Business

શંકાસ્પદ રશિયન હેકરોએ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા એક સોફ્ટવેર પ્રોગ્રામમાં મેલિસિયસ કોડ દાખલ કરી દીધો છે.

 1,365 Total Views

સરકારી એજન્સીઓ અને સમગ્ર વિશ્વમાં પથરાયેલી કંપનીઓ સહિત ઓછામાં ઓછા ૨૦૦ સંસ્થાનો પર શંકાસ્પદ રશિયન સાઇબર એટેક અંતર્ગત હેકિંગનો શિકાર બની છે. એક સાઇબર સિક્યુરિટી ફર્મ અને હાલમાં ચાલી રહેલી તપાસ સાથે સંકળાયેલા ૩ વ્યક્તિએ માહિતી આપી છે કે, શંકાસ્પદ રશિયન હેકરોએ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા એક સોફ્ટવેર પ્રોગ્રામમાં મેલિસિયસ કોડ દાખલ કરી દીધો છે. આ સાઇબર એટેકનો શિકાર કેટલી કંપની, એજન્સી અને સંસ્થાઓ બની છે તેનો આંકડો પણ હજુ સ્પષ્ટ થયો નથી. હેકરોએ સોલારવિન્ડ્સ કોર્પોરેશનના ઓરિઓન નેટવર્ક મેનેજમેન્ટ સોફ્ટવેરમાં સેંધમારી કરીને સાઇબર એટેક કર્યો હતો. થ્રેટ એનાલિસ્ટ લિસ્કાએ જણાવ્યું હતું કે, મેસેચ્યુસેટ્સ ખાતેની સાઇબર સિક્યુરિટી ફર્મ રેકોર્ડેડ ફ્યૂચર કોર્પોરેશને સોલારવિન્ડ્સ બેકડોરનો ઉપયોગ કરી હેક કરાયેલા ૧૯૮ વિક્ટિમની ઓળખ કરી લીધી છે. આ હેકિંગની તપાસ સાથે સંકળાયેલા ૩ વ્યક્તિઓના જણાવ્યા અનુસાર હેકરોએ ૨૦૦ સંસ્થાનને લક્ષ્યાંક બનાવ્યાં છે. તેમણે કોમ્પ્યૂટર નેટવર્કમાં સેંધ મારીને યૂઝરના ક્રેડેન્શિયલ હાંસલ કરી લીધાં હતાં. સાઇબર સિક્યુરિટી નિષ્ણાતો આ પ્રકારના હેકિંગને હેન્ડ્સ ઓન કીબોર્ડ એક્ટિવિટી કહે છે. તપાસની સાથે હેકિંગનો ભોગ બનેલી સંસ્થાઓની સંખ્યામાં વધારો થઇ શકે છે. રશિયાના આ શંકાસ્પદ સાઇબર એટેકનો ભોગ બનેલી કંપનીઓ, સરકારી એજન્સીઓ અને સંસ્થાઓના નામ તપાસકર્તાઓ દ્વારા જારી કરાયા નથી. સોલારવિન્ડ્સના ૧૮,૦૦૦ કસ્ટમરને મેલિસિયસ અપડેટ પ્રાપ્ત થયાં હતાં. સાઇબર એટેક કરનારાઓએ કોમ્પ્યૂટર નેટવર્કમાં સેંધમારી માટે બેકડોરનો ઉપયોગ કર્યો હતો.૧૦૦૦થી વધુએ સેકન્ડ સ્ટેજ કમાન્ડ હેકિંગનો અનુભવ કર્યો હતો.

હેકરો રશિયન સરકાર સાથે સંકળાયેલા હોવાની પહેલેથી શંકા : પોમ્પિઓ

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ રશિયા દ્વારા હેકિંગ કરાયું હોવાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, અમને પહેલેથી જ શંકા હતી કે હેકરો રશિયાની સરકાર સાથે સંકળાયેલાં છે. અમેરિકી સરકારની સિસ્ટમોમાં મેલિસિયસ કોડ દાખલ કરીને થર્ડ પાર્ટી સોફ્ટવેરનો ઉપયોગ કરવાનો નોંધનીય પ્રયાસ કરાયો હતો. હવે એમ લાગી રહ્યું છે કે સમગ્ર વિશ્વમાં સરકારો, ગ્લોબલ કંપનીઓ અને પ્રાઇવેટ કંપનીઓની સિસ્ટમને લક્ષ્યાંક બનાવવામાં આવી છે. અમે હવે ખાતરી સાથે કહીએ છીએ કે આ હેકિંગ માટે રશિયનો જ જવાબદાર છે. જોકે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોમ્પિઓના આરોપોને હળવા બનાવવાનો પ્રયાસ કરતાં જણાવ્યું હતું કે, હેકિંગ માટે રશિયા નહીં પરંતુ ચીન જવાબદાર હોઇ શકે છે,

૨૦૨૦માં ભારતમાં ૩ કરોડ ૬૦ લાખ સાઇબર એટેક થયા..!

કાસપર્સ્કાય રિસર્ચર્સના જણાવ્યા અનુસાર ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૦માં વિશ્વમાં રિમોટ ડેસ્કટોપ પ્રોટોકોલ્સ પરના સાઇબર હુમલામાં ૨૪૨ ટકાનો વધારો થયો છે. નવેમ્બર ૨૦૨૦ સુધીમાં સમગ્ર વિશ્વમાં રિમોટ ડેસ્કટોપ પ્રોટોકોલ્સ પર ૩૩૦ કરોડ સાઇબર એટેક થયા હતા. ભારતમાં ૨૦૨૦માં રિમોટ ડેસ્કટોપ પ્રોટોકોલ્સ પર ૩ કરોડ ૬૦ લાખ એટેક થયા હતા. સાઇબર ક્રિમિનલ્સ વર્ક ફ્રોમ હોમ કરી રહેલા કર્મચારીઓને નિશાન બનાવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.