Corona-live India

કોરોનાના સંક્રમણની ભયાનક સ્થિતિ: બ્રાઝિલને પછાડીને ભારત બીજા નંબરે, 24 કલાકમાં રેકર્ડબ્રેક કેસ

 527 Total Views

બ્રાઝિલને પછાડીને ભારત વિશ્વનો બીજો સૌથી વધુ કોરોના સંક્રમિત દેશ બની ગયો છે. અહીં 42 લાખથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 90,802 નવા કેસ નોંધાયા છે અને 1016 લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યારે વિશ્વમાં સૌથી વધુ સંક્રમણ છે. પરંતુ ભારતમાં દરરોજ અમેરિકા કરતાં બે થી ત્રણ ગણા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.

હવે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 42 લાખ 4 હજાર થઈ ગઈ છે. તેમાંથી 71,642 લોકોનાં મોત થઇ ચૂકયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 8 લાખ 82 હજાર થઈ ગઈ છે અને 32 લાખ 50 હજાર લોકો સાજા થઇ ચૂકયા છે. સંક્રમણના સક્રિય કેસોની સંખ્યાની સરખામણીમાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા સાડા ત્રણ ગણી વધુ છે.

અત્યાર સુધીમાં 4 કરોડ 98 લાખ સેમ્પલ ટેસ્ટ

આઇસીએમઆર અનુસાર 6 સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરસના કુલ 4 કરોડ 98 લાખે સેમ્પલ ટેસ્ટ થઇ ચૂકયા છે, તેમાંથી ગઈકાલે 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું. પોઝિટિવિટી રેટ 7 ટકા કરતા ઓછો છે. કોરોના વાયરસના 54% કેસ 18 વર્ષ થી 44 વર્ષની ઉંમરના લોકોને છે, પરંતુ કોરોના વાયરસથી થનાર 51% મોત 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં થયા છે.

દેશમાં ત્રણ મહિનાની અંદર જ રિકવરી દર્દીઓની સંખ્યા 1 લાખથી 30 લાખ સુધી પહોંચી ગઇ છે. 3 જૂન સુધીમાં એક લાખ લોકો રિકવર થયા હતા. ત્યારબાદ 4 સપ્ટેમ્બર સુધીમાં 30 લાખ લોકો રિકવર થયા. 11 જૂન સુધીમાં રિકવર દર્દીઓની સંખ્યા 5 લાખ થઇ, 30 જુલાઇ સુધીમાં 10 લાખ, 10 ઓગસ્ટ સુધીમાં 15 લાખ, 19 ઓગસ્ટ સુધીમાં 20 લાખ, 27 ઓગસ્ટ સુધીમાં 25 લાખ થઇ.

મૃત્યુદરમાં ઘટાડો

રાહતની વાત છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાયો છે. મૃત્યુ દર ઘટીને 1.71% થયો છે. આ સિવાય એક્ટિવ કેસ જેમની સારવાર ચાલી રહી છે તેમનો દર પણ ઘટીને 21% થઇ ગયો છે. તેની સાથે જ રિકવરી રેટ એટલે કે સાજા થવાનો દર 77% થઈ ગયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.

આંકડા મુજબ દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં બે લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. ત્યારબાદ બીજા નંબરે તમિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી, ચોથા નંબરે ગુજરાત અને પાંચમા ક્રમે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસના કિસ્સામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વનો બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અમેરિકા અને બ્રાઝિલમાં મૃત્યુ પછી ભારતનો નંબર છે.

Leave a Reply

Your email address will not be published.