસાડવા જોઈએ. સુપ્રીમે એમ પણ જણાવ્યું કે, અમે નથી ઈચ્છતા કે હાલમાં જે નાનો તણખો છે ભયાનક આગમાં પલટાઈ શકે છે. કોર્ટ નથી ઈચ્છતી કે તેના હાથ લોહીથી ખરડાય પણ અમે આંદોલન કરવાના અધિકારને પણ અવગણી શકીએ નહીં.

કેન્દ્ર સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે, આ બધું પહેલાંની સરકારો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. સુપ્રીમે આ મુદ્દે સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું કે, સરકારની આ દલીલ ચાલશે નહીં કે આ બધું પહેલાની સરકારોએ શરૂ કર્યું હતું. તમે આ આંદોલનનો કેવી રીતે ઉકેલ લાવી રહ્યા છો? અમે માત્ર એટલું જ જાણવા માગીએ છીએ.

લોકો મરી રહ્યાં છે, આત્મહત્યા કરી રહ્યાં છે, સરકાર ઉકેલ લાવી શકશે કે નહીં ?: સુપ્રીમ

ચીફ જસ્ટિસે જણાવ્યું કે, તમે ઉકેલ લાવી શકશો કે નહીં. લોકો મરી રહ્યા છે, આત્મહત્યા કરી રહ્યા છે. અમે નથી જાણતા પણ ખેડૂતોએ મહિલાઓ અને બાળકો તથા વૃદ્ધોને પણ ધરણાસ્થળે બેસાડી રાખ્યા છે. આ મુદ્દે હવે અમે એક કમિટીની રચના કરવાના છીએ. અમને નથી ખબર કે મહિલાઓ અને વૃદ્ધો આટલી ઠંડીમાં માટે અહીંયાં રહ્યા છે. સરકાર કાયદા મુદ્દે એક્શન ન લઈ શકતી હોય તો અમે લઈ લઈએ. જસ્ટિસ બોબડેએ વધુમાં જણાવ્યું કે, જે રીતે સરકાર આ મુદ્દાને હેન્ડલ કરી રહી છે અમે તેનાથી જરાય ખુશ નથી. ગત સુનાવણીમાં પણ કહેવાયું હતું કે, વાત ચાલી રહી છે. ખરેખર શું ચાલી રહ્યું છે? અમે ખેડૂતોના મુદ્દાના નિષ્ણાત નથી પણ જો સરકાર આ દિશામાં પગલાં નહીં ભરે અને કાયદાને હોલ્ડ ઉપર નહીં રાખે તો અમે રાખીશું.

આટલો મહત્ત્વનો કાયદો ધ્વનિમતથી કેમ પસાર કરાવી દીધો : સિનિયર એડવોકેટ દુષ્યંત દવે

ખેડૂતો તરફથી હાજર સુપ્રીમના સિનિયર એડવોકેટ દુષ્યંત દવેએ જણાવ્યું કે, ખેડૂતોને રામલીલા મેદાન જવા દેવાતા નથી. તેના કારણે ખેડૂતો દિલ્હીની સરહદોએ આંદોલન કરવા મજબૂર છે. ખેડૂતો માત્ર પોતાની વાત શાંતિપૂર્ણ રીતે રજૂ કરવા માગે છે અને તેનો ઉકેલ ઈચ્છે છે. દુષ્યંત દવેએ કાયદાની ગંભીરતા સામે પણ સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, સરકાર જો ખેડૂતો અને કાયદા અંગે ગંભીર હોત તો તેમણે શા માટે ધ્વનિમતથી કાયદો પસાર કરાવી દીધો. શા માટે સંયુક્ત સત્ર બોલાવીને કાયદા અંગે ફરીથી ચર્ચા કરાતી નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, સુપ્રીમ દ્વારા જે કમિટીની વાત કરવામાં આવી રહી છે તેની સામે જવા અંગે ખેડૂત સંગઠનો દ્વારા નિર્ણય કરાશે કારણ કે ખેડૂતોના ૪૦૦ સંગઠનો છે. તેમણે એ પણ ખાતરી આપી હતી કે, ૨૬ જાન્યુઆરીએ ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી કાઢવામાં નહીં આવે અને કોઈ નુકસાન પણ કરવામાં નહીં આવે. આ મુદ્દે યોગ્ય ઉકેલ આવે તે જરૂરી છે.

કોર્ટને ધૈર્ય રાખવા અંગે લેક્ચર આપશો નહીં : એટર્ની જનરલને સુપ્રીમની ટકોર

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર તરફથી દલીલ કરતા જણાવ્યું હતું કે, કમિટી અંગે નામ સૂચવવા માટે એક દિવસનો સમય આપવામાં આવે. કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું કે, અમે નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છીએ. અમારી પાસે સમય નથી, અમે આદેશ જારી કરી દઈશું. બીજી તરફ એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે જણાવ્યું કે, આદેશ આવતીકાલે આપજો, ઉતાવળ ન કરશો. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, શા માટે નહીં? અમે અત્યાર સુધી તમને ઘણો સમય આપ્યો હતો. કોર્ટને ધૈર્ય રાખવા અંગે લેક્ચર આપશો નહીં. અમે નક્કી કરીશું કે આદેશ ક્યારે આપવો છે. અમે આજે પણ આદેશ આપીએ અને આવતીકાલે પણ આપીએ. અમે ટુકડે ટુકડે પણ આદેશ જારી કરી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published.