886 Total Views
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ નિર્માતા-નિર્દેશક કરણ જૌહર, સંજય લીલા ભણસાળી, એકતા કપૂર અને અભિનેતા સલમાન ખાન સહિત આઠ લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઈ સ્થિત તેના નિવાસે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બોલિવૂડના કેટલાક સિતારાઓએ સુશાંતના આ પગલા પાછળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શોષણને કારણ ગણાવ્યુ છે.
કરણ જોહર, સંજય લીલા ભણસાલી, એકતા કપૂર અને સલમાન ખાન સહિત આઠ લોકો સામે બિહારમાં કેસ નોંધવામાં આવ્યો છે. એડ્વોકેટ સુધીર ઓઝાએ આ તમામ કલાકારો વિરુદ્ધ મુઝફ્ફરપુર કોર્ટમાં આઈપીસીની કલમ 306, 109, 504 અને 506 હેઠળ કેસ દાખલ કર્યો છે. પોસ્ટમોર્ટમના રીપોર્ટ મુજબ, સુશાંત સિંહ રાજપૂત હતાશામાં સરી પડ્યો હતો, કેટલાક ફિલ્મી કલાકારોએ સુશાંતની આત્મહત્યા બાદ આરોપ લગાવ્યો હતો કે આ પગલુ ભરવા માટે ઉશ્કેર્યો હતો.
આ સ્ટાર્સે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નેપોટિઝમ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂત આ વસ્તુનો શિકાર બન્યો છે. અભિનેત્રી કંગના રનૌતે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ગંભીર આરોપો લગાવવાનો એક વીડિયો જાહેર કર્યો હતો. તેણે કહ્યું કે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા નથી પણ હત્યા છે. તેમના સિવાય રણવીર શૌરી, અભિનવ સિંહ કશ્યપ સહિતના અન્ય સ્ટાર્સે પણ ભાઈ-ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો છે.
બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત રાજકારણીઓએ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ સામે પગલાં લેવાની માંગ કરી છે. ભારતીય મહિલા રેસલર અને ભાજપની નેતા બબીતા ફોગાટે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરની ટીકા કરી અને વખોડ્યો હતો. બબીતા ફોગાટે એક પછી એક ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
આ સિવાય ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ બોલિવૂડના નિર્માતાઓ સામે કેસ નોંધવાની માંગ કરી છે. તેમણે ટ્વિટર પર પોતાનો એક વીડિયો શેર કરતાં કહ્યું કે, ‘પૂર્વાંચલ કલાકારોએ પોતાનું એક અલગ ફિલ્મ ઉદ્યોગ બનાવવા માટે સરકાર પર દબાણ કરવું જોઈએ. અને નિર્માતાઓ કે જેમણે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ બાયકોટ કરી હતી અથવાફિલ્મોમાંથી કાઢ્યો હતો તે તમામ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.